- વંદિત-સાથીદારોએ અત્યારસુધીમાં 2.85 લાખ ડોલરના ડ્રગ્સ-ટ્રાન્ઝેક્શન કર્યાં, સાઉથમાંથી પણ ડ્રગ્સ આવતું
- સિંગાપોર ભણવા ગયેલો વંદિત પ્યોર ડ્રગ્સના રવાડે ચઢ્યો અને ડાર્ક વેબ શીખ્યો: SP વીરેન્દ્ર યાદવ
- વંદિતનું સાઉથ બોપલનું Rexon સલૂન ડ્રગ્સનું એપી સેન્ટર બન્યું, ગ્રાહકોને પહેલા ફોસલાવતો પછી ફસાવતો
ગુજરાતના સૌથી મોટા ડ્રગ્સકૌભાંડમાં મોટા-મોટા બિલ્ડરો અને પ્રતિષ્ઠિત પરિવારના ફરજંદોની સંડોવણી બહાર આવી છે. આ કેસમાં માસ્ટર માઈન્ડ વંદિત પટેલના સીડીઆરની તપાસ કરતાં ક્રિપ્ટો કરન્સીના ગેરકાયદે વ્યવહારોનો પણ ઘટસ્ફોટ થયો છે. ડ્રગ્સની ખરીદી માટેના પેમેન્ટ ક્રિપ્ટો કરન્સીમાં બીટકોઈન અને ઇથેરિયમ દ્વારા કરાયાનું જણાતાં જ અમદાવાદ જિલ્લા પોલીસે આ દિશામાં તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસે ક્રિપ્ટો કરન્સી વડે 2.85 લાખ ડોલરનાં (આશરે 2 કરોડ રુપિયા) ટ્રાન્ઝેક્શન ક્રેક કરી લીધાં છે. વંદિત અમેરિકાથી ડ્રગ્સ પાર્સલમાં મગાવતો હોવાથી યુએસની પ્રતિષ્ઠિત એજન્સી FBI (ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન) પણ આ કેસમાં અમદાવાદ જિલ્લા પોલીસને તપાસમાં મદદ કરશે.
ક્રિપ્ટો કરન્સીના ડ્રગ્સ માટે ઉપયોગ મુદ્દે FBI મદદ કરશેઃ પોલીસ
ડ્રગ્સકાંડમાં અનેક મલેતુજાર પરિવારનાં સંતાનો અને ઇન્ટનેશનલ ડ્રગ્સ ડીલરોની કડીઓ મેળવવા પોલીસ તપાસ કરી રહી છે. અમદાવાદ જિલ્લા પોલીસ વડા વીરેન્દ્ર યાદવે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે ડાર્ક વેબથી ડ્રગ્સ ટ્રાફિકિંગના આ કેસમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ડ્રગ્સના આ રેકેટમાં આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સી FBI પણ તપાસ માટે તૈયાર થઈ છે. મુખ્યત્વે ડ્રગ્સના વ્યવહારો માટે ક્રિપ્ટો કરન્સીના ઉપયોગના મુદ્દે FBIએ તપાસમાં આપણને સહકાર આપવા એક કદમ આગળ વધાર્યું છે.
વંદિત પટેલનું ડ્રગ્સ નેટવર્ક 2012થી ચાલતું હતું: વીરેન્દ્ર યાદવ
બોપલ પોલીસે ડાર્ક વેબ મારફત એર કાર્ગો દ્વારા યુએસ સહિતના દેશોમાંથી ડ્રગ્સ કન્સાઈન્મેન્ટ મગાવવાના વંદિત પટેલના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ પ્રકરણમાં અનેક ખૂટતી કડીઓ શોધવા પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે. આવા સમયે તપાસ કરતી અમદાવાદ રૂરલ પોલીસની ટીમના વડા એસપી વીરેન્દ્ર યાદવના જણાવ્યા પ્રમાણે આ ડ્રગ્સ રેકેટ છેક 2012થી ચાલી રહ્યું હોવાની શક્યતા છે. આ ડ્રગ્સ રેકેટમાં વંદિત સાથેની કડી જોડવા પ્રયાસો ચાલુ છે.
