ગ્રાઉન્ડ રિપોર્ટ:વડોદરાનું નવા બજાર ગત નવરાત્રિમાં કોરોના મહામારીના કારણે સુમસામ ભાસતુ હતું, આ વર્ષે ગરબાની મંજૂરી મળતા ખરીદી માટે કીડીયારું ઉભરાયું

By Abhishek Raghuvanshi
5 Min Read
વડોદરાના ચણીયા ચોળી બજારો સહિતના બજારોમાં વિવિધ ચિજવસ્તુઓની ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે
  • નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવતા વેપારીઓએ સરકારનો આભાર માન્યો
  • વડોદરા શહેરના તમામ બજારોમાં રોજ નવરાત્રિની ખરીદી માટે ભીડ ઉમટી પડે છે

કોરોનાની સંભવતઃ ત્રીજી લહેરની દહેશત વચ્ચે જગત જનની માં શક્તિની આરાધના કરવાના મહાપર્વ નવરાત્રિનો આવતીકાલે 7 ઓક્ટોબરથી પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે નવલા નોરતાને ઉત્સાહભેર મનાવવા માટે શહેરીજનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના ચણીયા ચોળી બજારો સહિતના બજારોમાં વિવિધ ચિજવસ્તુઓની ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. વડોદરા શહેરનું નવા બજાર ગત નવરાત્રિમાં કોરોના મહામારીને કારણે સુમસામ ભાસતુ હતું, જોકે નવરાત્રિમાં ગરબાની મંજૂરી મળતા આ વર્ષે નવા બજારમાં ખરીદી માટે કીડીયારું ઉભરાઇ રહ્યું છે.

શહેરના બજારોમાં ખરીદી માટે ભીડ જામી
આવતીકાલથી નવરાત્રિ મહોત્સવ શરૂ થતો હોવાથી ચણીયા ચોળી માટેના મુખ્ય બજાર મનાતા એવા નવાબજારમાં ચણીયા ચોળી. ઓક્સોડાઇઝના ઘરેણા અને કુર્તા સહિત વિવિધ ચિજવસ્તુઓની ખરીદી માટે સવારથી લોકોની ભારે ભીડ રહી હતી. તે સાથે મંગળ બજાર, મુનશીનો ખાંચો, એમ.જી. રોડ, અમદાવાદી પોળ અને પાણીગેટ સહિતના બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી હતી. તે સાથે માતાજીની આરાધના કરવાના મહાપર્વમાં માતાજી માટે ચુંદડી સહિત વિવિધ ચિજવસ્તુઓની ખરીદી માટે એમ.જી. રોડ ઉપર ભારે ભીડ જોવા મળી હતી.

સરકારે ગરબાની પરમિશન આપતા ધંધો સારો થઇ રહ્યો છે
નવાબજારના વેપારી કમલેશ શાહે જણાવ્યું હતું કે, આ વખતે નવરાત્રિ થવાની હોવાથી લોકો ખરીદી માટે નીકળ્યા છે. ગયા વર્ષે નવરાત્રિ થઇ નહોતી, જેથી અમે મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. પરંતુ, આ વખતે સરકારે ગરબાની પરમિશન આપતા ધંધો સારો થઇ રહ્યો છે.

નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવતા વેપારીઓએ સરકારનો આભાર માન્યો

નાના બાળકો માટે ખરીદી થઇ રહી છે
નવાબજારના મહિલા વેપારી સીતાબેને જણાવ્યું હતું કે, આ વર્ષે માત્ર શેરી ગરબાઓને મંજૂરી આપવામાં આવી હોવાથી ચણીયા ચોળી, ઓક્સોડાઇઝના દાગીના, કુર્તા સહિતની ચિજવસ્તુઓના બજારોમાં ઘરાકી ઓછી છે. જો મેદાનોમાં પણ ગરબાની મંજૂરી આપવામાં હોત તો મેદાનોમાં ગરબા રમવા જવાના શોખીનોની ભીડ જોવા મળી હોત. પરંતુ, મેદાનોમાં ગરબાની મંજૂરી આપવામાં આવી ન હોવાથી ખાસ કરીને યુવા-ધન દ્વારા ખરીદી ઓછી કરવામાં આવી રહી છે. મેદાનોમાં ગરબા રમવાના શોખીનો દ્વારા ઓછી ખરીદી કરવામાં આવી રહી છે. નાના બાળકો માટે ખરીદી થઇ રહી છે. બજારમાં સિલ્કની ઘેરવાળી ચણીયા ચોળી આવી છે, પરંતુ, ખરીદનાર નથી.

