સોખડાના સંત અક્ષરનિવાસી:હરિપ્રસાદ સ્વામીનાં અંતિમ દર્શન માટે હોસ્પિટલની બહાર હરિભક્તો ઊમટ્યા, શોકમગ્ન મહિલાઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી

By Abhishek Raghuvanshi
4 Min Read
સંત હરિપ્રસાદ સ્વામી ભાઈલાલ અમીન હોસ્પિટલમાં અક્ષરનિવાસી થયા બાદ હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં હરિભક્તો ઊમટી પડ્યા હતા.
  • 28થી 31 જુલાઇ સુધી નશ્વર દેહને અંતિમ દર્શન માટે મૂકાશે, 1 ઓગસ્ટે અંતિમસંસ્કાર કરાશે

વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા છે. વડોદરાની ભાઇલાલ અમીન હોસ્પિટલમાં અક્ષરનિવાસી થયા બાદ હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં હરિભક્તો ઊમટી પડ્યા હતા અને શોકમગ્ન બની ગયા હતા. આ સમયે મહિલાઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. એક મહિલાએ જણાવ્યું હતું કે સ્વામી દાદા અક્ષરનિવાસી થયા છે, જેથી અમે અંતિમ દર્શન માટે આવ્યાં છીએ. અમને આજે દુઃખ છે કે સ્વામી આજે અમારી વચ્ચે રહ્યા નથી.

સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 11 કલાકે અક્ષરનિવાસી થયા

અંતિમ દર્શન કરવા આવનારા હરિભક્તોને માસ્ક પહેરવાનું ફરજિયાત
સંત હરિપ્રસાદ સ્વામીજી અક્ષરનિવાસી થયા બાદ આવતીકાલે 28 જુલાઇથી 31 જુલાઇ સુધી તેમના દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે અને 1 ઓગસ્ટે બપોરે 2:30 વાગ્યે તેમના અંતિમસંસ્કારની વિધિ કરવામાં આવશે. જોકે અંતિમ દર્શન કરવા માટે આવનારા હરિભક્તોને માસ્ક પહેરવાનું ફરજિયાત છે, માસ્ક પહેર્યું નહીં હોય તો દર્શન કરવા દેવામાં આવશે નહીં.

28 જુલાઇથી 31 જુલાઇ સુધી હરિપ્રસાદ સ્વામીના નશ્વરદેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે.

હરિપ્રસાદ સ્વામીને કિડનીની બીમારી હતી
હરિપ્રસાદ સ્વામીજીની ઘણા વખતથી તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે સંતો દ્વારા તેમનું રૂટિન ચેકઅપ પણ કરાવવામાં આવતું હતું. કિડની બીમારીને કારણે સ્વામીજીને સોમવારે સાંજે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં રાત્રે તેમની તબિયત લથડતાં ડોક્ટર દ્વારા સારવાર શરૂ કરાઇ હતી. જોકે મોડી રાત્રે 11 વાગે સ્વામીજીએ નશ્વરદેહ છોડ્યો હતો. સ્વામીજીએ પોતાની જીવનલીલા સંકેલી હોવાની વાત વાયુ વેગે ફેલાતાં હરિભક્તોમાં શોક વ્યાપી ગયો હતો. વડોદરા ઉપરાંત દેશ-વિદેશમાં રહેતા તેમના ભક્તો આઘાતમાં સરી પડ્યા હતા.

સંત હરિપ્રસાદ સ્વામી અક્ષરનિવાસી થતાં શોકમગ્ન મહિલાઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી

પ્રમુખસ્વામી મહારાજના ગુરુભાઈ હતા
હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ વર્ષ 1934માં થયો હતો. તેઓ બીએપીએસ સંપ્રદાયના સંત પ્રમુખસ્વામી મહારાજના ગુરુભાઈ હતા. 23 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો 88મો પ્રાગટય દિન ભક્તોએ ઊજવ્યો હતો. હરિપ્રસાદ સ્વામીજી વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત દેશ-વિદેશમાં પણ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા હતા.

- Advertisement -
1 ઓગસ્ટે બપોરે 2:30 વાગ્યે તેમના અંતિમસંસ્કારની વિધિ કરવામાં આવશે.

ગુરુપૂર્ણિમાએ વડીલ સંતોએ સ્વામીનું પૂજન કર્યું હતું
સોખડાના સંતે જણાવ્યું હતું કે હરિપ્રસાદ સ્વામીના કાર્યથી દેશ અને વિદેશમાં જાણીતા હતા. ગુરુપૂર્ણિમાએ વડીલ સંતોએ સ્વામીનું પૂજન કર્યું હતું. સ્વામીએ પણ આશીર્વાદનો ચાંદલો બધા વડીલ સંતોને કર્યો હતો. બીજા દિવસે સ્વામીજીના ડાયાલિસિસ દરમિયાન પલ્સ રેટમાં થોડી વધઘટ થઇ અને તેના બીજા દિવસે સ્વાજીને શ્વાસ લેવામાં થોડી મુશ્કેલી થતાં સ્વામીને ભાઇલાલ અમીન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ડોક્ટરોએ પૂરા પ્રયત્નો કર્યા, પરંતુ હરિપ્રસાદ સ્વામીએ ચીર વિદાય લીધી હતી.

હરિપ્રસાદ સ્વામીનાં અંતિમ દર્શન માટે હોસ્પિટલની બહાર હરિભક્તો ઊમટ્યા.

સરકારના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને ભક્તોને અંતિમ દર્શનની વ્યવસ્થા કરાઈ
દેશ-વિદેશમાં વસતા લાખો ભક્તો આજે ખૂબ જ વ્યથિત છે અને આઘાત અનુભવે છે. ભગવાન સૌને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી અમારી પ્રાર્થના છે. સરકારના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આવતીકાલથી ભક્તોને અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. દેશ-વિદેશમાં વસતા ભક્તો પણ દર્શન માટે આવવાના છે. 1 ઓગસ્ટે અંતિમસંસ્કારની વિધિ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા.
મોડી રાત્રે 11 વાગે સ્વામીજીએ નશ્વરદેહ છોડ્યો હતો.
Exit mobile version