- ગુજરાતમાં અત્યારસુધીની સીઝનનો 83 ટકા વરસાદ નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 147 તાલુકામાં મેઘમહેર
ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી અમદાવાદ અને ગાંધીનગરમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે. આજે સવારે 10 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો. જે હજી પણ ચાલી રહ્યો છે. નોકરી ધંધે જતાં લોકોને વરસાદના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. બીજી તરફ અમદાવાદમાં રાજપથ ક્લબની પાછળના રોડ પર 20 મીનિટના વરસાદમા પાણી ભરાઈ ગયાં છે. વરસાદને કારણે AMCની પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થયાં છે.સાબરમતિ પોલીસ સ્ટેશન, આરટીઓ સર્કલ, હેલ્મેટ સર્કલ પાસે મેટ્રોના કામકાજ સ્થળે પાણી ભરાઈ જવાથી ભારે ટ્રાફિક જામ થયો હતો.
ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ
| ઝોન | ટકા | ઈંચ |
| કચ્છ | 87.63 | 15.27 |
| સૌરાષ્ટ્ર | 93.14 | 25.7 |
| ઉ.ગુજરાત | 68.31 | 19.2 |
| દ.ગુજરાત | 82.79 | 47.63 |
| મ.ગુજરાત | 76.26 | 24.21 |
| ગુજરાત | 83.51 | 27.61 |
રાજ્યમાં અત્યાર સુધીમાં 83 ટકા વરસાદ થયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 147 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર, બનાસકાંઠા અને વડોદરામાં થયો છે. ક્વાંટ, ડિસા અને ડભોઈમાં વરસાદ થવાથી લોકોમાં રાહત થઈ છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 14 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા અને પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે. દસાડામાં 18 મિમી, ખેરાલુમાં 15 મિમી અને વડનગરમાં 10 મિમી વરસાદ થયો છે. રાજ્યમાં સિઝનનો કુલ 27 ઈંચ સાથે 83 ટકા વરસાદ થયો છે.
આજે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો વરસાદ
| તાલુકો | વરસાદ (મિમી) |
| દસાડા | 18 |
| ખેરાલુ | 15 |
| વડનગર | 10 |
| મુળી | 9 |
| પાટણ | 6 |
| ઈડર | 4 |
| ચાણસ્મા | 3 |
| દાંતા | 3 |
| ધોલેરા | 3 |
| ખેડબ્રહ્મા | 3 |
| કપરાડા | 3 |
| આમોદ | 2 |
| કલોલ | 2 |
| વડગામ | 1 |
રાજ્યના આ જિલ્લામાં વરસાદની વકી
રાજ્યમાં 28 સપ્ટેમ્બરે આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુર તેમજ 29 સપ્ટેમ્બરે 40થી 60 કિમીની ગતિના પવન સાથે દ.ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે 30 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
ચાલુ વર્ષે અંદાજિત 83.84 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર
કૃષિ વિભાગ દ્વારા જણાવાયું છે કે ચાલુ વર્ષે અંદાજિત 83.84 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 20 સપ્ટેમ્બર સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 85.83 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે 98.01% વાવેતર થયું છે. તાજેતરમાં રાહત કમિશનર અને અધિક સચિવ, મહેસૂલ વિભાગના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની ઓનલાઈન બેઠક સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતેથી યોજાઈ હતી, જેમાં આ માહિતી આપવામાં આવી હતી.
રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-79 જળાશય
તાજેતરમાં વેધર વોચ ગ્રુપની ઓનલાઈન બેઠકમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ. દ્વારા જણાવાયું હતું કે સરદાર સરોવર જળાશયમાં હાલ 186731 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શક્તિના 55.89% છે. સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતું કે રાજ્યનાં 206 જળાશયમાં 418556 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 75.09% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-79 જળાશય, એલર્ટ ૫ર કુલ- 12 જળાશય તેમજ વોર્નિંગ ૫ર-13 જળાશય છે.
સિઝનમાં સૌથી વધુ વરસાદ સપ્ટેમ્બરમાં થયો
| મહિનો | વરસાદ |
| જૂન | 4.79 |
| જુલાઇ | 6.95 |
| ઓગસ્ટ | 2.57 |
| સપ્ટેમ્બર | 12.98 |
