મેઘાનું રૌદ્ર રૂપ:ઉમરપાડામાં 9 ઇંચ વરસાદ, ઉકાઈમાંથી 2 લાખ ક્યૂસેક પાણી છોડાતાં તાપી બે કાંઠે, સુરતમાં ખાડીપૂરનું જોખમ

By Abhishek Raghuvanshi
2 Min Read
https://timenews.today/img/2021/09/9-inches-of-rain-in-Umarpada-2-lakh-cusecs-of-water-released-from-Ukai-on-Tapi-Bay-bank-risk-of-creek-flood-in-Surat-%E0%AA%89%E0%AA%AE%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-9-%E0%AA%87%E0%AA%82%E0%AA%9A-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%89%E0%AA%95%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE%E0%AA%BE%EF%BF%BD.mp4
  • શહેરમાંથી પસાર થતી ભેદવાડ ખાડી ભયજનક સપાટીએ

શહેર સાથે જિલ્લામાં ભારે વરસાદને લઈ ખાડીઓના લેવલમાં વધારો થતાં શહેરના માથે ખાડીપૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. ઉમરપાડામાં 24 કલાકમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ભારે વરસાદથી શહેરમાંથી પસાર થતી ખાડીઓના સ્તરમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ, શહેરમાં સરેરાશ 2.7 ઇંચ વરસાદ થયો છે. ભેદવાડ ખાડી ભયજનક સપાટી 6.75 મીટરની લગોલગ છે, જ્યારે મીઠીખાડી ઓવરફલો થઈ શકે છે. ખાડીપૂરના સંક્ટથી પાલિકાનું તંત્ર એલર્ટ થઇ ગયું છે. ઉકાઈની સપાટી જાળવી રાખવા માટે ડેમમાંથી 2 લાખ પાણી છોડાઈ રહ્યું છે, જેથી તાપી નદી બે કાંઠે વહી રહી છે, જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.

તંત્રએ તૈયારીઓ શરૂ કરી
ખાડીપૂરના જોખમને લઈને ડિ-વોટરિંગ પંપ સહિતની વ્યવસ્થા કરી મીઠીખાડી પર બે હોડી, ચાર-ચાર સભ્યની બે ટીમ અને 1 ફાયરની ગાડી સ્ટેન્ડબાય કરી છે, જ્યારે પાંડેસરા રામજી મંદિર પાસે 1 હોડી સાથે એક ટીમ છે. શહેરમાં સૌથી વધુ વરસાદ ઉધના ઝોનમાં 3.8 ઇંચ ખાબક્યો છે. આજે પણ શહેર તથા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

રસ્તાઓ પર ભારે વરસાદથી પાણી ફરી વળ્યાં હતાં.

શહેરમાં પાણી ભરાયાં
સુરત શહેરમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબક્યો હતો, જેને પગલે ઉધના નવસારી રોડ, એસ.ટી. ડેપો નજીક બીઆરટીએસ માર્ગ ગરકાવ, સર્વિસ રસ્તાઓ પર ઘૂંટણ સમાં પાણી ભરાયાં હતાં, સાથે જ ભારે ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી.

ભારે વરસાદથી રસ્તા પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.

ઉકાઈની સ્થિતિ
ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ઉકાઇ ડેમમાંથી બુધવારે સવારે આઠ વાગ્યે 341.06 ફૂટ નોંધાઈ છે. 1.90 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. કેચમેન્ટમાં ધોધમાર વરસાદથી ડેમમાં 2.95 લાખ ક્યૂસેક પાણી ઠલવાયું હતું. ડેમનું પાણી તાપીમાં ઠલવાતાં એની સીધી અસર શહેરના કોઝ-વે પર થઈ હતી. કોઝવેની સપાટી 9.07 મીટરે પહોંચી છે.

- Advertisement -
ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેવા લાગી છે.

જિલ્લામાં છેલ્લા 24 કલાકનો વરસાદ
ઉમરપાડા : 8.72 ઇંચ
બારડોલી : 2.72 ઇંચ
કામરેજ : 3.56 ઇંચ
ચોર્યાસી : 4 ઇંચ
પલસાણા : 8 ઇંચ
મહુવા : 2.73 ઇંચ
માંડવી : 2.40 ઇંચ
માંગરોળ :2 ઇંચ
સુરત શહેર :4 ઇંચ

Exit mobile version