દેશમાં વેક્સિનેશન LIVE:દિલ્હી એઇમ્સના હેલ્થવર્કરને પહેલી વેક્સિન લગાવાઈ, મોદીએ કહ્યું- પહેલા 3 કરોડ લોકોને વેક્સિનેટ કરાશે, 100 દેશની વસતિ આનાથી પણ ઓછી

By Abhishek Raghuvanshi
9 Min Read


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 11.05 વાગ્યે વિડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના વેક્સિનેશનની શરૂઆત કરી. આ પહેલા 35 મીનિટના ભાષણમાં તેમણે કહ્યું કે, વેક્સિન ઘણા ઓછા સમયમાં આવી ગઈ છે.આજના દિવસની જ રાહ જોવાઈ રહી હતી, કોરોનાની વેક્સિન આવી ગઈ છે.પીએમ મોદીએ કહ્યું કે, કોરોનાની વેક્સિન વિકસીત કરવા માટે વૈજ્ઞાનિકોએ તનતોડ મહેનત કરી છે. તેમણે કહ્યું કે, આવા જ દિવસ માટે રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરે કહ્યું હતું કે, માનવી જ્યારે જોર લગાવે છે તો પથ્થર પાણી બની જાય છે.દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. જેના માટે હું સૌને શુભેચ્છા પાઠવું છું.દેશને સંબોધિત કરતી વખતે મોદી ભાવુક પણ થઈ ગયા. કહ્યું કે, આપણને બચાવવા માટે ઘણા લોકોએ પ્રાણ સંકટમાં નાખ્યા. ઘણા લોકો ઘરે પાછા નથી આવ્યા. હવે સ્વાસ્થ્ય સેવા સાથે સંકળાયેલા લોકોને વેક્સિન લગાવીને એક પ્રકારે સમાજ પોતાનું ઋણ ચૂકવી રહ્યો છે.

તમામ 29 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો(UT)ની 3006 સાઈટ્સ પર એકસાથે આ કાર્યક્રમ ચાલું કરાશે. પહેલા ફેઝમાં હેલ્થવર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિનેટ કરાશે. પહેલા દિવસે દરેક સાઈટ પર ઓછામાં ઓછા 100 લોકોને વેક્સિન લગાડવામાં આવશે.

મોદીના ભાષણની મુખ્ય વાતો
વેક્સિન બનાવનારને શુભેચ્છાઓ

કેટલા મહિનાથી દેશના દરેક ઘરમાં બાળકો, વૃદ્ધ, યુવાન દરેકના મોઢે એક જ સવાલ હતો કે કોરોનાની વેક્સિન ક્યારે આવશે. તો હવે કોરોનાની વેક્સિન આવી ગઈ છે. વેક્સિન બનાવનાર દરેક વૈજ્ઞાનિક શુભેચ્છાને પાત્ર છે. તેમણે ન તો તહેવાર જોયા, ન દિવસ જોયા કે ન રાત. આટલા ઓછા દિવસોમાં એક નહીં, બે-બે મેડ ઈન ઈન્ડિયા વેક્સિન તૈયાર થઈ છે. આવી જ ઉપલબ્ધિઓ માટે રાષ્ટ્ર કવિ રામધારી સિંહ જી દિનકરે કહ્યું હતું કે, માનવી જ્યારે જોર લગાવે છે, તો પથ્થર પણ પાણી બની જાય છે.

જેમને કોરોના સંક્રમણનું જોખમ સૌથી વધુ છે, પહેલા વેક્સિન તેમને અપાશે. જે હોસ્પિટલ સ્ટાફ છે તે કોરોના વેક્સિનનો પહેલો હકદાર છે. ત્યારપછી એવા લોકોને વેક્સિન લગાડવામાં આવશે જેમની પર દેશની સુરક્ષા અથવા કાયદો-વ્યવસ્થાની જવાબદારી છે. સુરક્ષા દળ, પોલીસ, ફાયર બ્રિગેડ અને સફાઈકર્મીઓને વેક્સિન લગાડવામાં આવશે. તેમની સંખ્યા લગભગ 3 કરોડ છએ. તેમના વેક્સિનેશનનો ખર્ચ ભારત સરકાર ઉઠાવશે.

- Advertisement -

બીજો ડોઝ ખુબ જ જરૂરી
પહેલો ડોઝ લીધા પછી બીજો ડોઝ ક્યારે મળશે,તેની માહિતી પણ તમારા ફોન પર આપવામાં આવશે. વેક્સિનના બે ડોઝ લગાડવા ખુબ જ જરૂરી છે. એક ડોઝ લાગી ગયો અને બીજો લેવાનું ભૂલી ગયા, એવી ભૂલ ન કરશો. પહેલા અને બીજા ડોઝ વચ્ચે એક મહિનાની ગેપ રખાશે. બીજો ડોઝ લાગ્યા પછી જ તમારા શરીરમાં કોરોના વિરુદ્ધ શક્તિ વિકસીત થઈ શકશે. વેક્સિન લાગતાની સાથે જ સાવધાની રાખજો. જે ધૈર્ય સાથે કોરોનાનો સામનો કર્યો, એ જ ધૈર્ય વેક્સિનેશન વખતે દેખાડવાનું છે.

