ભાસ્કર એક્સક્લૂસિવ:પહેલીવાર જુઓ સાળંગપુરના કષ્ટભંજન દેવના 6.50 કરોડના વાઘા, 8 કિલો સોનામાંથી તૈયાર થયા છે હીરાજડિત વાઘા

By Abhishek Raghuvanshi
3 Min Read
  • વાઘા તૈયાર કરવામાં 22 ડિઝાઇનર આર્ટિસ્ટ અને 100 જેટલા સોનીઓએ કામ કર્યું
  • સુવર્ણ વાઘામાં અર્વાચીન,પ્રાચીન સુવર્ણ કળાનું કોમ્બિનેશન
  • વાઘામાં રિયલ ડાયમંડ,એમરલ્ડ સ્ટોન અને રિયલ રુબિ જડેલું છે

સાળંગપુરમાં દિવાળીના પર્વ નિમિત્તે સમૂહયજ્ઞ પછી કષ્ટભંજન દેવને સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવવામાં આવશે. આ સુવર્ણ વાઘાના એક્સક્લૂસિવ ફોટાઓ દિવ્ય ભાસ્કર આપને બતાવી રહ્યું છે. ભગવાનને પહેરાવવામાં આવનારા આ સુવર્ણ અને હીરાજડિત વાઘા 8 કિલો સોનામાંથી તૈયાર કરવામાં આવ્યા છે, જેની કિંમત 6.25 કરોડ રૂપિયા છે, સાથે જ શ્રીકષ્ટભંજન દેવનાં મુગટ અને કુંડળમાં રિયલ ડાયમંડ લગાવવામાં આવ્યા છે, જેની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા છે. સાળંગપુર મંદિરને આ વાઘા વડતાલ મંદિરના પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ સહિત મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી તથા હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે. આ સુવર્ણ વાઘાનું સંપૂર્ણ કાર્ય સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે.

શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની સુવર્ણની મોજડી

સાડાછ કરોડ કરતાં વધુ કિંમતના સુવર્ણના વાઘાઃ હરિપ્રકાશદાસ સ્વામી
હરિપ્રદાશદાસ સ્વામીના જણાવ્યા મુજબ, ‘ભક્તો અને કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામીનો ભાવ હતો કે દાદા કાયમ અંગિકાર કરે અને સંકલ્પ થયો કે આપણે દાદાને સુવર્ણના વાઘા અર્પણ કરીએ. છેલ્લાં એક વર્ષથી સુવર્ણના વાઘાનું કામ ચાલતું હતું. મુગટ અને કુંડળમાં સાચા હીરા જડવામાં આવ્યાં છે. આમ સાડા છ કરોડ કરતાં વધુ કિંમતના સુવર્ણના વાઘા અને અલંકાર દાદાને ભક્તોની ભક્તિરૂપે ભક્તોના ભાવરૂપે અર્પણ કર્યાં છે. આ વાઘાનું કામ અંજારના હિતેષભાઈ સોનીએ કર્યું છે. આ ઉપરાંત રાજકોટ, જયપુરમાં પણ વાઘાનું કામ થયું છે.’

શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના વાઘા અને હાર

કેવી રીતે સુવર્ણ વાઘા તૈયાર કરવામાં આવ્યા?
સાળંગપુર મંદિરમાં અર્પણ કરવામાં આવેલ સુવર્ણ વાઘા 8 કિલો સોનામાંથી તૈયાર કરવામાં આવ્યાં છે. વાધાને સંપૂર્ણ રીતે તૈયાર થતાં 1 વર્ષનો સમય લાગ્યો છે. 22 જેટલા મુખ્ય ડીઝાઇનર આર્ટીસ્ટ સાથે મળી 100 જેટલા સોનીઓએ કામ કર્યું છે. અને તૈયાર થવામાં આશરે 1050 કલાક જેટલો સમય લાગ્યો છે. તેને સ્વામીનારાયણ જ્વેલ નામની કંપની પાસે બનાવડાવ્યાં છે. સુવર્ણ વાઘા એ અર્વાચીન,પ્રાચીન સુવર્ણ કળાનું કોમ્બીનેશન છે. વાઘામાં રીયલ ડાયમંડ,એમરલ્ડ સ્ટોન અને રિયલ રુબી જડેલું છે. તે ઉપરાંત તેમાં 3D WORK- બિકાનેરી મીણો- પેન્ટીંગ મીણો- ફિલીગ્રી વર્ક પણ છે અને સોરોસ્કી જડેલું છે. સુવર્ણ વાઘાની પ્રથમ ડીઝાઇન કરવા માટે સ્પેશિયલ ડીઝાઇનરોની ટીમ અપોઇન્ટ કરવામાં આવી હતી. ઘણી બધી ડીઝાઇન બનાવી- તપાસી- સમયાંતરે સંતોના માર્ગદર્શનથી ફાઈનલ ડીઝાઇન તૈયાર કરવામાં આવી હતી.

શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સુવર્ણ અને હીરાજડિત કુંડળ અને કડું
શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીનું સુવર્ણ અને હીરાજડિત મુગટ
શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીનું સુવર્ણ અને હીરાજડિત મુગટ
શ્રીકષ્ટભંજન દેવના સુવર્ણ અને હીરાજડિત અલંકાર
Exit mobile version