સાગરખેડૂઓને સહાય:તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો માટે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર રૂ.105 કરોડનું રાહત પેકેજ જાહેર

By Abhishek Raghuvanshi
6 Min Read
તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો માટે સહાય પેકેજ જાહેર કરાયું
  • વાવાઝોડાથી માછીમારો અને નાના-મોટા બંદરોને થયેલા નુકસાન સામે પહેલીવાર રૂ.105 કરોડનું રાહત પેકેજ
  • મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને-નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કોર કમિટીએ સર્વગ્રાહી રાહત સહાય પેકેજ મંજૂર કર્યું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી કોર કમિટીની બેઠેકે રાજ્યમાં તાજેતરમાં તાઉ-તે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો ઉપરાંત દરિયા કિનારાના સાગરખેડૂ-માછીમારોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને પુન:બેઠા કરવા અને મત્સ્યોદ્યોગ પ્રવૃતિમાં પૂર્વવત કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા 105 કરોડનું રાહત-સહાય પેકેજ જાહેર કર્યું છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, ઉર્જામંત્રી સૌરભ પટેલ, મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડા અને મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, એસી.એસ.શ્રી પંકજકુમાર અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં મત્સ્યોદ્યોગ અને પશુપાલન સચિવ નલિન ઉપાધ્યાય અને કમિશનર ડી.પી.દેસાઇ જોડાયા હતા.

રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર માછીમારો માટે 105 કરોડનું રાહત પેકેજ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ રાહત સહાય પેકેજની વિગતો આપતા કહ્યું કે, સાગરખેડૂ-માછીમારોને તાઉ-તે વાવાઝોડાથી થયેલા વ્યાપક નુકસાનમાંથી પુન:બેઠા કરવા અને પૂર્વવત કરવાની સંપૂર્ણ સંવેદનાથી રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર આટલું વિશાળ 105 કરોડ રૂપિયાનું ઉદારતમ પેકેજ સરકારે જાહેર કર્યું છે. તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, તાજેતરમાં ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલા બંદરો જાફરાબાદ, રાજુલા, સૈયદરાજપરા, શિયાળબેટ, નવાબંદર સહિતના બંદોરોને ઘમરોળીને કલાકના 220 કિ.મીની ઝડપે ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાથી દરિયો પણ તોફાની થયો હતો. આના પરિણામે માછીમારોની ફિશિંગ બોટ, મોટા ટ્રોલર, હોડીઓ સહિત અમૂક કિસ્સાઓમાં મત્સ્યબંદરની માળખાકીય સુવિધાઓને પણ મોટાપાયે નુક્સાન થયું હોવાનો અંદાજ સામે આવ્યો છે.

કોર કમિટીની બેઠકમાં ચર્ચા બાદ સહાય પેકેજ જાહેર

સાગરખેડૂઓની બોટને વાવાઝોડામાં નુકસાન
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 1600 કિ.મીનો સૌથી લાંબો સમુદ્ર કિનારો ધરાવતા ગુજરાતમાં પોરબંદરથી ઉમરગામ સુધીની દરિયાઇ પટ્ટીમાં નાના-મોટા મત્સ્યબંદરો પરથી અનેક સાગરખેડૂ પરિવારો દરિયો ખેડીને માછલી-ઝિંગા જેવા મત્સ્ય ઉત્પાદનો મેળવી તેના વેચાણથી પોતાની આજીવિકા રળીને નિર્વાહ કરતા રહ્યા છે. તાજેતરમાં આ વિનાશક તાઉ-તે વાવાઝોડાએ આવા સાગરખેડૂ ભાઇઓની મત્સ્ય હોડીઓ, ફાઇબર બોટ અને ટ્રોલર તેમજ માછીમારી પરિવારોના કાચા-પાકા મકાનો, બંદર પર બોટ લાંગરવાની સુવિધા-જેટી અને અન્ય માળખાકિય સગવડોને નુક્સાન કર્યું છે.

મંત્રી-અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સર્વે કર્યો
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મત્સ્યોદ્યોગ માટેના આ રાહત પેકેજ જાહેર કરતા પૂર્વે રાજ્યના મત્સ્યદ્યોગ-બંદર વિભાગના મંત્રી જવાહરભાઇ ચાવડા અને સચિવ નલિન ઉપાધ્યાય સહિતના વરિષ્ઠ અધિકારીઓએ અસરગ્રસ્ત જિલ્લા અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથના બંદરોની પ્રત્યક્ષ સ્થળ મુલાકાત લઇને માછીમાર પરિવારોને થયેલા હોડીઓના, મોટીબોટના, ટ્રેલરના તેમજ જેટી-બંદરોને થયેલા નુક્સાનનો સર્વગ્રાહી સર્વે સ્થાનિક માછીમોરોની રજૂઆતો ધ્યાને લઇને કર્યો હતો.

