મંત્રીઓની બેઠક મળશે:આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં અતિવૃષ્ટિથી પાકને થયેલા નુકસાન વિશે તથા ધોરણ 1થી 5ના વર્ગો ઓફલાઇન શરૂ કરવા મંથન થશે

By Abhishek Raghuvanshi
3 Min Read
  • અતિવૃષ્ટિ અને વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક સહાય આપવાનો નિર્ણય લેવાઈ શકે છે
  • ગુજરાત સરકારે કુદરતી હોનારતને પહોંચી વળવા કેન્દ્ર પાસે હાથ લંબાવ્યો

આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવાની છે, જેમાં રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા પાકના નુકસાન અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં પાક નુકસાન સર્વે અંગે પણ ચર્ચા કરાશે તેમજ ખેડૂતોને આર્થિક સહાય આપવા અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે. આ ઉપરાંત રાજ્યમાં ધોરણ 1થી 5ના વર્ગો ઓફલાઇન શરૂ કરવા પણ વિચારણા થશે.

ગુજરાતે કેન્દ્ર સરકાર પાસે હાથ લંબાવ્યો
હાલ ગુજરાત એક બાદ એક આવેલી કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. 2020માં ગુજરાતની જનતાને તાઉ તે વાવાઝોડાથી નુકસાન ભોગવ્યું હતું, તાઉ તે વાવાઝોડામાં કરોડો રૂપિયાનું નુકસાન ગુજરાતને વેઠવું પડ્યું હતું. જે બાદ હવે ચોમાસામાં સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી આફત ત્રાટકતા મોટા નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ઘણા એવા જિલ્લાઓ છે જેમાં 2020માં થયેલી અતિવૃષ્ટિ તથા તાઉ તે વાવાઝોડાની નુકસાનીની સહાય સરકાર પાસે લેવાની બાકી છે. ત્યારે ગુજરાત સરકારે કુદરતી હોનારતને પહોંચી વળવા કેન્દ્ર પાસે હાથ લંબાવ્યો છે.

શપથ લીધા બાદ તરત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અતિવૃષ્ટિ વાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી

સરકારે વાવાઝોડાથી અસરગ્રસ્તોને સહાય ચૂકવી
સરકારે ગીર-સોમનાથમાં 70 હજાર 481 અસરગ્રસ્તોને મકાન સહાય ચૂકવી, 40 હજાર 698 અસરગ્રસ્તોને ઘરવખરી સહાય અને 1 લાખ 2 હજાર 625 અસરગ્રસ્તોને કેશડોલ ચૂકવાઈ જ્યારે અમરેલી જિલ્લામાં 53 હજાર 254 અસરગ્રસ્તોને મકાન સહાય, 49 હજાર 594 અસરગ્રસ્તોને ઘરવખરી સહાય, 3 લાખ 7 હજાર 521 અસરગ્રસ્તને કેશડોલ સહાય ચૂકવી દેવામાં આવી છે. ત્યારે હજુ પણ અન્ય જિલ્લા ખેડૂતો તૌકતે વાવાઝોડાની સહાય મળશે તેવી આશ રાખી બેઠા છે.

સપ્ટેમ્બરમાં સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિથી ભારે નુકસાન
બીજી તરફ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અને ખાસ કરીને જામનગર એ રાજકોટ પંથકમાં સપ્ટેમ્બરના અંતમાં પડેલા વરસાદે ભયવાહ તારાજી સર્જી છે તેનો સર્વે સરકાર દ્વારા થઈ રહ્યો છે. ટુંક સમયમાં સહાયની જાહેરાત પણ કરવામાં આવશે ત્યારે જોવું રહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારે માગેલા 7239.47 કરોડના સહાય પેકેજ સામે કેટલા કરોડ મંજૂર કરે છે અને ગુજરાત સરકાર કેટલા ઉમેરી અસરગ્રસ્તો સુધી સહાય પહોંચાડે છે.

- Advertisement -
તાઉ તે વાવાઝોડુ અને સપ્ટેમ્બરના ભારે વરસાદમાં ખેડૂતોનો પાક ધોવાયો

ધોરણ 1થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા મંથન
રાજ્યમાં ધોરણ 6થી 12ના ઓફલાઈન વર્ગો શરૂ થઈ ગયાં છે. ત્યારે હવે દિવાળી બાદ રાજયમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવા માટે સરકારને રજુઆતો મળી રહી છે. આજે મળી રહેલી કેબિનેટની બેઠકમાં પણ આ વર્ગો ઓફલાઈન શરૂ કરવા માટે મંથન થઈ શકે છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સાથે આ અંગે ચર્ચા વિચારણા થવાની શક્યતાઓ છે. નોંધનીય છે કે સ્કૂલોમાં રાબેતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. તેની સાથે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા પણ ચાલુ જ છે. સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો પણ થઈ રહ્યો છે.

Exit mobile version