ઐતિહાસિક વેક્સિનેશન
ઈતિહાસમાં આવડું મોટું વેક્સિનેશન અભિયાન અત્યાર સુધી નથી યોજાયું. ભારત પહેલા જ તબક્કામાં 3 કરોડથી વધુ લોકોને વેક્સિનેટ કરી રહ્યો છે, જ્યારે દુનિયાના 100થી વધુ દેશોની જનસંખ્યા જ આનાથી ઓછી છે. આપણે બીજા તબક્કામાં વેક્સિનેશનનું લક્ષ્ય 30 કરોડ સુધી લઈ જશું. દુનિયામાં આટલી વસ્તી વાળા ત્રણ જ દેશ ચીન ભારત અને અમેરિકા જ છે. એટલા માટે આ ઐતિહાસિક વેક્સિનેશન છે.

પ્રચારથી દૂર રહો
તમારે કોઈ પ્રકારના પ્રચારથી દૂર રહેવું જોઈએ. આપણા વૈજ્ઞાનિકોની દુનિયામાં ઘણી વિશ્વસનીયતા છે.તમને ગર્વ થશે કે દુનિયામાં જેટલા બાળકોને જીવનરક્ષક વેક્સિન લાગે છે તેમંથી 60% ભારતમાં જ બને છે.

પહેલો કેસ આવ્યા પહેલા જ ચેતી ગયા હતા
30 જાન્યુઆરીએ ભારતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો. પરંતુ તેના બે સપ્તાહ પહેલા જ ભારત હાઈલેવલ કમિટિ બનાવી ચૂક્યો હતો. 17 જાન્યુઆરી 2020ના રોજ અમે પહેલી એડવાઈઝરી જાહેર કરી દીધી હતી. ભારત એવા દેશોમાં સામેલ હતો. જેમને સૌથી પહેલા એરપોર્ટ પર યાત્રિઓનું સ્ક્રીનિંગ શરૂ કરી દીધું હતું. કોરોના વિરુદ્ધ લડાઈમાં ભારતમાં જે સામૂહિક શક્તિનું પ્રમાણ જણાવાયું છે, તેને આવનારી પેઢીઓ યાદ કરશે.

લોકોના જીવનને પ્રાથમિકતા આપી
આપણે તાળી-થાળી અને દીપ પ્રગટાવીને દેશના આત્મવિશ્વાસને જાળવી રાખ્યો. કોરોનાને અટકાવવાની સૌથી પ્રભાવી રીત આ જ હતી કે જે જ્યાં હતું ત્યાં જ રહે. પણ દેશની આટલી મોટી વસતિને બંધ રાખવી સરળ ન હતી. તેની અર્થવ્યવસ્થા પર શું અસર થશે, એ પણ અમારી ચિંતા હતી, પરંતુ અમે વ્યક્તિના જીવનને પ્રાથમિકતા આપી.

આજના અપડેટ્સ..

  • દિલ્હી એઇમ્સના હેલ્થવર્કરને પહેલી વેક્સિન લગાવાઈ
  • મુંબઈની કૂપર હોસ્પિટલમાં વેક્સિન પહોંચી તો હેલ્થ વર્કર્સે તાળી વગાડીને સ્વાગત કર્યુ
  • દિલ્હીની લોકનાયક હોસ્પિટલમાં વેક્સિનેશન દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર રહેશે. સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન એઈમ્સમાં રહેશે.
  • મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આસામ, બિહાર સહિત તમામ રાજ્યોમાં કોરોના વેક્સિનેશનની તૈયારીઓ થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ વર્કર્સને વેક્સિન લગાવાશે

રાજ્યકેટલા કેન્દ્રવેક્સિન
મહારાષ્ટ્ર21024,479
રાજસ્થાન16123,591
તમિલનાડુ23022,071
પશ્વિમ બંગાળ22421,950
ગુજરાત16020,950
ઉત્તરપ્રદેશ17018,155
બિહાર16718,021
આંધ્રપ્રદેશ17817,850
કર્ણાટક15215,809
મધ્યપ્રદેશ15015,000

9 સવાલ-જવાબમાં સમજો, કોને વેક્સિન લગાડાશે
સૌથી પહેલા કોને વેક્સિન લાગશે?

આજથી શરૂ થઈ રહેલા તબક્કામાં એક કરોડ હેલ્થકેર વર્કર્સ અને 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન ફ્રીમાં અપાશે. હેલ્થકેર કર્મચારીઓમાં ડોક્ટર, નર્સ, ANM જેવી સ્વાસ્થ્ય કામગીરી સાથે જોડાયેલા લોકો છે. સાથે જ ફ્રન્ટલાઈન કર્મચારીઓમાં સ્વચ્છતા કર્મચારી, પોલીસ, હોમગાર્ડના જવાન અને સેનાના જવાન સામેલ છે.

