- રૂપાણી સરકારમાં ગોવિંદ પટેલની અનેક વખત અવગણના થઈ હતી
- મનપાનો દોરીસંચાર સંભાળી MLA ગોવિંદભાઈ પટેલ સરકારી જમીનની માગણી કરવા ક્લેકટર પાસે ગયા
વિજય રૂપાણીનું ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનું પદ છૂટતાં હોમટાઉનમાં શાસકપક્ષના કમાન્ડર તરીકે પણ અનેક બદલાવ આવતા રહે છે. રાજકોટના ધારાસભ્ય હોવા છતાં અત્યારસુધી જેને સાઇડ લાઇન કરી નાખવામાં આવ્યા હતા એ ગોવિંદભાઈ પટેલ મહાપાલિકાના રાજકારણમાં સક્રિય થવા લાગ્યા છે, જેને પગલે રૂપાણીના જ હોમટાઉનમાં તેમની પેનલ પાવરવિહોણી બની છે.
જમીનની માગણી કરવા માટે કલેકટર પાસે ગયા
પહેલાં સ્થાનિક પ્રશ્નો અને ખાસ કોર્પોરેશનના લગતા પ્રશ્નોમાં અનેક ધારાસભ્યો હાંસિયામાં ધકેલાઈ ગયેલા નજરે પડ્યા હતા, જે હવે ફરી મેદાનમાં આવતા નજરે પડે છે. અત્યારસુધી ગણ્યાગાંઠ્યા અને તેમાંય રૂપાણીની નજીકના બે-ત્રણ લોકો પડદા પાછળના દોરીસંચારથી મનપાનું સંચાલન સંભાળતા હતા એવું કહેવાતું હતું અને આ વાત જગ જાહેર પણ હતી, પણ હવે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ મ્યુનિ. કમિશનર અમિત અરોરા, મેયર ડો.પ્રદીપ ડવને લઈને મવડી(સાઉથ) વિસ્તારમાં નવા ઓડિટોરિયમ માટે સરકારી જમીનની માગણી કરવા માટે કલેકટર પાસે ગયા હતા
અમુક ભાગ સરકારની માલિકીનો છે
હાલ રાજકોટમાં ત્રણેય ઝોનમાં એક-એક ઓડિટોરિયમ છે, જેમા રૈયા રોડ પર આલાપની સામે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલ, સેન્ટ્રલમાં હેમુ ગઢવી હોલ અને ઇસ્ટ ઝોનમાં અટલબિહારી વાજપેયી ઓડિટોરિયમ છે. હવે શહેરના વિકસિત એવા મવડી-નાવડી તરફ પણ નવું એક ઓડિટોરિયમ લોકોને મળે એવું મનપાનું આયોજન છે. ચાલુ વર્ષના બજેટમાં એની આ યોજના મૂકવામાં પણ આવી છે. આ નવા ઓડિટોરિયમ માટે મવડી(સાઉથ)માં ચાર જગ્યાના વિકલ્પ જોઇ રખાયા છે, જેમાં હરિધવા રોડના છેડે અને ઢેબર રોડના છેડે આવેલા છે. આ પ્લોટમાં અડધો ભાગ રાજકોટ મનપાની માલિકીનો છે તો અમુક ભાગ સરકારની માલિકીનો છે. સરકારની માલિકીનો જેટલો વિસ્તાર આવે છે એ મનપાને સોંપવામાં આવે એવી માગણી સાથે આજે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને કલેટરને મળવા ગયા હતા.
રૂપાણી બાદ ગોવિંદભાઇએ RMCના પ્રોજેક્ટ હાથમાં લીધા
રૂપાણી સરકાર બાદ તેના નિકટના ગણાતા અને અત્યારસુધી રાજકોટમાં શાસન ચલાવતા હોય તેવા ચહેરાને મહાનગર જિલ્લા રાજકારણમાંથી નિવૃત્ત કરવામાં આવી રહ્યા છે. તેમની જગ્યાએ અત્યારસુધી જે હાંસિયામાં હતા તેવા નેતાઓને જાણે હાઇકમાન્ડ સી.આર.પાટીલે કમાન્ડ સોંપી હોય એવું ચિત્ર ઊપસી રહ્યું છે. રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ ખૂબ ટૂંક ગાળામાં જ ધારાસભ્ય ગોવિંદ પટેલે મનપાના એક પછી એક પ્રોજેક્ટની કમાન્ડ પોતે સંભાળી લીધી છે. રામનાથપરા મંદિરનું નવનિર્માણ, આજી રિવર ફ્રન્ટ યોજનાને આગળ વધારવા સતત ફોલોઅપ લેવું, બેટી નદી ઉપર નવો ડેમ બનાવવું, નવું સ્પોર્ટ્સ સંકુલ અને હવે મવડી(સાઉથ)માં નવું ઓડિટોરિયમ બનાવવાની યોજનાને લઇને ગોવિંદભાઇ સક્રિય થયા છે.
રૂપાણી સરકારમાં ગોવિંદ પટેલની અનેક વખત અવગણના થઈ
રૂપાણીનું પદ ગયા પછી રાજ્ય સરકારમાં પણ આનંદીબેન પટેલનું વર્ચસ્વ અને કદ વધ્યાં છે. પહેલેથી જ ગોવિંદ પટેલને આનંદીબેન જૂથની વ્યક્તિ ગણવામાં આવ્યા છે. જે-તે સમયે વિજય રૂપાણી પ્રથમ વખત સીએમ બન્યા ત્યારે તેમનું મંત્રીપદ છીનવાઇ ગયું હતું. બાદમાં રૂપાણી સરકારમાં ગોવિંદ પટેલની અનેક વખત અવગણના કરવામાં આવી હતી. જે-તે સમયે ગોવિંદ પટેલે ‘વિજય રૂપાણી CM બન્યા બાદ મેં મંત્રીપદની આશા છોડી દીધી હતી’ આવું નિવેદન પણ આપ્યું હતું.
કામો ગોકળગતિએ થતાં હોવાનો MLAનો આક્ષેપ
2 મહિના પહેલાં પણ ગોવિંદ પટેલે મુખ્યમંત્રીને મળીને માગણી કરી હતી કે રાજકોટ શહેરનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં જાહેર કરેલો, એ આજી રિવર ફ્રન્ટને પર્યાવરણની મંજૂરી આપી કામ આગળ વધારવું જોઇએ. આ સિવાય રાજકોટ કાયમી પાણીની તંગીની સમસ્યા ભોગવતું શહેર છે, એને પૂરક થવા માટે રાજકોટથી બેટી નદી ઉપર ડેમ બનાવીને રાજકોટને પૂરક થઈ શકે એવી યોજનાને આગળ વધારવા માગ છે.
