રથયાત્રા @144:ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનું નિજમંદિર ખાતે મામેરું, ભાવિકોની ભારે ભીડ જામી

By Abhishek Raghuvanshi
6 Min Read
  • નેત્રોત્સવ, રથયાત્રા, મામેરાના યજમાનો વાજતેગાજતે ભગવાનનું મામેરું લઈ મંદિરમાં પહોંચ્યા
  • રથયાત્રાના યજમાન અને ભક્તોએ મંદિરના પ્રાંગણમાં ગરબા કર્યા
  • મંદિરના પ્રાંગણમાં મૂકવામાં આવેલા મામેરાનાં દર્શન લોકોએ કર્યાં

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને લઈ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આજે જમાલપુર મંદિર ખાતે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનું નિજમંદિરનું મામેરું પાથરવામાં આવ્યું છે. આ વર્ષે ભગવાન જગન્નાથ અલગ અલગ પરંપરાગત વેશમાં જોવા મળશે. શનિવારે અમાસના દિવસે ભગવાન નિજમંદિરે પરત આવે ત્યારથી રથયાત્રા અને ત્રીજ સુધીના ત્રણેય ભાઈ-બહેનના વાઘા, અલંકારોનાં દર્શન મંદિરમાં યોજાયાં છે. નેત્રોત્સવ, રથયાત્રા, મામેરાના યજમાનો વાજતેગાજતે ભગવાનનું મામેરું લઈને મંદિરમાં પહોંચ્યા છે.

યજમાન અને ભક્તોએ મંદિરના પ્રાંગણમાં ગરબા કર્યા
ભગવાન જગન્નાથ સહિત ત્રણેય ભાઈ-બહેનના યજમાનમાં અમાસના અરવિંદભાઈ, એકમના દિવસના પ્રતાપભાઈ ઠાકોર, મંગળા આરતીના ભૂષણ ભટ્ટ અને અષાઢી બીજના નિખિલ ને ગણેશભાઈ રાવલ, જ્યારે ત્રીજના યજમાન પરિંદુ ભગત છે. ગત વર્ષે કોરોનાને કારણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી શકી ન હતી, પરંતુ આ વર્ષે ભગવાનની રથયાત્રા ચોક્ક્સ નીકળશે એવી આશા લોકોમાં અને યજમાનોમાં છે. સરસપુર હોય કે મંદિરના યજમાન, તમામ લોકો આ વર્ષે ભગવાન નગરચર્યાએ નીકળશે, એવી આશા સાથે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગમાં છે. રથયાત્રાના યજમાન અને ભક્તોએ મંદિરના પ્રાંગણમાં ગરબા કર્યા હતા. મહારાષ્ટ્રિયન પાઘડી, વાઘા અને અલંકારો વગેરે જમાલપુર મંદિરના પ્રાંગણમાં મૂકવામાં આવેલા મામેરાનાં દર્શન લોકોએ કર્યાં હતાં.

મુખ્યમંત્રી રૂપાણી રથયાત્રાની જાહેરાત કરી શકે છે
ગુજરાત સરકારે કેબિનેટ બેઠક અને કોર કમિટીની બેઠકમાં અમદાવાદની રથયાત્રા અંગેના આયોજનને લગતું વ્યવસ્થાપન આખરી કરી દીધું છે, જોકે આ અંગેની જાહેરાત કરવામાં રાજ્ય સરકાર સહેજ પણ ઉતાવળ નહીં કરે. સરકારનાં સૂત્રો અનુસાર, આ અંગેની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી રથયાત્રાના આગલા દિવસે, એટલે કે રવિવારે સાંજે જગન્નાથ મંદિરની મુલાકાત લઈને એ જ વખતે કરશે. રથયાત્રા બાબતે બુધવારની કેબિનેટ બેઠક અને કોરોના અંગેની કોર કમિટીની બેઠકમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વિસ્તૃત ચર્ચા થઇ ગઇ છે, પરંતુ એની જાહેરાત અત્યારથી કરી દેવાય તો એની વિરુદ્ધ કોર્ટમાં પિટિશન થાય તો કાયદાકીય ગૂંચમાં પડીને આખો મામલો ખેંચાઈ જાય. એને બદલે એક દિવસ અગાઉ નિર્ણય જાહેર થાય તો એ અંગેની કોઇ તક રહે નહીં.

મંદિરના પ્રાંગણમાં ભગવાનનું મામેરું પાથરવામાં આવ્યું.

સેટેલાઈટના ભાવિ ભક્ત મામેરું ભર્યું
મૂળ ભગવાનના મોસાળ સરસપુરના રહેવાસી અને હાલ સેટેલાઈટમાં રહેતા મહેશભાઈ ઠાકોર તરફથી આ વર્ષે રથયાત્રામાં ભગવાનનું મામેરું કરવામાં આવ્યું હતું. મહેશભાઈના પિતા ભગવાનદાસભાઈ 50 વર્ષથી મામેરું કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. તેઓ રણછોડજી મંદિરના ટ્રસ્ટ સાથે સતત સંપર્કમાં હતા અને અંતે આ વર્ષે નંબર આવ્યો હતો. આ વર્ષે પણ કોરોનાની સ્થિતિ છે ત્યારે મામેરું પરંપરાગત રીતે જ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા જાહેર કરાયેલી તમામ ગાઈડલાઈન્સનું પણ પાલન કરાયું હતું. મામેરું કરનારા પરિવારને 35 પાસ પણ બનાવી અપાયા હતા અને તે જ વ્યક્તિઓ જ મામેરા સમયે હાજર હતા.

