અમદાવાદની હદમાં દીપડો:સરખેજ-ગાંધીનગર હાઇવે પર સનાથલબ્રિજ પાસે મોડી રાત્રે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત

By Abhishek Raghuvanshi
3 Min Read
સનાથલબ્રિજ પાસે કોઈ ભારે વાહનની અડફેટે દીપડાનું મોત નીપજ્યું.
  • રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં દિપડાની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો
  • હાલમાં રાજ્યમાં દિપડાની વસતી 1500 છે
  • કુલ દીપડાઓની સંખ્યામાંથી 34 ટકા દીપડાઓ એટલે કે આશરે 470થી વધુ માનવ વસતિની આસપાસ વસવાટ કરે છે

સરખેજ-ગાંધીનગર હાઈવે પર સનાથલ ક્રોસ રોડ પર રવિવારે મોડી રાત્રે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત નીપજ્યું હતું. મોડી રાત્રે રસ્તા પર દીપડો ઢળી પડ્યો હોવાનું જોતાં જ રાહદારીઓ અને વાહનચાલકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું.ખેતરોમાં વનવિભાગને દિપડાના પંજાના બે અલગ અલગ નિશાન જોવા મળ્યાં છે. દિપડો રાત્રે 3 વાગ્યાની આસપાસ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગ દ્વારા દિપડો ક્યાંથી આવ્યો તેની તપાસ હાથ ધરવામાં પણ આવી છે.

સનાથલબ્રિજ પાસે કોઈ ભારે વાહનની અડફેટે દીપડાનું મોત નીપજ્યું હોવાનું આસપાસના લોકોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે હજી 15 દિવસ પહેલાં વસ્ત્રાલમાં દીપડો દેખાયો હોવાની વાતો વહેતી થઈ હતી.

એપ્રિલ 2020માં કોલવડાસ્થિત સ્ટેટ મોડેલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદિક સાયન્સ ખાતે ઘૂસી આવેલા દીપડાની તસવીર.

રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં દીપડાની વસતીમાં થયો 30 ટકા વધારો
ગત જાન્યુઆરી 2021માં વનમંત્રી ગણપત વસાવાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં દીપડાની સંખ્યામાં 20 ટકા વધારો થયો છે. વર્ષ 2006માં થયેલી વસતિ ગણતરી મુજબ 1070 દીપડાઓ હતા, જે વર્ષ 2011માં 1160 થયા હતા. ત્યાર બાદ 2016માં દીપડાઓની સંખ્યા 20.25 ટકા વધીને 1395એ પહોંચી હતી. આમ એક દાયકામાં દીપડાઓની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો હતો. કુલ દીપડાઓમાં 34 ટકા દીપડાઓ એટલે કે આશરે 470થી વધુ માનવ વસતિની આસપાસ વસવાટ કરે છે. દીપડો હિંસક પ્રાણી હોવાથી તેનો વસતિ વધારો હાલ ખેડૂતો, રાજ્ય સરકાર અને વન વિભાગ માટે ચિંતાજનક સાબિત થઈ રહ્યો છે.

34 ટકા દીપડાઓ એટલે કે આશરે 470થી વધુ માનવ વસતિની આસપાસ વસવાટ કરે છે

એપ્રિલ 2020માં કોલવડાની આયુર્વેદ હોસ્પિટલમાં દીપડો ઘૂસ્યો હતો
એપ્રિલ 2020માં ગાંધીનગર નજીક કોલવડાસ્થિત સ્ટેટ મોડેલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદિક સાયન્સ ખાતે કોરોના સંક્રમિત દર્દીઓ માટે હોસ્પિટલની તૈયારી ચાલી રહી હતી ત્યારે સવારના સમયે દીપડો અંદર ઘૂસી આવતાં દોડધામ મચી ગઈ હતી. એક કર્મચારીએ દીપડાને ઓરડામાં પૂરી દીધો હતો. જ્યાર બાદ ફોરેસ્ટ વિભાગે દીપડાને બેભાન કરીને રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું હતું.

- Advertisement -
નવેમ્બર 2018માં વિધાનસભામાં ઘૂસેલા દીપડાને પાંજરે પુરાયો હતો એની તસવીર.

નવેમ્બર 2018માં ગુજરાત વિધાનસભા પરિસરમાં દીપડો ઘૂસ્યો હતો
નવેમ્બર 2018માં ગુજરાતના હાઇ સિક્યોરિટી પ્લેસ પૈકીના એક એવા ગાંધીનગરના વિધાનસભા-સચિવાલય સંકુલમાં મધરાતે દીપડો ઘૂસી જતાં ભારે દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાને પગલે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર કામનો દિવસ હોવા છતાં 2 કલાક અને 20 મિનિટ સુધી સચિવાલય બંધ રાખવું પડ્યું હતું અને તમામ કામકાજ અટકી પડ્યું હતું. સીએમ અને મંત્રીઓ પણ સચિવાલય આવી શક્યા ન હતા. સચિવાલયમાં જે રીતે ઘૂસ્યો એ જ ચુપકીદીથી બહાર પણ નીકળી ગયેલો દીપડો આખરે 13 કલાક પછી સચિવાલયની પાછળ આવેલા સીએમના રૂટ વીઆઇપી રોડ-2 પરથી ભારે જહેમતના અંતે પકડાયો હતો. દીપડાએ સરકારનું કામકાજ તો ઠપ્પ કરી દીધું હતું, સાથે સીએમને પણ તેમનો રૂટ બદલવાની ફરજ પડી હતી.

Exit mobile version