ગુજરાતમાં કોરોના વેક્સિનેશનને વેગ આપવાના અભિયાનમાં રાજ્યના આરોગ્ય વિભાગ સાથે 20 હજાર ખાનગી ડોક્ટરો જોડાશે

By Abhishek Raghuvanshi
5 Min Read
  • રાજ્યની 100 જેટલી મેડિકલ એસોસિયેશન બ્રાન્ચને IMAએ વેક્સિનેશન માટે સૂચના આપી
  • ડોક્ટરો રસીનું મહત્ત્વ સમજાવીને લોકોમાં રહેલી વેક્સિન અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવાનો પ્રયાસ કરશે
  • કોવિડની ગાઈડલાઈન્સનું પાલન નહીં થાય તો આગામી દિવસોમાં ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે

દિવાળી તહેવાર બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. એવામાં કોરોના રસીકરણ કાર્યક્રમ પર ભાર મૂકવા માટે આરોગ્ય વિભાગે હવે ખાનગી ડોક્ટરોની મદદ લેવાનું નક્કી કર્યું છે. આ માટે રાજ્યનો આરોગ્ય વિભાગ મેડિકલ એસોસિયેશન સાથે મળી સંયુક્ત રીતે વિશેષ ડ્રાઈવ ચલાવશે. ત્યારે આ સમગ્ર ડ્રાઈવ કેવી રીતે ચલાવાશે અને હાલ અમદાવાદ સહિત રાજ્યભરમાં વધી રહેલા કોરોનાના કેસ સંદર્ભે DivyaBhaskarએ IMA(ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન)ની ગુજરાત બ્રાન્ચના સેક્રેટરી મેહુલ શાહ સાથે ખાસ વાતચીત કરી હતી.

દિવ્યભાસ્કર: લોકોમાં વેક્સિનેશન માટે ખાસ ડ્રાઈવનું અયોજન કરવામાં આવ્યું છે, કેવી રીતે?
મેહુલ શાહ: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ અને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન-ગુજરાત બ્રાન્ચ મારફત આવનારા દિવસોમાં ખાસ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. એમાં એસોસિયેશનના તમામ તબીબો શહેરથી લઈને ગ્રામ્ય સ્તર સુધી લોકોને રસી લેવા માટે પ્રેરિત કરશે. રાજ્યની 100 જેટલી મેડિકલ એસોસિયેશન બ્રાન્ચને આ અંગે સૂચના આપવામાં આવી છે.

દિવ્યભાસ્કર: કેવી રીતે ચલાશે અભિયાન?
મેહુલ શાહ: ખાસ એવું ધ્યાનમાં આવ્યું છે કે રાજ્યમાં પહેલા ડોઝ બાદ બીજા ડોઝ લેનારા લોકોની સંખ્યા ઓછી માત્રામાં છે, જે મોટી ચિંતાનો વિષય છે. સ્થાનિક સ્તરે ડોક્ટરોનું દર્દી સાથે ખાસ બોન્ડિંગ હોય છે, જેના આધારે અમારા તબીબો તેમની પાસે આવતા તમામ દર્દીઓની સારવારની સાથે કાઉન્સેલિંગ કરીને વેક્સિન ન લીધી હોય તો એનું મહત્ત્વ સમજાવી રસી લેવા માટે કહેશે અને એ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવાનો પ્રયાસ કરશે.

દિવ્યભાસ્કર: કેટલા તબીબો આ અભિયાનમાં જોડાશે, સંકલન કેવી રીતે થશે?
મેહુલ શાહ: 
ગુજરાતના હોદ્દેદારોએ રાજ્ય આરોગ્ય વિભાગ સાથે બેઠક કરી હતી, જેમાં જિલ્લા અને તાલુકા પ્રમાણેના ડેટા આપવામાં આવ્યા છે, જેને ધ્યાનમાં રાખી જિલ્લા, શહેર, તાલુકા અને ગ્રામ્ય સ્તરના ડોક્ટરોને તેમના વિસ્તારમાં વેક્સિનેશનની પરિસ્થિતિ અંગે માહિતગાર કરવામાં આવશે. જિલ્લા તથા સ્થાનિક આરોગ્ય વિભાગ સાથે મેડિકલ એસોસિયેશન બ્રાન્ચના પ્રતિનિધિઓ સંકલન કરશે. રાજ્યભરમાંથી અંદાજે 20 હજાર જેટલા ખાનગી ડોક્ટરો આ અભિયાનમાં જોડાશે.

