ગુજરાત વેક્સિનેશન LIVE:આજે રાજ્યભરમાં કોરોના વેક્સિનેશનની કામગીરી શરૂ, દરેક હોસ્પિટલના હેડ સૌપ્રથમ રસીકરણ કરાવશે

By Abhishek Raghuvanshi
6 Min Read
અમદાવાદ સિવિલમાં સુપ્રિટેન્ડન્ટ,એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ સહિત 11 ડોક્ટર્સ વેક્સિન લેશે
  • સિવિલના ટ્રોમાં વોર્ડમાં સવારથી જ સ્ટાફને અલર્ટ રાખવામાં આવ્યો છે
  • દરેક બૂથ પર 100 આરોગ્ય કર્મીઓને પ્રથમ દિવસે આ રસી આપવામાં આવશે

આજથી રાજ્યભરમાં કોરોના વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. સવારે 10 વાગ્યાથી અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના કુલ ગુજરાતના 161 બૂથ પરથી રસી અપાશે. દરેક બૂથ પર 100 આરોગ્ય કર્મીઓને પ્રથમ દિવસે આ રસી આપવામાં આવશે. આમ પ્રથમ દિવસે 16,000થી વધુ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે. જ્યારે દેશભરમાં 3 હજાર બૂથ પર 3 લાખ લોકોને રસી અપાશે. કેન્દ્રના અધિકારીઓએ જણાવ્યું છે કે જે લોકોને રસી અપાશે તેમના મોબાઈલ પર મેસેજ મોકલાશે. ગુજરાતમાં રસીકરણ માટે સિવિલ કે જનરલ હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો, ખાનગી હોસ્પિટલો, શાળાઓ તથા અને અન્ય સરકારી સ્થળોએ પણ રસીકરણ બૂથ ઊભાં કરાયાં છે.

સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશનની તમામ તૈયારીઓ થઈ ગઈ છે

અમદાવાદ સિવિલમાં 100 લોકોને વેક્સિન અપાશે
આજથી અમદાવાદમાં વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં વેક્સિન માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે. આજે 100 લોકોને વેક્સિન આપવામાં આવશે.સિવિલના ટ્રોમાં વોર્ડમાં સવારથી જ સ્ટાફને એલર્ટ રાખવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેક્સિનને ઓનલાઈન શરૂઆત કર્યા બાદ વેક્સિન શરૂ થશે. હાલ પેરા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફને વેક્સિન આપવામાં આવશે. ત્યારબાદ અન્ય લોકો માટેની વ્યવસ્થા કરવામાં આવશે. અમદાવાદ સિવિલના સુપ્રિટેન્ટેન્ડ જે.પી મોદી, એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ સહીત 11 ડૉક્ટરો રસી લેશે. તે ઉપરાંત હેલ્થ વર્કરોને પણ વેક્સિન આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં વેક્સિન આપ્યા બાદ તેમને અડધો કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. હાલ પેરા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફને વેકસીન આપવામાં આવશે .ત્યાર બાદ અન્ય લોકો માટેની વ્યવસ્યા કરવામાં આવશે.

રાજકોટમાં શહેરમાં 6 અને જિલ્લામાં 3 જગ્યા પર વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે

રાજકોટમાં 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને અને કોમોર્બિડ લોકોને વેક્સિન આપવામાં આવશે
રાજકોટમાં આજે 900 લોકોને વેક્સિન આપવામાં આવશે. Divyabhaksarની ટીમ જ્યાં વેક્સિન અપાશે તે રૂમમાં પહોંચી છે. આજે આરોગ્ય વિભાગના કર્મચારીઓ, 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને અને કોમોર્બિડ લોકોને વેક્સિન આપવામાં આવશે. રાજકોટમાં 6 અને જિલ્લામાં 3 સ્થળ પર વેક્સિન આપવામાં આવશે. જે લોકોને વેક્સિન આજે આપવાની છે તે લોકોને મેસેજ કરીને જાણ કરી દેવામાં આવી છે. સિવિલમાં જે વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ત્યાં જ વેક્સિનેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે.

સુરતમાં કોરોના વેક્સિનેશન માટે ત્રણ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે

સુરતમાં 14 સ્થાનો પર કુલ 1400ને વેક્સિનેશન કરવામાં આવશે
સુરત મહાનગરપાલિકાના હેલ્થ સેન્ટરોજ-શહેરની મોટી હોસ્પિટલો મળી કુલ 14 સ્થાનો પર વેક્સિનેશનના 10.30થી શ્રીગણેશ કરવામાં આવનાર છે. એક સેન્ટર પર દૈનિક 100 હેલ્થ કેર વર્કરો મળી 14 સ્થાનો પર કુલ 1400ને વેક્સિનેશન કરવામાં આવશે. જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કોરોના વેક્સિનેશન માટે ત્રણ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.

