- ગઈકાલે મોડી રાત સુધી મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે સતત બેઠકો યોજાઈ હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું છે. કેમ કે ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ છે. CBSEની પરીક્ષા અંગેના નિર્ણય બાદ ગઈકાલે મોડી રાત સુધી મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે સતત બેઠકો યોજાઈ હતી. અને CBSEની પરીક્ષા રદ્દ થયા બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12ની પરીક્ષા અંગેની ફેર વિચારણા કરવી કે કેમ તે મામલે સતત મનોમંથન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે રાજ્યમંત્રી મંડળની બેઠકમાં બોર્ડની પરીક્ષાની ફેર વિચારણા અંગે ચોક્કસ નિર્ણય લેવામાં આવી શકે છે.
ગુજરાત બોર્ડની પરીક્ષાનું શું થશે?
ગઈકાલે(મંગળવાર) 5 વાગ્યે ગુજરાત બોર્ડે ઉતાવળમાં CBSEની પરીક્ષાના નિર્ણયની રાહ જોયા વિના જ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દીધું છે. આ ટાઈમ ટેબલ જાહેર થયાના બે કલાક બાદ કેન્દ્ર સરકારે CBSEની પરીક્ષા રદ કરતા સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે હવે ગુજરાત બોર્ડની પરીક્ષાનું શું થશે?
સરકાર અને શિક્ષણ બોર્ડમાં ગંભીર ચર્ચાઓ શરૂ
ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડમાં આ મામલે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તેમજ સૂત્રોના જણાવ્યા અનુસાર આવતીકાલે મળનારી કેબિનેટની બેઠકમાં વડાપ્રધાનની અપીલને ધ્યાનમાં લઈને કોરોનાની હાલની પરિસ્થિતિ સમીક્ષા, વાલી, વિદ્યાર્થીઓ તથા સંકૂલ સંચાલકોના મંતવ્યોના આધારે ફેર વિચારણા કરવામાં આવે એવી શક્યતાઓ છે.
આજે 6.92 લાખ વિદ્યાર્થીના ભવિષ્યનો નિર્ણય લેવાશે
ધો.12 સાયન્સના 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.52 લાખ મળીને 6.92 લાખ વિદ્યાર્થી ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓની તા.1 જુલાઈથી પરીક્ષા લેવાનો નિર્ણય કરી પરીક્ષા કાર્યક્રમ પણ મંગળવારે જાહેર કર્યો હતો. રાજ્યના દરેક જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો છે ત્યાં પરીક્ષાની તૈયારી હાથ ધરાઇ હતી, પરીક્ષા કેન્દ્રો પણ નક્કી કરવાનું ચાલુ કરાયું હતું. આવા સંજોગોમાં જ કેન્દ્ર સરકારે CBSEના ધો.12ની પરીક્ષા નહીં લેવાનો નિર્ણય કરતાં રાજ્ય સરકાર પણ ગુજરાતમાં ધો.12ની પરીક્ષા લેશે નહીં એવું વિશ્વસનીય સૂત્રોનું કહેવું છે.
પરીક્ષા રદ નહિ થાય તો NSUI દ્વારા આંદોલન કરવામાં આવશે
ગઈકાલે GSEB બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો અને સાંજે બીજી તરફ વડાપ્રધાને નિર્ણય લીધો હતો, એટલે આ નિર્ણયનો અભ્યાસ કરીને આજે શિક્ષણમંત્રી મહત્ત્વનો નિર્ણય લઈ શકે છે. જોકે બીજી તરફ NSUIના વિદ્યાર્થીઓએ પણ આ પરીક્ષા રદ કરવા માટે માગણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે જો કેન્દ્ર સરકાર આ નિર્ણય વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને લઈ શકે તો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પણ શિક્ષણમંત્રીએ આ બાબત ધ્યાનમાં લઈને નિર્ણય લેવો જોઈએ. આ નિર્ણય લેવામાં નહીં આવે તો NSUI દ્વારા આંદોલન કરવામાં આવશે અને DEO કચેરીનો ઘેરાવ કરીને વિરોધપ્રદર્શન પણ કરવામાં આવશે.
ધો. 10ના 3.80 લાખ રિપીટર્સને પાસ કરાશે
રિપીટર્સ વિદ્યાર્થીએ પાસ કરવાની માગણી કરી છે. આવા વિદ્યાર્થીઓને સરકાર પાસ કરવા માગે છે, પણ કયા ધોરણ કઇ રીતે લાગુ કરવા એ પ્રશ્ન સરકારને મૂંઝવે છે.
