કરુણ કિસ્સો:જુવાન જોધ દિકરો જીવતો હોવાની આશાએ મા-બાપ ખભે લઈ બીજી હોસ્પિટલ દોડ્યા, ત્યાં પણ મૃત જાહેર કર્યો

By Abhishek Raghuvanshi
2 Min Read
યુવાનને મૃત જાહેર કરાતા પરિવારજનો યુવાનને લઈને જતા રહ્યા.
  • યુવાનને વોશીંગ મશીન રિપેરીંગ દરમિયાન કરંટ લાગ્યો હતો

સુરત શહેરના અડાજણમાં વિસ્તારમાં 20 વર્ષીય યુવાનને ઇલેક્ટ્રીક કરંટ લાગતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જોકે, મૃતક સદામના પરિવારજનો તે જીવતો હોવાનું સમજીને તેને ખભે ઉંચકીને દોડતા દોડતા લઇ ગયા હતા.

મૃત જાહેર કરાયેલા યુવાનને પરિવારજનો રિક્ષામાં ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા.

યુવાનને કરંટ લાગતા બેભાન થઈ ઢળી પડ્યો
ચોકબજાર ફુલવાડીમાં રહેતો સદામ ઉર્ફે સિકંદર સાબિર શા(ઉ.વ.22) અડાજણ ખાતે ઈલેક્ટ્રિકની દુકાનમાં કામ કરતો હતો. ગુરુવારે સાંજે તે આવાસમાં વોશીંગ મશીન રિપેરીંગ કરવા ગયો હતો. રિપેરીંગ દરમિયાન નીચે ભીની જગ્યામાં વિજપ્રવાહ પસાર થતા તેને કરંટ લાગતા તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેથી તેને તેનો મિત્ર વાસીફ સિવિલ લઈ આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા સિકંદરના પરિવારના સભ્યો સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. હજી તો સિવિલનો સ્ટાફ મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં મુકવાની તજવીજ હાથ ધરી રહ્યો હતો.

રોકકળ કરતા પરિવારજનોને જોઈને લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

મૃતદેહ ફરીથી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લવાયો
પરિવારના સભ્યો સિકંદર જીવિત હોવાની આશા સાથે તેના મૃતદેહને ખભા પર ઊંચકી ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા. રોકકળ કરતા પરિવારજનોને જોઈને લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. પીએમ કર્યા વિના પરિવાર મૃતદેહ લઈ જતા પોલીસ અને હોસ્પિટલ સ્ટાફ દોડતો થઈ ગયો હતો. પરિવાર ખાનગી હોસ્પિટલમાં પહોચ્યા બાદ ત્યાં પણ સિકંદરને મૃત જાહેર કરતા પોલીસને જાણ કરાઇ હતી. અડાજણ પોલીસે સિકંદરનો મૃતદેહ ફરીથી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી.

ખાનગી હોસ્પિટલમાં પણ યુવાનને મૃત જાહેર કરાયો હતો.
Exit mobile version