શાળા શરૂ થશે કે નહીં?:15મીથી સ્કૂલો શરૂ કરવા શિક્ષણમંત્રીની મોટા ઉપાડે જાહેરાત, પણ સ્કૂલોને પરિપત્ર, માર્ગદર્શિકા કે સૂચના ન મળતાં મૂંઝવણ

By Abhishek Raghuvanshi
4 Min Read
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ફાઈલ તસવીર.
  • અમદાવાદની સ્કૂલોને પરિપત્ર કે માર્ગદર્શિકા ન મળતાં કાલથી શાળા નહીં શરૂ થાય
  • આવતીકાલથી જ ધો.10-12ના રિપીટર વિદ્યાર્થીઓની પણ પરીક્ષા લેવાશે

વર્ષ 2021-22નું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું છે, પરંતુ હજુ સુધી શિક્ષણ ઓનલાઇન જ ચાલી રહ્યું છે. ત્યારે કોરોનાના કેસ ઘટતાં શિક્ષણમંત્રી દ્વારા 15 જુલાઈથી ધોરણ 12 માટે સ્કૂલ ઓફલાઈન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. શિક્ષણમંત્રી દ્વારા મૌખિક જાહેરાત જ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પરિપત્ર કે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી. આવતીકાલથી સ્કૂલો શરૂ કરવા જાહેરાત કરવામાં આવી છે, પરંતુ સતાવાર કોઈ પરિપત્ર ના મળતાં સ્કૂલ-સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે.

શિક્ષણમંત્રીએ ધો.12ના ઓફલાઈન ક્લાસ શરૂ કરવા જાહેરાત કરી હતી
શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ ધોરણ 12ની સ્કૂલો શરૂ કરવા જાહેરાત કરી હતી. કોરોનાના કેસ ઘટતાં કેટલાય સમયથી ઓનલાઇન ચાલી રહેલા શિક્ષણ હવે ધીરે ધીરે ઓફલાઈન કરવા સરકાર વિચારણા કરી રહી છે, જેથી ધોરણ 12ના વર્ગ ઓફલાઈન શરૂ કર્યા બાદ તબક્કાવાર 9થી 11ના વર્ગ શરૂ કરવા આયોજન છે, પરંતુ હજુ સુધી ધોરણ 12ના વર્ગ શરૂ કરવા શિક્ષણમંત્રીએ માત્ર જાહેરત કરી છે. મોટા ઉપાડે જાહેરાત કરાઈ છે, પરંતુ હજુ સુધી કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. એને કારણે સ્કૂલ-સંચાલકો સ્કૂલ શરૂ કરવા તૈયારી કરવી કે નહીં એ અંગે મૂંઝવણમાં છે.

વિદ્યાર્થીઓની પ્રતીકાત્મક તસવીર.

સ્કૂલોને ઓફલાઈન ક્લાસનો પરિપત્ર ન મળતાં મૂંઝવણ
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા 15મી જુલાઈથી ધોરણ 12 માટે સ્કૂલ શરૂ કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આવતીકાલથી જ સ્કૂલ શરૂ થવાની છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર કે માર્ગદર્શિકા આપવામાં આવી નથી, જેથી કાલથી સ્કૂલ શરૂ કરવી કે નહીં એ અંગે પ્રશ્ન છે. સ્કૂલ શરૂ કરવાનો પરિપત્ર આવે કે ના આવે, પરંતુ અમે અમારી રીતે તૈયારી કરી છે. સરકાર તરફથી સૂચના મળે એ બાદ જ અમે સ્કૂલ શરૂ કરીશું.

15મી ધો.10-12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા
અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ હિતેશ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણમંત્રી દ્વારા ધોરણ 12 માટે સ્કૂલ શરૂ કરવા જાહેરત કરવામાં આવી છે, એની અમને જાણ છે, પરંતુ સરકાર કે શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ પરિપત્ર કે માર્ગદર્શિકા કે સૂચના આપવામાં આવી નથી અને બીજી તરફ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે તો એ વચ્ચે પણ અમે સ્કૂલ શરૂ કરવા તૈયાર છીએ, પરંતુ સરકાર દ્વારા કોઈ પરિપત્ર ના મળતાં હજુ મૂંઝવણ છે.

- Advertisement -
આ તસવીર પ્રતીકાત્મક છે.

સ્કૂલો પરિપત્ર મળ્યા બાદ જ ઓફલાઈન ક્લાસ શરૂ કરશે
ઉદગમ સ્કૂલના સંચાલક મનન ચોક્સીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા સ્કૂલ શરૂ કરવા જાહેરાત કરવામાં આવી છે, જે બાદ અમે તૈયારી કરી છે. અત્યારે અમે વાલીઓ પાસે સંમતિપત્ર મેળવી રહ્યા છે. વાલીઓ પાસેથી સંમતિ મળે એ બાદ અમે સ્કૂલ શરૂ કરીશું. આવતીકાલથી સ્કૂલ શરૂ થવાની જાહેરાત છે, પરંતુ આવતીકાલથી અમે સ્કૂલ શરૂ નહીં કરીએ.

હાલમાં ઓનલાઈન શિક્ષણ ચાલુ
15 જુલાઈથી સ્કૂલ શરૂ થવાની જાહેરત છે. બીજી તરફ 15 જુલાઈથી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થાય છે, જેથી સ્કૂલ-સંચાલકો મૂંઝવણમાં છે. અત્યારે તમામ ક્ષેત્ર શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે, માત્ર સ્કૂલ શરૂ થવાની બાકી છે જેને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ અસર પડી રહી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહે મોટા ઉપાડે જાહેરત કરી છે, પરંતુ એ જાહેરાતના અમલવારી માટે કોઈ પરિપત્ર ના આપતાં સ્કૂલ અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. સરકારના આયોજનના અભાવનું પરિણામ હવે વિદ્યાર્થીઓએ ભોગવવું પડી શકે છે.

Exit mobile version