બોપલ પર કરબોજ, સુવિધા શૂન્ય:ત્રણ ગણો ટેક્સ વસૂલવા બોપલ-ઘુમાને AMCમાં ભેળવ્યા, જાણો ટેક્સની ગણતરી અને કેટલું આવશે બિલ

By Abhishek Raghuvanshi
5 Min Read
  • AMCનો પહેલા જ વર્ષે 6ને બદલે 25 કરોડ રૂપિયા બોપલવાસીઓ પાસેથી ટેક્સ ખંખેરવાની યોજના, પણ સુવિધા આપવી નથી
  • જાન્યુઆરીથી બોપલ-ઘુમાવાસીઓને બે-ત્રણ ગણા વધારા સાથે પ્રોપર્ટી ટેક્સનાં બિલો મોકલવાનું શરૂ કરાશે
  • ક્ષેત્રફળ અને જંત્રી આધારિત આકારણીથી તમારે કેટલો ટેક્સ આવશે એની ફોર્મ્યુલા તમને દિવ્યભાસ્કર જણાવે છે

અમદાવાદના છેવાડે આવેલા બોપલ-ઘુમા વિસ્તારનો ગત એપ્રિલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) હદમાં સમાવેશ કરાયો હતો. આમ, લગભગ એક વર્ષ પૂરું થવા આવ્યું છે અને હવે તો જંત્રી દર મુજબ આ વિસ્તારના રહેવાસીઓને નવા ટેક્સનાં બિલો પણ વહેંચવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. અત્યારસુધી બોપલવાસીઓ નગરપાલિકામાં વર્ષે રૂ. 6 કરોડનો વેરો ભરતા હતા, પરંતુ AMCની રેવન્યુ કમિટીએ તો તેમની પાસેથી રૂ. 23 કરોડનો મિલકતવેરો ઉઘરાવવાના ટાર્ગેટને પાર પાડવાની યોજના પણ ઘડી કાઢી છે.

બોપલ-ઘુમામાં 4 ઝોન મુજબ નવા ટેક્સના દર લાગુ થશે
બોપલ-ઘુમાના વિસ્તારને AMCએ A, B, C અને D એમ ચાર ગ્રેડમાં વિભાજિત કર્યા છે. આ મુજબ જે વિસ્તારમાં પ્રતિ ચોરસમીટર જંત્રી દર રૂ. 22000 કે તેથી વધુ હોય એવી મિલકતોનો “A” ગ્રેડ, રૂ. 13500થી 22000 જંત્રી દરવાળી મિલકતોને “B” ગ્રેડ, રૂ. 6751થી 13500ના જંત્રી દરની મિલકતોને “C” ગ્રેડ અને રૂ. 6751 સુધીના જંત્રી દરવાળી મિલકતોનો “D” ગ્રેડ અપાયો છે. AMCની ફોર્મ્યુલા મુજબ “A” ગ્રેડની મિલકતો માટે 1.6 નો ફેક્ટર, “B” ગ્રેડ માટે 1.1, “C” ગ્રેડ માટે 0.9 તથા “D” ગ્રેડની મિલકતો માટે 0.6નો ફેક્ટર નિર્ધારિત કરાયો છે. બોપલ-ઘુમાનો એકપણ વિસ્તાર A ગ્રેડમાં આવતો નથી, જ્યારે સાઉથ બોપલનો મોટા ભાગનો વિસ્તારમાં B ગ્રેડમાં આવે છે. સાઉથના કેટલાક વિસ્તાર ઉપરાંત નોર્થનો મોટા ભાગનો વિસ્તાર C ગ્રેડમાં આવે છે. જ્યારે બોપલ-ઘુમાની ગામતળની તમામ મિલકતોનો D ગ્રેડમાં સમાવેશ કરાયો છે.