- Advertisement -
50 વર્ષે સેટેલાઈટ વિસ્તારમાં રહેતા પરિવારની મામેરાની ઈચ્છા પૂરી થઈ.

50 વર્ષે મામેરું કરવાની ઈચ્છા પૂરી થઈ
મામેરું કરનારા યજમાન મહેશભાઈ ઠાકોરે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે વર્ષોથી સરસપુરમાં રહેતા હતા. દર વર્ષે રથયાત્રા નીકળે ત્યારે અમને મામેરું કરવાની ઈચ્છા થતી હતી. છેલ્લાં 50 વર્ષથી મારા પિતા પ્રયત્ન કરતા હતા. મંદિરના ટ્રસ્ટનો પણ સંપર્ક કર્યો હતો અને મામેરા માટે નામ આપેલું હતું, પરંતુ છેલ્લાં 4-5 વર્ષથી ચિઠ્ઠીઓ ઉછાળીને નામ પસંદ કરવામાં આવતું હતું, જેમાં આ વર્ષે અમારું નામ ખૂલ્યું હતું. મામેરું કરવા મળશે એવી વાત સાંભળીને મારા પિતા ખૂબ જ ખુશ થયા હતા.

મહારાષ્ટ્ર પહેરવેશના પાઘડી સહિતના વાઘા બનાવવામાં આવ્યા.

મામેરામાં મહારાષ્ટ્રિયન વસ્ત્રો
સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં સોમવારે ભગવાનના મામેરાનાં દર્શન ફેસબુક પર Rathyatra in Saraspur પેજ તથા ઈન્સ્ટાગ્રામ પર Rathyatra_in_saraspur પેજ રખાયાં હતાં. આ દરમિયાન મંદિરમાં ભક્તોને ચેવડા-પેંડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. ઓનલાઈન દર્શન રાખવા છતાં મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરમાં ‘નાથ’નાં દર્શન માટે ઊમટી હતી. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી માટે આ વર્ષે મામેરામાં મહારાષ્ટ્ર પહેરવેશના પાઘડી સહિતના વાઘા બનાવવામાં આવ્યા છે.

મંદિરના મહંત દિલીપદાસજીએ ગજરાજને પણ આવકાર્યા હતા.

રથયાત્રાના રૂટ પર બંદોબસ્ત ગોઠવી દેવાયો
ચાલુ વર્ષે રથયાત્રા નીકળશે કે નહીં? અને નીકળશે તો કેવી રીતે નીકળશે એ અંગે હજુ સુધી સરકારે સત્તાવાર કોઇ જાહેરાત કરી નથી. રથયાત્રા આડે હવે માંડ 4 દિવસ બાકી છે ત્યારે બુધવારથી જ રથયાત્રાના આખા રૂટ પર પોલીસ-સુરક્ષાકર્મીનો બંદોબસ્ત ગોઠવાયો છે, જ્યારે રથયાત્રાના બંદોબસ્ત માટે હાલમાં એસઆરપીની 10 કંપની પણ તહેનાત કરી દેવાઈ છે. રથયાત્રા દર વર્ષની જેમ નિર્ધારિત રૂટ પર નીકળે એવી શક્યતા છે, જેથી હવે પોલીસે એ દિશામાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. બુધવારથી તમામ પોલીસ સ્ટેશનોના પોલીસકર્મીઓને રથયાત્રાના બંદોબસ્ત માટે બોલાવાયા હતા, જેમાંથી ઘણા પોલીસ અધિકારી-કર્મીઓને બંદોબસ્ત ફાળવી દેવાયો છે.

યજમાનો વાજતેગાજતે જગન્નાથ મંદિરમાં મામેરું લઈને પહોંચ્યા.

દરેક પોલીસ સ્ટેશનમાંથી 70 કર્મચારી મુકાયા
રથયાત્રાના રૂટમાં આવતાં પોલીસ સ્ટેશન સિવાયનાં તમામ પોલીસ સ્ટેશનોમાંથી પીઆઈ અને 50થી 70 પોલીસકર્મીને રથયાત્રાના રૂટ પર બંદોબસ્ત માટે બોલાવાયા છે. બહારથી આવનારા પોલીસકર્મચારીઓ પણ આજે આવી પહોંચશે.

દરેક રથ પર 70 ખલાસી રાખવાની માગણી
ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રથ ખેંચવા માટે મંદિર ટ્રસ્ટને 120 ખલાસીનું લિસ્ટ સોંપવામાં આવ્યું છે. દરેક રથ પર 40ને બદલે 70 ખલાસી રાખવાની માગ કરાઈ છે. આ તમામ 120 ખલાસીએ કોરોનાની રસીને બંને ડોઝ લઈ લીધા છે. આ તમામ ખલાસીઓ દ્વારા રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હજી સુધી સરકાર દ્વારા કોઈ ગાઈડલાઇન્સ આપવામાં આવી નથી, પરંતુ આ ખલાસીબંધુઓ ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝરનો પૂરો ઉપયોગ કરશે. આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા ખલાસીબંધુ સાથે જ નીકળશે એવો અમને વિશ્વાસ છે.

Exit mobile version