કેજરીવાલનું માર્ગદર્શન:ગાંધીનગરમાં એક મહિનાની મહેનતમાં 22 ટકા મત મળ્યા, હવે વિધાનસભાની તૈયારી શરૂ કરો, મજબૂત વિકલ્પ બનીશું તો જ લોકો મત આપશે

By Abhishek Raghuvanshi
4 Min Read
  • સુરત અને ગાંધીનગરના કાર્યકરો સાથે દિલ્હીમાં કેજરીવાલે બેઠક કરી
  • ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીએ ચૂંટણીમાં મળેલા મતોની સમીક્ષા રજૂ કરી

ગુજરાતમાં સુરત અને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં AAP(આમ આદમી પાર્ટી )ને મળેલા વોટ અંગે દિલ્હીમાં ગુજરાતની ટીમે કેજરીવાલ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. ‘આપ’ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સુરત અને ગાંધીનગર મહાનગરપાલિકાનાં પરિણામને લઈને એવો દાવો કર્યો હતો કે ગુજરાતના લોકો ભાજપ અને કોંગ્રેસથી પરેશાન છે અને પરિવર્તન ઈચ્છી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી અસરકારક વિકલ્પના રૂપમાં લોકોને જણાશે ત્યારે જ લોકો મત આપશે. સુરતથી ચૂંટાયેલા કાઉન્સિલર્સ તેમજ ગાંધીનગરથી ચૂંટાયેલા કાઉન્સિલર્સ દિલ્હી વિધાનસભા ખાતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રૂબરૂ મળ્યા હતા. કેજરીવાલે તમામ કાઉન્સિલર્સ સાથે વિસ્તારથી ચર્ચા કરીને સૌને માર્ગદર્શન આપ્યું હતું.

કેજરીવાલે સુરત તથા ગાંધીનગરના કોર્પોરેટરો સાથે બેઠક કરી
કેજરીવાલે દિલ્હી વિધાનસભા ખાતે AAPના ચૂંટાયેલા કોર્પોરેટરો અને અગ્રણી નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે જેવી રીતે અમે દિલ્હીમાં સારું કામ કર્યું એવી વાત ગુજરાત સુધી પહોંચી, એવી જ રીતે સુરતમાં સારું કામ કરશો તો સમગ્ર રાજ્ય સુધી એ વાત પહોંચશે. ગાંધીનગરમાં એક મહિનાની મહેનતમાં જ આપણને 22 ટકા મત મળ્યા એ બદલ અભિનંદન પાઠવતાં કેજરીવાલે કહ્યું હતું કે કેરળમાં ભાજપ 40 વર્ષથી મહેનત કરે છે, પરંતુ 22 ટકા મત મળ્યા નથી. જો AAP મજબૂત વિકલ્પ તરીકે લોકો સમક્ષ ઊભરશે તો લોકો પણ આવકારવા માટે તૈયાર છે, પરંતુ જો લોકોને એમ લાગશે કે આપણે જીતવાના જ નથી તો લોકો મત આપવા માટે પણ તૈયાર નહીં થાય.

2022ની વિધાનસભા ચૂંટણી માટે તૈયાર રહોઃ કેજરીવાલ
AAPની ટીમને તેમણે 2022ની વિધાનસભા ચૂંટણી માટે તૈયાર રહેવા અને વધુ મહેનત કરવા જણાવ્યું હતું. જો વધુ મહેનત કરશો તો સારું પરિણામ મળશે. આમ આદમી પાર્ટી પાસે પૈસા નથી, એટલે વિધાનસભાની ચૂંટણી વખતે થોડા રૂપિયા કે પદ માટે વેચાઈ નહીં જવા માટે પણ પાર્ટીના કાર્યકરોને સ્પષ્ટપણે કહ્યું હતું. AAPની ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓ પોતે જ કામગીરી કરી રહી છે. તેમના પતિ પણ તેમને મદદ કરી રહ્યા હોવાનું પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું.

કેજરીવાલે સુરત અને ગાંઘીનગરના કોર્પોરેટરો સાથે મુલાકાત કરી.

AAPએ કૉંગ્રેસનું ગણિત બગાડ્યું
ગાંધીનગર મનપામાં ભાજપ કોંગ્રેસની લડાઈમાં આમ આદમી પાર્ટીએ કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવીને બન્ને મોટા પક્ષોને નુકસાન પહોંચાડયું છે. જોકે ભાજપ 41 સીટ સાથે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં સૂપડાં સાફ કરી દેવામાં આવ્યાં છે. ત્યારે આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસને સૌથી વધુ નુકસાન થવા પામ્યું છે.

- Advertisement -
9 ઓક્ટોબરે ગુજરાતની આમ આદમી પાર્ટીની ટીમ સાથે કેજરીવાલે મીટિંગ કરી હતી.

ગાંધીનગરમાં ચાર વોર્ડમાં કૉંગ્રેસ કરતાં AAPને વધુ મત મળ્યા
આમ આદમી પાર્ટીએ ગાંધીનગર મનપામાં પ્રથમવાર ચૂંટણી લડી હતી, પરંતુ તેને ધારી સફળતા મળી નથી. અહીં AAPને ફક્ત નામ માત્રની એક જ બેઠક મળી છે. આમ આદમી પાર્ટીના ડાયરાઓમાં ભીડ તો ખૂબ એકઠી થઈ, પણ એ મતમાં કન્વર્ટ ના થઈ શકી. જોકે આમ આદમી પાર્ટીએ પ્રથમ ચૂંટણીમાં મેળવેલા મતને નજરઅંદાજ પણ કરી શકાય એમ નથી. AAP તેની પ્રથમ ચૂંટણીમાં અહીં 21.72 ટકા મત મેળવવામાં સફળ રહી છે. મનપાના વોર્ડ નંબર 6,8,9 અને 10 તો એવા વોર્ડ છે કે અહીં AAPને કૉંગ્રેસ કરતાં વધુ મત મળ્યા છે.

Exit mobile version