અમદાવાદની શાન:રિવરફ્રન્ટ પર ફૂટ ઓવરબ્રિજનું ડિસેમ્બરમાં લોકાર્પણ, સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પૂર્ણતાને આરે, હવે 92 મીટર ઊંચા ત્રણ સ્કાયસ્ક્રેપર બનશે

By Abhishek Raghuvanshi
5 Min Read
પ્રતિકાત્મક તસવીર
  • શહેરના સૌથી ઉંચા આ બિલ્ડીંગોમાં પ્લોટની સાઈઝને ધ્યાનમાં રાખીને FSI પણ અપાશે.
  • એજયુકેશનલ ઈન્સ્ટીટયુટ સહીત કુલ 28 જેટલી કંપનીઓએ આ પ્રોજેકટમાં રસ બતાવ્યો હતો.

અમદાવાદ શહેરનો વિકાસ હવે નવી ઉંચાઈને આંબવા તરફ આગળ વધી રહ્યો છે. સાબરમતી રીવરફ્રન્ટ કાંઠા વિસ્તારમાં આવનારા સમયમાં 92.4 મીટરની ઉંચાઈ ધરાવતા અને 22 માળ સુધીના બિલ્ડીંગો પણ બનશે. અમદાવાદ મ્યુનિ.દ્વારા ડેવલપર્સો પાસેથી આ અંગે અભિપ્રાય મેળવવામાં આવતા રીવરફ્રન્ટના પશ્ચિમ કાંઠાના ટાગોરહોલ અને ઈવેન્ટ સેન્ટર વચ્ચે આ પ્રકારના ત્રણ બિલ્ડીંગોના નિર્માણને સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. આ સ્કાયસ્ક્રેપરની સાથે રિવરફ્રન્ટ પર ફૂટ ઓવરબ્રિજનું ડિસેમ્બરમાં લોકાર્પણ થશે. તે ઉપરાંત 4 ક્રિકેટ પીચ, 4 ટેનિસ કોર્ટ સાથેનું સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું કામ પણ પૂર્ણ થવાને આરે છે.

22 માળની 3 બિલ્ડીંગો રીવરફ્રન્ટના પશ્ચિમ કાંઠા વિસ્તારમાં બનશે
સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રીવરફ્રન્ટના પશ્ચિમ કાંઠા વિસ્તારમાં બહુમાળી ઈમારતોના બાંધકામ બાબતમાં વિવિધ ડેવલપર્સના અભિપ્રાય મંગાવતા એજયુકેશનલ ઈન્સ્ટીટયુટ સહીત કુલ 28 જેટલી કંપનીઓએ આ પ્રકારના પ્રોજેકટમાં રસ બતાવ્યો હતો. 92.4 મીટરની ઉંચાઈ ધરાવતા જે બિલ્ડીંગો રીવરફ્રન્ટના પશ્ચિમ કાંઠા વિસ્તારમાં બનશે એ બિલ્ડીંગોમાં 22 માળ હશે. દરેક માળ 4.2 મીટરની ઉંચાઈ વાળા હશે. નિર્માણ પામનાર બહુમાળી બિલ્ડીંગો પૈકી એક બિલ્ડીંગમાં મોલ અને બીજા બિલ્ડીંગમાં એજયુકેશનલ ઈન્સ્ટીટયુટ બનાવાશે એમ સુત્રો તરફથી જાણવા મળ્યુ છે.આ બિલ્ડીંગોમાં પ્લોટની સાઈઝને ધ્યાનમાં રાખીને એફ.એસ.આઈ. પણ આપવામાં આવશે.

રિવરફ્રન્ટ આકાર પામેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું કામ પૂર્ણ થવાને આરે

4 ક્રિકેટ પીચ, 4 ટેનિસ કોર્ટ સાથેનું સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પૂર્ણ થવાને આરે
રિવરફ્રન્ટ પર શહેરના મહત્વકાંક્ષી સ્પોર્ટ્સ કોમ્પલેક્સની કામગીરી પૂર્ણતાને આરે છે. 25 કરોડથી વધારે રકમના ખર્ચથી તૈયાર થનારૂ આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાત માટે પણ યુનિક હશે. આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં ક્રિકેટ પ્રેક્ટિસ માટેની 4 પીચ અને 4 ટેનિસ કોર્ટ પણ હશે. તે ઉપરાંત 4 બાસ્કેટ બોલની પણ પીચ હશે. આ સ્થળે સ્કેટબોર્ડની પણ વ્યવસ્થા હશે. સિન્થેટિક જોગિંગ ટ્રેક પણ હશે. યુવાનો માટે ખાસ ઓપન જીમ અને બાળકો માટે પણ પ્લે એરિયા રહેશે. એક જ કોમ્પલેક્સમાં આટલી મોટી સ્પોર્ટ્સ એક્ટિવીટી થઈ શકે તેવું યુનિક કોમ્પલેક્સ હશે.

