ડાંગમાં મુશળધાર વરસાદ:ગિરિમથક સાપુતારામાં 10 ઇંચથી વધુ ખાબક્યો, જિલ્લાના 22 જેટલા માર્ગો બંધ, અનેક વિસ્તાર એલર્ટ

By Abhishek Raghuvanshi
4 Min Read
  • ભારે વરસાદના પગલે નદી-નાળાઓ અને ધોધ ગાંડાતૂર બનીને વહી રહ્યા છે
  • અનેક વિસ્તારોને એલર્ટ કરાયા, કલેક્ટર સહિતના અધિકારીઓ ખડે પગે

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાડ પડી રહ્યો છે. ત્યારે ડાંગ જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા છે. ગિરિમથક સાપુતારા વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અધધ કહી શકાય એટલો 10 ઇંચથી વધુ (268 મિમી) વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે નદીઓ, નાળાઓ, કોતરડા અને ધોધ ગાંડાતૂર બનીને વહી રહ્યા છે. જેને પગલે તંત્રે નદી કિનારાના અને નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દીધા છે. જ્યારે જિલ્લાના 22 જેટલા માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે.

વરસાદના આંકડા.

ડાંગ જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સરેરાશ 6 ઇંચથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન આહવા તાલુકામા 163 મિમી (મોસમનો કુલ 1774 મિમી), વઘઇમાં 123 મિમી, (કુલ 1768 મિમી), સુબિરમાં 103 મિમી (કુલ 1144 મિમી) અને ગિરિમથક સાપુતારા વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અધધ કહી શકાય એટલો 268 મિમી (કુલ 2202 મિમી) વરસાદ મળી જિલ્લામાં સરેરાશ 164.25 મિમી વરસાદ ખાબક્યો છે.

અનેક વિસ્તારોને એલર્ટ કરાયા.

- Advertisement -

ભારે વરસાદને પગલે જિલ્લાની અંબિકા, ગીરા, ખાપરી, પૂર્ણાં, ધોધડ સહિતની નદીઓ, નાળાઓ, કોતરડા અને ધોધ ગાંડાતુર બનીને વહી રહ્યા છે. જેને પગલે તંત્રે નદી કિનારાના, અને નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દીધા છે. ડાંગમા પડી રહેલાં ભારે વરસાદને લઈને જિલ્લાના કંટ્રોલ રૂમ ખાતે રાતભર ચહલપહલ રહી હતી. ખુદ કલેકટર ભાવિન પંડ્યાએ તેમના અધિકારીઓ સાથે ખડેપગે રહીને લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને માર્ગદર્શીત કર્યા હતા.

જિલ્લાના 22 જેટલા માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા.

જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ તરફથી મળેલી વિગતો અનુસાર વઘઇ તાલુકાના (1) સૂપદહાડ-સૂર્યા બરડા રોડ, (2) નાનાપાડા-કુમારબંધ રોડ, (3) સુસરદા વી.એ. રોડ, (4) આહેરડી-બોરદહાડ રોડ, (5) ચીખલદા-ધાનગડી રોડ, (6) ઘોડવહળ વી.એ. રોડ, (7) આંબાપાડા વી.એ. રોડ, (8) ખાતળ ફાટકથી ઘોડી રોડ, (9) ઢાઢરા વી.એ. રોડ, (10) દોડીપાડા-ચીકાર ફળિયા રોડ, (11) દગડીઆંબા-બરડા રોડ, (12) ગોદડીયા-પાંઢરમાળ રોડ, (13) માછળીથી ચીખલા-દિવદયાવન રોડ, (14) વાંઝટેમ્બરૂંન-કોયલીપાડા રોડ, (15) કુડકસ-કોશિમપાતળ રોડ, અને (16) માનમોડી,-નિમબારપાડા રોડ, સહિત આહવા તાલુકાના (1) બોરખલ-ગાયખસ-ચવડવેલ રોડ, (2) સતી-વાંગણ-કુત્તરનાચ્યા રોડ, (3) ભવાનદગડ-ધૂળચોન્ડ-આમસરવલણ રોડ, અને (4) ચિકટિયા-ગાઢવી રોડ, ઉપરાંત સુબિર તાલુકાના (1) પીપલદહાડ-જોગથવા રોડ, અને (2) કાકડવિહીર-ખેરીન્દ્રા-ચમારપાડા રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. જેને પગલે રાહદારીઓ, વાહન ચાલકો, અને પશુપાલકોને વૈકલ્પિક માર્ગોના ઉપયોગ માટેની અપીલ કરવામા આવી છે. એમ જિલ્લાના કુલ 22 જેટલા માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે.

3 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી

ગ્રામીણ કૃષિ મૌસમ સેવા દ્વારા જારી કરાયેલા હવામાન બુલેટિન અનુસાર આવતીકાલે પણ અહીં સરેરાશ 64 મિમી. જેટલા વરસાદ બાદ 3 ઓક્ટોબર સુધી જિલ્લામાં સરેરાશ 6 મિમી વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામા આવી છે. જ્યારે જિલ્લામાં 5થી 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, પશ્ચિમ તથા દક્ષિણ-પશ્ચિમી પવન ફૂંકાવાની પણ સંભાવના છે. જિલ્લાના ખેડૂતોને અવારનવાર અપાતી માર્ગદર્શક સૂચનાઓને અનુસરવાનો પણ અનુરોધ કરાયો છે.ઉલ્લેખનીય છે કે, વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ડાંગ જિલ્લામા ખાસ કરીને ચોમાસા દરમિયાન ભૂસ્ખલન સાથે તોતિંગ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બનતા હોય છે. સાથે સાથે નિચાણવાળા માર્ગો, કોઝ વે, અને પુલો ઉપર વરસાદી પાણી ફરી વળતા આવા માર્ગો યાતાયાત માટે બંધ થઈ જતા હોય છે. આવી સ્થિતિમાં સામાન્ય યાતાયાત પ્રભાવિત ન થાય, અને જનજીવન સતત ધબકતુ રહે તે માટે ડાંગ જિલ્લાના લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે.

Exit mobile version