બીજા ફેઝમાં ઓગસ્ટ સુધી 50 વર્ષથી વધુ ઉમરના લોકો અને ગંભીર બિમારીઓ સામે ઝઝૂમી રહેલા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વેક્સિન લગાડવામાં આવશે. આ રીતે હાઈ રિસ્ક વાળા લગભગ 27 કરોડ લોકોને વેક્સિનેટ કરાશે.

કઈ વેક્સિન લગાવાશે?
સરકારે 3 જાન્યુઆરીએ બે વેક્સિનને મંજૂરી આપી છે. પહેલી કોવેક્સિન જે સ્વદેશી વેક્સિન છે, જેને હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી સાથે મળીને બનાવી છે. બીજી કોવીશીલ્ડ-જેને ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રેજેનેકા કંપનીએ તૈયાર કરી છે. પૂણેની સીરમ ઈન્સ્ટીટ્યૂટ તેને બનાવી રહી છે.વેક્સિનેશનમાં સામેલ લોકોને હાલ પોતાની મરજી પ્રમાણે વેક્સિન લગાવવાનો વિકલ્પ નહીં મળે.

વેક્સિનેશન કેવી રીતે ચાલશે?
ભારતની વસ્તી લગભગ 130 કરોડ છે. આપણને આવડા મોટા દેશમાં ચૂંટણી યોજવાનો અનુભવ છે, વેક્સિનેશન પ્રોગ્રામ પણ એની જેમ જ ચાલશે.ગૃહ મંત્રાલયે ચૂંટણી પંચને લોકસભા અને વિધાનસભા ચૂંટણી વિસ્તારની યાદી શેર કરવાનો આગ્રહ કર્યો છે, જેથી પ્રાયોરિટીના આધારે લોકોની ભાળ મેળવી શકાય.

કેટલા વાગ્યે વેક્સિનેશન શરૂ થશે? કઈ ઉંમરના લોકો વેક્સિનેટ થઈ શકશે?
વેક્સિનેશન સેશન 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. જે લોકો 5 વાગ્યા સુધી આવી જશે, તેમને જ વેક્સિનેટ કરાશે, ભલે તેમને થોડીક વાર રોકાવું પડે. દરેક સાઈટ પર 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિનેટ કરાશે. સાઈટ પર હાજર કર્મચારીઓ પાસે લાભાર્થીઓની 3 હાર્ડ કોપી હશે. વેક્સિન લેનારના નામ Co-WIN એપ પર પણ અપલોડ થશે. શનિવારે વેક્સિન લેનારના નામ ત્રણ દિવસ પહેલાથી જ અપલોડ કરી દેવાયા છે.

શું હાલ વેક્સિન મફતમાં લગાવાશે?
હાં. પહેલા તબક્કામાં વેક્સિન ફ્રીમાં લાગશે. મોદી પહેલા જ કહી ચૂક્યાં છે કે 3 કરોડ લોકોનો વેક્સિનેશનનો ખર્ચ સરકાર ઉઠાવશે.

સરકારે કેટલી વેક્સિન ખરીદી છે?
1.65 કરોડ. કોવીશીલ્ડના 1.1 કરોડ અને કોવેક્સિનના 55 લાખ ડોઝ ખરીદવામાં આવ્યા છે. 28 દિવસમાં(14 દિવસની ગેપથી)દરેક વ્યક્તિને ડોઝ અપાશે.

દેશભરમાં કોવી રીતે વેક્સિન પહોંચાડવામાં આવી?
આના માટે રાજ્યોમાં મુખ્ય રીતે સંક્રમણની સ્થિતિ જોવામાં આવી. જે રાજ્યોમાં વધુ કેસ નોંધાઈ રહ્યાં છે,જેવા કે કેરળ અને મહારાષ્ટ્ર, તો અહીં વધુ વેક્સિન અપાઈ. કયા જિલ્લામાં કેટલી વેક્સિન આપવાની છે, તેનો નિર્ણય રાજ્ય કરશે.

વેક્સિનેશન માટે શું કરવું પડશે? વેક્સિનેશન પછી શું થશે?
વેક્સિન લગાવવા માટે Co-WIN એપ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. એપ વેક્સિનના સ્ટોરેજથી માંડી હેલ્થ સેન્ટર, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા વેક્સિનેશન સેન્ટર સુધીને સફરને ટ્રેક કરશે. જો ક્યાંક સ્ટોક ખતમ થઈ રહ્યો છે તો એપ નોટિફીકેશન મોકલશે. એપ દ્વારા લોકોને શિડ્યૂઅલ, લોકેશન અને વેક્સિન કોણ લગાવશે, તેની પણ ખબર પડી શકશે. વેક્સિન લાગ્યા પછી સર્ટિફિકેટ પણ મળશે. આ એપ પર જ આવશે.

વેક્સિનેશનની તૈયારી કેવી રીતે કરી?
તમામ રાજ્યોમાં ડ્રાય રન કરીને ચકાસણી કરાઈ. સરકારે પૂછપરછ માટે એક નંબર 1075 પણ લોન્ચ કર્યો છે.Co-WINથી પણ માહિતી મળી શકશે.

Exit mobile version