- NGOની ફેલોશિપ કરી રૂમ પર પરત ફરતી યુવતીનું 2 રિક્ષાચાલકે કર્યું હતું અપહરણ
- GRPની ટીમને યુવતીએ લખેલી એક ડાયરી હાથ લાગતાં સમગ્ર મામલો સામે આવ્યો
વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત કવીનના D12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. એ મામલે નવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી છે, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે GRPની ટીમે વડોદરાના ગૌત્રી પોલીસની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
ગુજરાત કવીન ટ્રેનમાંથી યુવતીની લાશ મળી આવી હતી
4 નવેમ્બરની વહેલી સવારે વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેનની સફાઈ કરતા સફાઈ કામદારને ગુજરાત કવીન ટ્રેનમાંથી એક યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. સફાઈ કામદારે તાત્કાલિક વલસાડ સ્ટેશન માસ્ટર અને GRPની ટીમને બનાવની જાણ કરી હતી. જેથી વલસાડ GRPની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ચેક કરતાં યુવતી પાસે ટિકિટ કે પાસ મળી આવ્યો નહોતો. જોકે યુવતી પાસે મળેલા ફોન પરથી નવસારી રહેતા યુવતીના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
2 રિક્ષાચાલકે દુષ્કર્મ આચર્યું
આ ઘટના અંગે GRPની ટીમે નોંધ કરી તપાસ હાથ ધરી હતી. વલસાડ GRPના CPIને કેસની તપાસ સોંપવામાં આવી હતી. ઘટનાની ઝીણવટભરી રીતે તપાસ કરતાં યુવતીના રૂમમાંથી GRPની ટીમને એક ડાયરી મળી આવી હતી. આ ડાયરીમાં યુવતીએ તેની આપવીતી જણાવી હતી. એમાં ધનતેરસના દિવસે યુવતી OASIS સંસ્થામાં ફેલોશિપ કરીને રૂમ પર પરત ફરી રહી હતી ત્યારે 2 રિક્ષાચાલકે તેનું અપહરણ કરી લીધી હતું. એ બાદ તેને વડોદરા વેક્સિન કોલેજ ગ્રાઉન્ડમાં અવાવરૂ જગ્યામાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું ડાયરીમાં નોંધ હતી
બસડ્રાઇવરે યુવતીની મદદ કરી
આ સમગ્ર ઘટના બાદ ત્યાંથી પસાર થતી એક બસના ડ્રાયવર યુવતીને ઘર સુધી જવામાં મદદરૂપ થયા હતા, એની પણ નોંધ ડાયરીમાં મળી આવતાં GRPની ટીમે વડોદરાના ગૌત્રી પોલીસની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. GRPની ટીમ યુવતીને મદદ કરનારા બસચાલકને શોધી તેનું નિવેદન મળવી રહી છે.
પોલીસે આગળની તપાસ હાથ ધરી
OASIS સંસ્થાના માધ્યમથી લોકોને જીવન જીવવાની પ્રેરણા આપનારી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવતાં તેની હિંમત તૂટી ગઈ હતી. યુવતીએ તેના પરિવારને કહેવાની હિંમત પણ દાખવી હશે, પરંતુ તેમની સાતે વાત થાય એમ ન હોવાથી છેવટે તેણે આપઘાત કર્યો હોવાની શક્યતા છે. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી
શું હતો સમગ્ર મામલો?
વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત કવીન ટ્રેનમાં સફાઈ કામદારે D-12 કોચમાં એક અજાણી યુવતીને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ હતી. યુવતી પાસેથી રેલવેની ટિકિટ કે કંઈ મળ્યું નહોતું. પોલીસે FSLની ટીમની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી ધરી છે. યુવતી પાસે મળેલા ફોન પર યુવતીની ઓળખ થઈ હતી. પરિવારને બોલાવી આગળની તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે જી.આર.પી પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ, નવસારીમાં રહેતી 18 વર્ષીય યુવતી વડોદરામાં પ્રથમ વર્ષમાં કોલેજ કરતી હતી અને સાથે એક સામાજિક સંસ્થામાં ફેલોશિપ કરતી હતી. તે થોડા દિવસ અગાઉ વડોદરાથી નવસારી તેના ઘરે રહેવા માટે આવી હતી. તેણે તેની માતાને જણાવ્યું હતું કે સંસ્થાના કામ અર્થે મરોલી ખાતે રહેતા એક શિક્ષકને મળવા જવાનું જણાવી ઘરેથી નીકળી હતી.
એક દિવસ ત્યાં રોકાયા બાદ પરત આવી જવાનું કહ્યું હતું અને બીજા દિવસે યુવતીએ ગુજરાત કવીન ટ્રેનના D-12 નંબરના કોચમાં સમાન મૂકવાની જગ્યાએ દુપટ્ટાથી ગળાફાંસો ખાઈ લીધો હતો. ગુજરાત કવીન મોડી રાત્રે 12:30 વાગ્યાના સુમારે આવી હોવાથી ટ્રેન રાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર ખાલી થઇ ગઈ હતી અને ત્યાર બાદ ટ્રેનમાં સફાઈ કરવા માટે ગયેલા સફાઈ કામદારોએ યુવતીને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોતાં તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જી.આર.પી. પોલીસ મથકના પી. એસ. આઈ જે. વી. વ્યાસ અને તેમની ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતી અને એફએસએલને બોલાવી આગળની તપાસ શરૂ કરી હતી.
યુવતી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી: પિતા
આ બનાવમાં યુવતીના પિતાના જણવ્યાં મુજબ, યુવતી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને ધોરણ 10માં હતી ત્યારે જિલ્લામા તે પ્રથમ ક્રમે પાસ થઇ હતી. જે સંસ્થામાં માટે કામ કરતી હતી એમાં આત્મહત્યા કરનારા લોકો અને વિદ્યાર્થીઓને ખોટાં પગલાં નહીં ભરવા અને આત્મહત્યા નહિ કરવા માટે જાગ્રત કરવામાં આવે છે અને આજે દિકરીએ આવું પગલું ભરી લેતાં તેના પિતા ભારે આઘાતમાં મુકાયા છે.
યુવતીએ તેના મોબાઈલથી OASIS સંસ્થાને કોઈ તેનો પીછો કરી રહ્યો હોવાનો મેસેજ સોશિયલ મીડિયા પર કર્યો હતો. સંસ્થાના આગેવાનોએ સવારે મોડો મેસેજ રીડ કર્યો હતો. યુવતીનો કોણ પીછો કરતું હતું, કયાં કારણોથી પીછો કરતું હતું એ તમામ બાબત રહસ્ય રહી.
