- મોટી સંખ્યામાં લોકો ભાજપ કાર્યાલય ખાતે ઈન્જેક્શન લેવા માટે ઉમટી પડ્યા
રાજકીય પાર્ટી રાજકારણનો ખેલવામાં કેટલી હદે જઈ શકે છે તેનો પુરાવો સુરતના ઉધનામાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે જોવા મળ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા ખાનગી હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન ફાળવવામાં આવશે નહીં એવી જાહેરાત કરી છે. જ્યારે બીજી તરફ ભાજપે 1000 ઈન્જેક્શન લોકોને આપવાની જાહેરાત કરી અને ઉધના કાર્યાલય ખાતે વિતરણ શરૂ કર્યું છે. જો ખાનગી હોસ્પિટલો અને જિલ્લા કલેકટર તરફથી ફાળવવા માટે ઈન્જેકશન ન હોય તો ભારતીય જનતા પાર્ટી પાસે ઈન્જેક્શન ક્યાંથી આવ્યા તે એક મોટો પ્રશ્ન છે.
ભાજપ પાસે ઈન્જેક્શનો કેવી રીતે આવ્યા એ તપાસનો વિષય
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર, પાટીલ દ્વારા ઉધના ભાજપ કાર્યાલય ખાતેથી 1000 જેટલા ઈન્જેક્શનો દર્દીને આપવા માટેની જાહેરાત કરતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો ભાજપ કાર્યાલય ખાતે ઈન્જેક્શન લેવા માટે ઉમટી પડ્યા છે. લોકો પોતાના સંબંધી કે જે હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે તેમના માટે ઈન્જેક્શન લેવા માટે પહોંચી ગયા છે. જોકે, સૌથી મહત્વની વાતએ છે કે, ભાજપ પાસે આ ઈન્જેક્શનો કેવી રીતે આવ્યા છે. ઈન્જેક્શનનો આટલો મોટો જથ્થો ભારતીય જનતા પાર્ટીએ કોની પાસેથી મંગાવ્યો છે અને કોણે ફાળવ્યા છે તે તપાસનો વિષય બની જાય છે.
ભાજપના નેતાઓ કાર્યાલય ઉપર લોકોને બોલાવીને ઈન્જેક્શન આપે છે
ભાજપ ઈન્જેક્શન લઇને રાજકારણ રમતો હોય તેવું જણાઈ રહ્યું છે. કલેક્ટર પોતે ઈન્જેક્શનો પૂરતો જથ્થો વહીવટી તંત્ર પાસે ન હોવાનું સત્તાવાર રીતે જણાવતા હોય ત્યારે ભાજપના નેતાઓ પાસે આટલા મોટા પ્રમાણમાં ઈન્જેક્શનો કેવી રીતે આવ્યા છે તેને લઈને શહેરમાં અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે. શું ભાજપના નેતાઓ માત્ર રાજકારણ ખેલવા માટે જરૂરિયાત મંદ દર્દીના સંબંધીઓને પોતાની કાર્યાલય સુધી લાવી રહ્યા છે. આજે મહદઅંશે કોરોનાગ્રસ્ત દર્દીઓને રેમડેસિવિર ઈન્જેક્શનની જરૂરિયાત છે. ત્યારે લોકોની જરૂરિયાત અને લાચારીનો લાભ લેતા હોય તેમ ભાજપના નેતાઓ ભાજપ કાર્યાલય ઉપર બોલાવીને ઈન્જેક્શન આપી રહ્યા છે.
લોકોની જરૂરિયાતનો લાભ ઉઠાવવાના પ્રયાસની ચર્ચા
રાજકીય નેતાઓ અને રાજકીય પક્ષો કેટલી હદે રાજકારણ રમવામાં નીચે ઉતરી શકે છે અને લોકોની જરૂરિયાતનો કેવી રીતે લાભ ઉઠાવી શકે છે તે અહીં જોવા મળી રહ્યું છે. હોસ્પિટલમાં જે ઈન્જેક્શનો પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ તે ઈન્જેક્શન હોસ્પિટલમાં ન હોવાને બદલે ભાજપ કાર્યાલયમાં પહોંચી ગયા છે.
કલેક્ટરે ખાનગીમાં ઈન્જેક્શન ન આપવાની જાહેરાત કરી હતી
જિલ્લા કલેકટર ધવલ પટેલે પહેલાં નિવેદન આપ્યું કે તમામ ખાનગી હોસ્પિટલના દર્દીઓને ઈન્જેક્શન ફાળવવામાં આવશે અને બીજે જ દિવસે તેમણે લેખિતમાં જણાવ્યું કે, ઈન્જેક્શનો પૂરતો જથ્થો ન હોવાને કારણે ખાનગી હોસ્પિટલને હવે અમારા તરફથી ઈન્જેક્શન નહીં મળશે જે ખરેખર દુઃખદ બાબત છે. જિલ્લા કલેકટર કોના દરબારમાં પોતાના નિર્ણય પરથી આ રીતે એકાએક ફરી ગયા છે તેને લઈને લોકો ચર્ચા કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ પણ રાજકીય નેતાઓના ઇશારે નિર્ણય લેતા હોય તેવું લાગે છે.
આખી પ્રક્રિયા શંકાના દાયરામાં આવીઃ વિરોધ પક્ષના નેતા
વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ સીધો આક્ષેપ કર્યો કે, જે ઈન્જેક્શનો વહીવટી તંત્ર દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલને ફાળવવા જોઈતા હતા તેને બદલે હવે જાણે વહીવટી તંત્રનું કામ પણ રાજકીય લાભ લેવા માટે ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે. ઈન્જેક્શનનો આટલો મોટો જથ્થો વહીવટી તંત્ર પાસે ન હોય અને ભાજપ કાર્યાલય ઉપર પહોંચી જાય તો સ્વાભાવિક રીતે જ આખી પ્રક્રિયા શંકાના દાયરામાં આવી રહી છે. ભાજપ જે રાજકીય ખેલ ખેલી રહ્યું છે તે ખુબ જ દુઃખદ છે. આવા સમયે પણ રાજકીય લાભ લેવા માટે ભારતીય જનતા પાર્ટી આવા દાવપેચ કરી રહી છે.અને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ તેમના ઈશારે કામ કરી રહ્યા છે.
