- અત્યારસુધીમાં 2500 જેટલા લોકોએ સી-પ્લેનમાં મુસાફરી કરી છે
- સી-પ્લેનની માગણી પર ઝડપથી નિર્ણય લેવાય એ માટે પ્રયાસ કરાશેઃ રાજ્યના સિવિલ એવિયેશનમંત્રી પૂર્ણેશ મોદી
ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી અમદાવાદના રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સી-પ્લેન સુવિધાને રિપેરિંગનું ગ્રહણ લાગી ચૂક્યું છે. સી-પ્લેન વારંવાર મરામત માટે બહાર લઇ જવું પડે છે. આ સુવિધાને 11 મહિના થયા છે, પરંતુ એ પૈકી સાત મહિના તો બંધ રહી છે. આ સર્વિસમાં 284 વખત ઉડાન ભરવામાં આવી છે. હાલ સ્પાઇસ જેટની પેટાકંપની સ્પાઇસ શટલ સી-પ્લેન ચલાવે છે. આ સર્વિસ માટે વિમાનઉત્પાદકો સાથે ચર્ચા ચાલી રહી છે, પરંતુ નવાં પ્લેન ક્યારે આવશે એ નિશ્ચિત નથી.https://www.divyabhaskar.co.in/__widgets__/iframe/poll/tMK1C3UmyoLK
અત્યારસુધીમાં 2500 જેટલા લોકોએ મુસાફરી કરી
31મી ઓક્ટોબર 2020માં રિવરફ્રન્ટથી કેવડિયા સુધી આ સી-પ્લેનની સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ સર્વિસમાં એકસાથે 19 લોકો બેસી શકે છે. અત્યારસુધીમાં 2500 જેટલા લોકોએ એમાં મુસાફરી કરી છે. ચોંકાવનારી બાબત તો એવી છે કે આ સર્વિસ શરૂ થયા પછી અત્યારસુધીમાં 200થી વધુ દિવસો સુધી બંધ રહી છે, કારણ કે તેના એરક્રાફ્ટને મરામત કામ માટે વારંવાર માલદિવ્સ મોકલવામાં આવ્યું છે.
નવા પ્લેન ખરીદવા કેન્દ્ર પાસે 120 કરોડની માગ
રાજ્યની તત્કાલીન વિજય રૂપાણીની સરકારમાં સિવિલ એવિયેશન વિભાગ સંભાળતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેન્દ્રના એવિયેશનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને એક પત્ર લખીને ગુજરાતમાં સી-પ્લેન ખરીદવા 120 કરોડ રૂપિયાની માગણી કરી હતી, પરંતુ સરકારમાં નેતૃત્વ પરિવર્તન થતાં હવે નવી સરકારમાં ફરીથી માગણી કરવાની થાય છે. રાજ્યના સિવિલ એવિયેશનમંત્રી પૂર્ણેશ મોદીનું કહેવું છે કે તેઓ સી-પ્લેનની માગણી પર ઝડપથી નિર્ણય લેવાય એ માટે પ્રયાસ કરશે.
સી-પ્લેન માટે ચાર એરોડ્રામ બનાવવાનો પ્લાન
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગયા વર્ષે એવું નક્કી કર્યું હતું કે ગુજરાતમાં સી-પ્લેન માટે સાબરમતી રિવરફ્ન્ટ, કેવડિયા, ધરોઇ ડેમ અને તાપીમાં વોટર એરોડ્રામ બનાવવામાં આવશે. સી-પ્લેન લેન્ડ થઇ શકે તે માટે પાણીમાં 800 થી 900 મીટર જેટલી જગ્યાની જરૂર પડે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદશકા પ્રમાણે સી-પ્લેન માટે પાણીની સપાટી ઓછામાં ઓછી છ ફુટની હોવી જોઇએ.
