અમદાવાદ:કાળીચૌદસના દિવસે ઘરની બહાર ઉતારેલા લીંબુ મુકવા બાબતે બે પાડોશીઓ વચ્ચે મારામારી

By Abhishek Raghuvanshi
1 Min Read
  • નરોડા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે મારમારીની ફરિયાદ નોંધાવી

શહેરના નરોડા વિસ્તારમાં આવેલા હિલોની ફ્લેટમાં બે પાડોશીઓ વચ્ચે ઘરની બહાર ઉતારેલું લીંબુ મુકવા બાબતે બોલાચાલી અને મારામારી થઈ હતી. ઘરની બહાર કોણે લીંબુ મૂક્યું કહી અને ઝઘડો કર્યો હતો. નરોડા પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

નરોડા હરીદર્શન ચાર રસ્તા પાસે આવેલા હિલોની ફ્લેટમાં એ બ્લોકમાં પૂજાબેન ચૌહાણ તેમના પરિવાર સાથે રહે છે. તેમની બાજુના મકાનમાં પૂજાબેન પટેલ તેમના પરિવાર સાથે રહે છે. પૂજાબેન ચૌહાણના ઘરની બહાર કોઈએ ઉતારાનું લીંબુ મૂક્યું હતું. જેથી પૂજાબેન આસપાસમાં પૂછવા ગયા હતા. પૂજાબેન પટેલને પૂછતાં મેં લીંબુ મૂક્યું નથી અને હવે આ બાબતે મને પૂછવાનું નહિ. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તેઓ વચ્ચે ઝપાઝપી અને મારામારી થઈ હતી.

બંનેના પતિ પણ આવી ગયા હતા. તહેવાર દરમ્યાન બંને પરિવારો વચ્ચે ઝઘડો થતાં આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા અને તેઓને છોડાવ્યા હતા. ઘટના મામલે પોલીસને જાણ થતાં નરોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ બંને પરિવારને લઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી. નરોડા પોલીસે બંનેની ફરિયાદ લઈ વધુ તપાસ શરૂ કરી છે.

Exit mobile version