ફૂટ ઓવરબ્રિજનું ડિસેમ્બરમાં લોકાર્પણ થશે
અમદાવાદ શહેરના રમણીય એવા સાબરમતી રિવરફ્રન્ટના એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે 75 કરોડના ખર્ચે બાંધવામાં આવી રહેલા આઇકોનિક ફૂટ ઓવરબ્રિજના બાંધકામને પૂરું કરવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી ડિસેમ્બર માસ પહેલાં તેનું લોકાર્પણ કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર પદયાત્રીઓ અને સાઇક્લિસ્ટો માટે આ ફૂટબ્રિજ આકર્ષણરૂપ બની રહે તે માટે કેટલીક વિશિષ્ટ સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

- Advertisement -
રિવફ્રન્ટ પર તૈયાર થયેલા ફૂટ ઓવરબ્રિજનું ડિસેમ્બરમાં લોકાર્પણ થશે.

પદયાત્રીઓ,સાઇક્લિસ્ટો આવન-જાવન કરી શકશે
ફૂટ ઓવરબ્રિજ પર આર્ટકલ્ચર ગેલેરી ઊભી કરાશે. ફૂડ સેન્ટર એટલે કે ખાણી-પીણીનો સ્ટોલ ઊભો કરાશે અને ફૂટ ઓવરબ્રિજના પશ્ચિમ તથા પૂર્વ છેડા પર મલ્ટિલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરાશે. આ આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ ૩૦૦ મીટર લાંબો અને પશ્ચિમ તથા પૂર્વના બંને છેડેથી તેમાં પદયાત્રીઓ સાઇક્લિસ્ટો આવન-જાવન કરી શકશે. આ ફૂટ ઓવરબ્રિજનું બાંધકામ 2019ના અંતમાં શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાકાળને કારણે ખાસ્સો લાંબો સમય કામ બંધ રહેતા વિલંબ થતાં આગામી ડિસેમ્બર માસ પહેલાં બાંધકામ પૂરું કરી દેવામાં આવશે અને એ સાથે જ ડિસેમ્બરમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે.

બંને છેડે ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, ગ્રીન બેલ્ટ તૈયાર કરાશે
રિવરફ્રન્ટ ફેઝ-2માં રિવરફ્રન્ટ પૂર્વના 11.5 કિ.મી.માં 5.8 કિ.મી.નો ઉમેરો કરી પશ્ચિમમાં 11.5 કિ.મી.માં 5.2 કિ.મી.નો વધારો કરાશે. ઇન્દિરાબ્રિજ સુધી બંને કિનારા થઇને આશરે 11.5 કિ.મી. જેટલો પ્રોજેક્ટ ફેઝ-2 અંતર્ગત લંબાવવાનો નક્કી કરવામાં આવ્યું છે, જેથી બંને બાજુ થઇને લંબાઈ હવે કુલ 34 કિ.મી. થશે. નદીની બંને બાજુ સ્ટેપિંગ પ્રોમેનાડ, રોડ નેટવર્ક, એક્ટિવ ગ્રીન પાર્કસ તથા રેસિડેન્સ અને કોમર્શિયલ પ્રકારનાં વિકાસનાં કાર્યોનો સમાવેશ થશે.રિવરફ્રન્ટ ફેઝ-2 વધારે હરિયાળો બનાવવા માટે એમાં નદીના બંને કાંઠે ગ્રીન પટ્ટા અલગ અલગ લેવલ પર વૃક્ષોનું વાવેતર, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, આર્ટ અને કલ્ચર, સ્વાસ્થ્ય માટે તેમ જ લોકો માટે જુદા જુદા લેવલ પર સીંટિંગ એરેન્જમેન્ટ વગેરે જેવી સુવિધાઓ હશે.

Exit mobile version