- Advertisement -
રાજ્યમાં દરેક વય જૂથ માટે વેક્સિનેશન ચાલી રહ્યું છે.

દિવ્યભાસ્કર: હાલની કોવિડના કેસ વધી રહ્યા છે, પરિસ્થિતિને જોતાં શું લાગી રહ્યું છે?
મેહુલ શાહ:
 છેલ્લા 15-20 દિવસથી દિવાળીના તહેવારની ઉજવણી દરમિયાન ક્યાંક ચૂક થઈ ગઈ હોય એવું અવશ્ય લાગી રહ્યું છે. કોવિડની ગાઇડલાઇન્સને અનુસરવામાં મોટે પાયે ચૂક થઈ છે. છેલ્લા કેટલાક સમયથી કોવિડના કિસ્સા નહિવત પ્રમાણમાં હતા, પરંતુ હવે અચાનક જ વધવા લાગી રહ્યા છે. આવનારા 10થી 15 દિવસમાં ચોક્કસ પરિસ્થિતિનો ખ્યાલ આવી શકશે.

દિવ્યભાસ્કર: ગણેશ ઉત્સવ અને નવરાત્રિમાં ભીડ થઈ, પણ એ પછી આવી સ્થિતિ ન હતી, પરંતુ દિવાળી બાદ કિસ્સામાં એકાએક વધારો કેમ આવ્યો?
મેહુલ શાહ:
 દિવાળીના તહેવારમાં ઇન્ટર સ્ટેટ એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ચહલ-પહલ વધી હતી. રજાઓના સમયમાં વિદેશમાં પ્રવાસ માટે લોકો ગયા હતા, જેને કારણે સંક્રમણની સંભાવનાઓ વધી જાય છે. ઉપરાંત યુરોપના દેશોમાં ડેલ્ટા પ્લસ વાઇરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ધીમેધીમે હવે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પણ ચાલુ થઈ ગઈ છે, જેથી એક દેશમાંથી બીજા દેશમાં લોકોની અવરજવર પણ શરૂ થઇ છે. ઉપરાંત દક્ષિણ ભારતમાં પણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટનું અસ્તિત્વ જોવા મળ્યું છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે.

રાજ્યમાં બીજા ડોઝ માટે અવેરનેસ ડ્રાઈવ યોજાશે.

દિવ્યભાસ્કર: શિયાળાની ઋતુ આવી ગઈ છે, જેથી ઋતુનું ફેક્ટર કેટલું કોવિડમાં અસર કરી શકે?
મેહુલ શાહ:
 ઠંડીની મોસમ આવી છે એટલે ઋતુ બદલાવાને કારણે પણ વાઇરલ ઇન્ફેકશનની સંભાવનાઓ વધી જાય છે. ખાસ કો-મોર્બિટ દર્દીઓએ તકેદારી રાખવાની જરૂર છે.

દિવ્યભાસ્કર: આવનારા દિવસોમાં લગ્નની મોસમ આવી રહી છે, શું તકેદારી રાખવી જોઈએ?
મેહુલ શાહ:
 ખાસ બધાએ જ સમજવાની જરૂર છે કે હજુ કોરોના આપણી વચ્ચેથી ગયો નથી. જો કોવિડની ગાઈડલાઈન્સનું પાલન નહીં થાય તો આગામી દિવસોમાં ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. આવનારા દિવસોમાં અન્ય તહેવારો પણ આવી રહ્યા છે અને ખાસ લગ્નની મોસમ પણ આવી છે, જેને કારણે લોકો પ્રસંગોપાત્ત એકબીજાને મળશે, જેથી ઝડપથી વેક્સિનેશન થાય એ સમયની જરૂરિયાત છે.

Exit mobile version