સિંગાપોરમાં વંદિતે ડ્રગ્સ માટે ડાર્ક વેબના ટ્રાન્ઝેક્શન શરૂ કર્યા
વંદિતે સાઉથ બોપલ વિસ્તારમાં REXON સલૂન શરૂ કર્યું ત્યારથી તે સોફ્ટ ટાર્ગેટ શોધતો હતો. એમાંથી તેણે ડ્રગ્સ સપ્લાયનું કામ શરૂ કર્યું હતું, જેમાં તેને અઢળક કમાણી દેખાઈ હતી. અગાઉ વંદિત ભણવા માટે સિંગાપોર ગયો એ પહેલાં તે ગાંજો-ચરસ જેવો નશો કરતો હતો. સિંગાપોરમાં તેને પ્યોર ક્વોલિટીનું ભારત કરતાં પણ ખૂબ સારું ડ્રગ્સ મળવા લાગ્યું. આ ડ્રગ્સના પેમેન્ટના સિક્યોર મોડ તરીકે ત્યાં તે ડાર્ક વેબ શીખ્યો હતો.
સાઉથ બોપલનું REXON સલૂન વંદિતનું ટાર્ગેટ હન્ટિંગ પ્લેસ
ભારત આવ્યા બાદ વંદિત તેની માતાના સલૂનની જેમ એક એવું પ્લેટફોર્મ બનાવવા માગતો હતો. અહીંથી તે પોતાના કોન્ટેક્ટ મારફત ડ્રગ્સ લેનારને શોધી શકે એ માટે તે ડ્રગ્સની વાતો કરતો. સામે વાળાને રસ પડે તો તે ઇન્ટરનેશનલ ડ્રગ્સ વિશે વાત કરતો અને જે સોફ્ટ ટાર્ગેટ દેખાય તેને ફસાવતો હતો. પહેલા ટેસ્ટિંગ માટે સામેવાળાને ડ્રગ્સ આપતો અને પછી તેની સાથે ડીલ કરતો. વંદિત સાથે અમદાવાદ સહિત વલસાડના ડ્રગ-ડીલર પણ જોડાયેલા હતા, જે ગુજરાતમાં હાઈ પ્રોફાઈલ લોકોને ડ્રગ્સ સપ્લાય કરતા હતા.
સ્નેપચેટથી વાતો થતી ને એર કાર્ગો વડે યુએસથી ડ્રગ મગાવાતું
વંદિતને ખબર હતી કે ડ્રગ્સ કેલિફોર્નિયાથી મગાવવું હોય તો તેને એર કાર્ગો સરળ પડશે. આ માટે ત્યાંના સપ્લાયર સાથે તે સ્નેપચેટથી વાત કરતો હતો. અમુક સમય બાદ એમાંથી ચેટ ગાયબ થઈ જાય છે અને પોતાનું કામ પણ સરળતાથી થઈ શકે છે. વંદિત દક્ષિણ ભારત અને મુંબઈથી પણ ડ્રગ્સ મગાવતો હતો અને આ માટે પણ તેણે ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કર્યો છે. વંદિતે અત્યારસુધીમાં 2.85 લાખ ડોલરનું ટ્રાન્ઝેક્શન કર્યું છે, જેના પુરાવા પોલીસને મળ્યા છે.
સ્માર્ટ વંદિત રિક્ષાવાળા જોડે પાર્સલ છોડાવતો ને 3 હજાર આપતો
વીરેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે અમે FBIને આ ડ્રગ્સ કેસમાં મદદ માટે કહ્યું છે, કારણ કે ડ્રગ્સ ડીલના ટ્રાન્ઝેક્શનનો છેડો છેક અમેરિકા સુધી ગયો છે, જે અંગે પણ અમને ટૂંક સમયમાં મદદ મળી શકે છે. આ કેસમાં વંદિત સ્માર્ટલી ઓપરેટ કરતો અને એર કાર્ગોમાંથી પોતાના પાર્સલ રિક્ષાવાળાઓ પાસે છોડાવતો. આ માટે તે દર વખતે રિક્ષાવાળાને રૂ.. 3000 આપતો હતો. તેના સલૂનમાં આવતા લોકોના એડ્રેસ પર પણ વંદિતે ડ્રગ મગાવ્યું હતું, જેમાં કોન્ટેક્ટ નંબર વંદિત કે તેના મળતિયાનો રહેતો હતો. જેથી તે પેકેટ સરનામા પર પહોંચે એ પહેલાં તેને છોડાવી લેતો હતો.