પહેલાં 1000નો ટેક્સ ભરતા હતા, હવે 3000 માટે તૈયાર રહેજો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોપલ-ઘુમાની મિલકતોમાં ક્ષેત્રફળ મુજબ ટેક્સ લેવામાં આવશે, જેને કારણે મિલકતવેરાની રકમમાં બેથી ત્રણ ગણો સીધો વધારો થશે. ટેક્સની આકારણી જંત્રી દર મુજબ કરવામા આવી રહી છે, જેમાં ચાર ગ્રેડમાં વિસ્તારને વહેંચાયો છે. બોપલ-ઘુમાના નાગરિકોને નગરપાલિકા હતી ત્યારે રો હાઉસ એટલે કે બે રૂમ રસોડાના મકાનનો સરેરાશ રૂ. 1000 વેરો આવતો હતો, પરંતુ હવે AMCની ફોર્મ્યુલા મુજબ આ જ મકાનના માલિકે રૂ. 3000 ટેક્સ ચૂકવવો પડશે. એમ છતાં લાઈટ-પાણી-ગટરની સુવિધાઓ તેમને ક્યારે મળશે એ નક્કી નથી.

બે વર્ષ પહેલાં વાહન ખરીદનાર પાસે AMCની વ્હીકલ ટેક્સની ઉઘરાણી
બોપલ-ઘુમાવાસીઓની AMC દૂઝણી ગાયની જેમ ગણતરી કરતું હોય એ રીતે બે વર્ષ પહેલાં જેણે વાહન ખરીદ્યા હોય તેમની પાસે પણ વ્હીકલ ટેક્સની ઉઘરાણી કરવા માંડી છે. જ્યારે કે બોપલ-ઘુમા નગરપાલિકાનો વિસ્તાર હજી ગત એપ્રિલ-2021માં જ AMCમાં ભળ્યો હતો. એ પહેલાં નગરપાલિકાની સત્તા લાગુ પડતી હતી. હવે જ્યારે આ આખો વિસ્તાર નગરપાલિકાની હદમાં હતો એ સમયની ટેક્સની આકારણી AMC કઈ રીતે કરી શકે એવો પ્રશ્ન ખડો થયો છે. છેલ્લા એક મહિનામાં જ બોપલના ઓછામાં ઓછા 1 હજારથી વધુ વાહનમાલિકોને 2019 અને 2020માં ખરીદેલાં વાહનો માટે મ્યુનિ. વ્હીકલ ટેક્સ ભરવાની નોટિસો AMCએ પકડાવી દીધી છે.

- Advertisement -

બોપલ-ઘુમામાં 2 દિવસે ‘ડોર ટુ ડોર’વાળા આવે છે, સ્ટ્રીટલાઈટો પણ બંધ
આમ તો બોપલ-ઘુમા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મતવિસ્તારમાં આવે છે. એક વર્ષથી AMCએ પણ બોપલ અને ઘુમાને પોતાનામાં ભેળવી દીધા છે, પરંતુ હજી પણ અહીં પાયાની સુવિધાના ઠેકાણા નથી. આ વિસ્તારમાં ‘ડોર ટુ ડોર’ કચરો ઉપાડવાની ગાડી માંડ 2 દિવસે એકવાર આવે છે અને તેમાં પણ ગાડી ભરેલી જ હોય છે. બીજું કે મુખ્ય રોડ પરથી કચરો વાળવાના કામના પણ ઠેકાણા નથી. સફાઈના કોન્ટ્રેક્ટરોને તો જાણે ફાવતું જડી ગયું છે. બીજી તરફ, બોપલના મોટા ભાગના વિસ્તારો સ્ટ્રીટલાઈટથી વંચિત છે. અંદરના રોડ પર તો ઘોર અંધારું રહે છે.

બોપલ-ઘુમાને નર્મદાનું પાણી ક્યારે મળશે?
જ્યારે આખા બોપલ અને ઘુમાના એકપણ વિસ્તારમાં નર્મદાનું પીવાનું પાણી આવતું જ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ વર્ષોથી વાતો કરે છે, પરંતુ નર્મદાના પાણીની લાઈન આંબલી ગામે આવીને અટકી ગઈ છે. બોપલ અને ઘુમા વિસ્તારનું જાણે કોઈ રણી-ધણી ન હોય એ રીતે જ તેમની સાથે વ્યવહાર કરાય છે. કોર્પોરેશનના ટેક્સ વિભાગે 40000 મિલકતની આકારણી કરી રૂ. 30 કરોડ ભેગા કરવાનું કામ તો ચિતાની ઝડપે કર્યું છે, પરંતુ સુવિધાઓમાં હજી કાચબાની ઝડપે જ કામ કરવામાં આવી રહ્યું છે.

Exit mobile version