- Advertisement -
નાના-મોટા બંદરોમાં મરામત માટે 80 કરોડ ફાળવાયા

બંદરોના નુકસાનની મરામત માટે 80 કરોડનું પેકેજ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલા રાહત પેકેજમાં 25 કરોડ રૂપિયા સાગરખેડૂ-માછીમારોની બોટ, ટ્રોલર, ફિશિંગનેટ વગેરેને થયેલા નુક્સાન રાહત પેટે તેમજ 80 કરોડ રૂપિયા મત્સ્યબંદરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુક્સાનની મરામત માટે મળીને કુલ રૂપિયા 105 કરોડનું આ પેકેજ છે. આ પેકેજની અન્ય વિશેષતાઓ વિશે જોઇએ તો નુકશાન પામેલ બોટના ખલાસીઓને જીવનનિર્વાહ માટે ખલાસી દીઠ ઉચ્ચક રૂ. 2000ની સહાય ખલાસીઓના ખાતામાં સીધા DBTથી ચૂકવવામાં આવશે.

રાહત-સહાય પેકેજની મુખ્ય બાબતો

  • બોટ જાળ/સાધન સામગ્રીને થયેલા નુક્સાન સામે સહાય પેટે થયેલા નુક્સાનના 50 ટકા અથવા રૂ. 35,000 સુધી સહાય, બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે
  • અંશત નુકશાન પામેલ નાની બોટના કિસ્સામાં 50% અથવા રૂ. 35,000 સહાય, બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે
  • જો નાની બોટ પૂર્ણ નુકશાન પામી હશે તો આવી બોટની કિંમતના 50% અથવા રૂ. 75,000 બેમાંથી જે ઓછુ હોય તે આપવામાં આવશે.
  • અંશત નુકશાન પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના કિસ્સામાં 50% અથવા રૂ. 2 લાખ બેમાંથી જે ઓછુ હોય તે ઉચ્ચક સહાય અપાશે.
  • આ ઉપરાંત રૂપિયા 5 લાખ સુધીની લોન કોઇ માછીમાર લે તો તેના પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે
  • પૂર્ણ નુકશાન પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના કિસ્સામાં તેની કિંમતના 50 ટકા અથવા રૂપિયા 5 લાખ બેમાંથી જે ઓછું હશે તે ઉચ્ચક સહાય રાજ્ય સરકાર આપશે.
  • આ ઉપરાંત રૂપિયા 10 લાખ સુધીની લોન પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે.
  • ઈનપુટ સબસીડી મત્સ્ય બીજ,ફીડ, સાધન સામગ્રી માટે હેક્ટર દીઠ રૂપિયા 8200 પ્રમાણે સહાય અપાશે

બંદરોમાં નુકસાનની મરામત અને નવિનીકરણ માટે સહાય

  • હયાત જેટીનું વિસ્તરણ કરી 500મી. લંબાઈની નવી જેટી બનાવવી.
  • બ્રેક વોટરની દુરસ્તી
  • લાલબત્તી વિસ્તારમાં વાર્ફ વોલ સાથેની પાર્કિંગ સુવિધા ઊભી કરવી.
  • ટી-જેટી વિસ્તારમાં પાર્કિંગ સુવિધા ઊભી કરવી.
  • હયાત જેટીની સરફેસમાં તેમજ ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકસાનની મરામત
  • નુકશાન થયેલ જેટીને દુરસ્તી તથા વિસ્તરણ
  • ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકસાનની મરામત.
  • વાર્ફ વોલ અને સ્લોપ પિચિંગને થયેલ નુકસાનની મરામત અને મજબૂતીકરણ
  • ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકસાનની મરામત.
  • જેટી, બોલાર્ડ અને સ્લોપ પિચિંગને થયેલ નુકસાનની મરામત અને મજબૂતીકરણ
  • ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકસાનની મરામત.
  • મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ઉપર ડિસિલ્ટેશનની કામગીરી માટે પણ રાજ્ય સરકાર સહાય કરશે.
Exit mobile version