- Advertisement -
વડોદરા શહેરના તમામ બજારોમાં રોજ નવરાત્રિની ખરીદી માટે ભીડ ઉમટી પડે છે

માર્ગો ઉપર શેરી ગરબાનો રંગ જામશે
ઉલ્લેખનીય છે કે, જગ વિખ્યાત વડોદરાના ગરબાની આગવી ઓળખ છે. વડોદરામાં ગરબાના ગ્રાઉન્ડમાં એક સાથે હજારો યુવાનો-યુવતીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં રાઉન્ડમાં ગરબા રમે છે. જોકે, કોરોનાની મહામારીએ વડોદરાના ખેલૈયાઓને આ વખતે વડોદરાની શેરીઓમાં રમવાનો વખત આવ્યો છે. મેદાનોમાં ગરબા બંધ હોવાથી વર્ષો બાદ શેરી ગરબાનો જમાનો આવ્યો છે. ત્યારે આ વખતે વર્ષોથી જ્યાં શેરી ગરબાઓ થતાં હતા. તેવા રાજમહેલ રોડ, સરદાર ભુવનનો ખાંચો, નવા બજાર, વાડી દાલીયા પોળ, વાડી ફડનીશ રોડ સહિતના માર્ગો ઉપર શેરી ગરબાનો રંગ જામશે.

મંગળ બજાર, મુનશીનો ખાંચો, એમ.જી. રોડ, અમદાવાદી પોળ અને પાણીગેટ સહિતના બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી હતી

નવરાત્રિમાં ચા-નાસ્તાની પણ વ્યવસ્થા કરાઇ
ઉલ્લેખનીય છે કે, ગરબાના શોખીનો માટે ગરબાનું મેદાન હોય, પોળ હોય કે સોસાયટીમાં ગરબા રમવાના હોય તેઓને કોઇ ફરક પડતો નથી. ગરબાના શોખીનો પોતાની પોળ-સોસાયટીઓમાં આયોજીત ગરબા રમવા માટે સજ્જ થઇ રહ્યા છે. આ વખતે મેદાનોમાં ગરબા બંધ હોવાથી અનેક વિધ સોસાયટીઓ અને પોળોમાં ગરબાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગરબાઓની સાથે નવરાત્રિના નવ દિવસ દરમિયાન ચા-નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

નવરાત્રિ થવાની હોવાથી લોકો ખરીદી માટે નીકળ્યા

સોસાયટીના રહીશોને ઘર આંગણે ગરબા રમવા મળે છે
વાઘોડિયા રોડ શ્યામલ રેસિડેન્સીમાં આયોજીત ગરબાના આયોજક ટીમના સભ્ય સંજયભાઇ શાહે જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં સતત પાંચમાં વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના નવ દિવસ ગરબા સાથે ચા-નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મેદાનોમાં ગરબાને મંજૂરી આપવામાં આવી ન હોવાથી સોસાયટીના ગરબાઓની રંગત જામશે. મહત્વની વાત એ છે કે, સોસાયટીમાં આયોજીત ગરબાઓથી સોસાયટીના રહીશોને ઘર આંગણે ગરબા રમવા મળે છે. બાળકો પણ સુરક્ષિત રહે છે અને સોસાયટીમાં જ ગરબા થતા હોવાથી લોકોના ખર્ચમાં પણ ઘટાડો થાય છે.

આ વર્ષે ગરબાની મંજૂરી મળતા નવા બજારમાં ખરીદી માટે કીડીયારું ઉભરાયું છે
Exit mobile version