વર્કિંગ કપલ એલર્ટ:અમદાવાદમાં IT કંપની ચલાવતા દંપતિએ 11 મહિનાની દિકરીને સાચવવા આયા રાખી,આયાએ દિકરીને મહારાષ્ટ્રમાં વેચવા પ્લાન ઘડ્યો

By Abhishek Raghuvanshi
4 Min Read
  • દિકરીના પિતાને પશ્ચિમ બંગાળ પોલીસનો ફોન આવતાં હ્યુમન ટ્રાફિકિંગનો ભાંડો ફૂટ્યો.
  • પોલીસે દિકરીના પિતાને કહ્યું, દેશમાં હ્યુમન ટ્રાફિકિંગ સાથે જોડાયેલી ગેંગ પાસે તમારી દિકરીના ફોટો છે.

સમગ્ર દેશમાં વધતી હરિફાઈ અને હાઈ પ્રોફાઈલ લાઈફ સ્ટાઈલ વચ્ચે પતિ અને પત્ની બંને કામ કરી રહ્યાં છે. પતિ અને પત્નીના વર્કિંગ અવર્સને લીધે તેમના બાળકની સાચવણી સારી રીતે થતી નથી. કારણ કે તેની કાળજી લેવા વાળું ઘરમાં કોઈ નથી હોતું. છેવટે તેને આયાના ભરોસે મુકીને દંપતિએ કામે જવું પડે છે. અમદાવાદમાં આવો એક કેસ સામે આવ્યો છે. શહેરમાં એક વર્કિંગ કપલે પોતાના બાળકને સાચવવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને આયાને રાખી હતી. પરંતુ આ આયાએ તેમના બાળકને સાચવવાની જગ્યાએ તેને મહારાષ્ટ્રમાં એક દલાલને વેચવા માટેનો પ્લાન ઘડી નાંખ્યો હતો. આ માસુમ બાળકને એક ફોન કોલની મદદથી દલાલના હાથમાં જતી બચાવી લેવામાં આવી છે.

શહેરના વર્કિંગ કપલને કામને કારણે દિકરીના ઉછેરમાં તકલીફ થતી હતી
શહેરના ચાંદખેડાના પોશ વિસ્તારમાં રહેતા રાજીવભાઈ અને તેમની પત્ની નિશા ( પતિ અને પત્નીનું નામ બદલ્યું છે) વર્કિંગ કપલ છે. તેમને એક 11 મહિનાની માહિ નામની દિકરી છે. જે તેમની સાથે ખૂબજ લાડ કોડથી ઉછરી રહી છે. રાવજીભાઈ આઈટી કંપની ધરાવે છે. તેમની પત્ની પણ આઈટી પ્રોફેશ્નલ છે. બંને જણા કામના સમયે પોતાની દિકરી માહિ પર ધ્યાન આપી શકતાં નહોતા જેથી તેના ઉછેરમાં ખૂબ જ તકલીફ પડતી હતી.

પોતાની દિકરી માહિની સાચવણી માટે ઓનલાઈન આયા માટે સર્ચ કર્યું ( પ્રતિકાત્મક તસવીર)

કપલે દિકરીની સાચવણી માટે ઓનલાઈન આયાને શોધી
એક દિવસ રાજીવભાઈ અને નિશાએ પોતાની દિકરી માહિની સાચવણી માટે ઓનલાઈન આયા માટે સર્ચ કર્યું હતું. આ દરમિયાન આયા માટેની એક એજન્સી તેમને મળી હતી. આ એજન્સીમાં કામ કરતી એક બિંદુ નામની આયાને માહિ ની સાચવણી માટે દર મહિને 18 હજાર રૂપિયાના પગાર પર તેમણે રાખી લીધી હતી. બિંદુ માહિ ને શરૂઆતમાં સારી રીતે રાખતી હતી. બંને દંપતિ રોજ પોતાનું કામ સારી રીતે કરતાં હતાં. જીવન એક દમ સરળતાથી ચાલતું હતું. બિંદુના મનમાં કંઈક અલગ જ વિચાર ચાલતો હતો તેની રાજીવભાઈ અને નિશાને જાણ નહોતી. પરંતુ એક ફોન કોલ આવ્યો અને મોટા રેકેટનો પર્દાફાશ થઈ ગયો.

આયાએ જ બાળકીનો ફોટો દલાલોને આપ્યો હતો
રાજીવભાઈ પર પશ્ચિમ બંગાળથી એક પોલીસ ઓફિસરનો ફોન આવ્યો કે તમે બાળકને સાચવવા માટે આયા રાખી છે એનું નામ બિંદુ છે? આ ફોન કોલથી રાજીવભાઈ એક દમ ચોંકી ગયા હતાં. ફોન પર તેમને એવી માહિતી મળી કે સમગ્ર દેશમાં હ્યુમન ટ્રાફિકિંગ સાથે જોડાયેલી ગેંગ પાસે તમારી દિકરીના ફોટો છે. બિંદુ માહિને વેચવા માંગે છે. આ ફોનથી ગભરાઈ ગયેલા રાજીવભાઈએ તાત્કાલિક ઘરે ફોન કરીને માહિ ક્યાં છે તેની તપાસ કરી ત્યારે માહિ અને બિંદુ ઘરે જ હતાં.

- Advertisement -
એક ફોનના કારણે દિકરી દલાલના હાથે ચડતાં બચી ( પ્રતિકાત્મક તસવીર)

આખરે દિકરી દલાલોના હાથે ચડતા બચી ગઈ
રાજીવભાઈ તાત્કાલિક ઘરે પહોંચ્યા અને બિંદુને મહારાષ્ટ્રના હ્યુમન ટ્રાફિકિંગ કરતી ગેંગના માણસોને માહિના ફોટો કેમ મોકલ્યા તેમ પૂછતાં તે જવાબ આપી શકી નહોતી. સવાલનો જવાબ આપવાની જગ્યાએ તેણે હાંફળી ફાંફળી થઈને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં માહિ દલાલોના હાથે ચડતા પહેલા બચી ગઈ હતી. હાલમાં ચાંદખેડા પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધીને હ્યુમન ટ્રાફિકિંગના મુળ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યો છે.

Exit mobile version