- Advertisement -

ગુજરાતમાં કુલ 4.31 લાખ હેલ્થ વર્કરોને તબક્કામાં રસીકરણ માટે આવરી લેવામાં આવશે
આ રસીકરણ કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓનલાઇન પદ્ધતિથી સવારે સાડા દસ વાગ્યે કરાવશે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઊભાં કરાયેલાં બૂથ પર હાજર રહેશે.લોકોમાં રસીકરણ અંગે વિશ્વાસ વધે તે માટે રાજ્ય સરકારમાં સેવા બજાવતાં સિનિયર ડોક્ટર્સ પ્રથમ રસી લેશે. ત્યારબાદ અન્ય તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ અને સહાયક કર્મચારીઓને પણ આ રસી આપવામાં આવશે. ગુજરાતમાં કુલ 4.31 લાખ હેલ્થ વર્કરોને આ તબક્કામાં રસીકરણ માટે આવરી લેવામાં આવશે. ગુજરાત સરકારે નક્કી કરેલાં લક્ષ્યાંક પ્રમાણે આ માસના અંત સુધીમાં જ તમામ આરોગ્ય કર્મચારીઓને આ રસી આપી દેવાનું આયોજન છે અને આવતા મહિનેથી પોલિસ, મહેસૂલ તથા પંચાયતના ફ્રન્ટલાઇન વર્કર્સ તથા 50થી વધુ વયના લોકોને રસી આપવાનું શરુ કરાશે.

ચાર લાખથી વધુ હેલ્થકેરવર્કર્સ સહિત 11 લાખ ફ્રન્ટલાઈનવર્કર્સને પહેલા ડોઝ અપાશે
કોરોના મહામારી સામેના જંગમાં ભારત દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન કરવા જઈ રહ્યું છે. ગુજરાતે પણ થોડા દિવસ પહેલાં ડેટાબેઝ તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ કરી લીધું છે, જેમાં ચાર લાખથી વધુ હેલ્થકેરવર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇનવર્કર્સ, જેમાં પોલીસ, સફાઇકર્મચારી અને કોવિડની ડ્યૂટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે, એમ કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા અપાશે.

50 વર્ષથી વધુની વયના લગભગ 1 કરોડ પાંચ લાખ નાગરિકોનો ડેટાબેઝ તૈયાર
ગુજરાતમાં હાઉસ ટુ હાઉસ સર્વેનું કામ પણ પૂર્ણ થઇ ગયું છે, જેમાં 50 વર્ષથી વધુની વયના લગભગ 1 કરોડ પાંચ લાખ નાગરિકો તેમજ 50 વર્ષથી નાના 2 લાખ 75 હજાર લોકો જે લોકો અન્ય બીમારીથી પીડાય છે તેમનો પણ ડેટાબેઝ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં લગભગ 16 હજારથી વધુ હેલ્થવર્કર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકાર તરફથી પણ વધારાની સાધન-સામગ્રી ગુજરાતને મળી છે

વેક્સિન લીધા પછી વ્યક્તિને થોડો સમય ઓબ્ઝર્વેશનમાં રાખવા ઓબ્ઝર્વેશન રૂમ
કોવિડ વેક્સિનના ટ્રાન્સપોર્ટેશન માટે કોલ્ડ ચેન ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ સરકારે કરી લીધી છે. વેક્સિન માટેની વ્યવસ્થા માટે 6 રીજનલ ડેપો તૈયાર કર્યા છે. કેન્દ્ર સરકાર તરફથી પણ વધારાની સાધન-સામગ્રી ગુજરાતને મળી છે. ગુજરાતમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 6 સ્થળ ઉપર વેક્સિન ટ્રાયલ રન અપ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. વેક્સિન સેન્ટર પર પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવશે. એક વેઇટિંગ રૂમ, એક વેક્સિન રૂમ અને વેક્સિન લીધા પછી વ્યક્તિને થોડો સમય ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે પણ અલાયદો ઓબ્ઝર્વેશન રૂમ તેૈયાર રખાયો છે.

કઈ વેક્સિનથી કઈ આડઅસરની શક્યતા
* કોવિશીલ્ડ વેક્સિન લગાવી તે ભાગ નરમ પડી શકે છે. દર્દ, થાક, માંસપેશીઓમાં પીડા, અસ્વસ્થતા, સાંધાનો દુ:ખાવો અને ઠંડી પણ લાગી શકે છે.
* કોવેક્સિન વેક્સિન લગાવી તે ભાગમાં દર્દ, માથું દુ:ખવું, થાક, તાવ, શરીર-પેટમાં દુ:ખાવો, ઊલટી, ચક્કર આવવા, પરસેવો થવો અને ઠંડી લાગી શકે છે.

Exit mobile version