
- 30 લાખથી વધુના દસ્તાવેજો પર નજર, 4 મહિનામાં જ 50 હજારથી વધુ દસ્તાવેજ
- પ્રોસેસિંગ બાદની નોટિસો હવે નિકળવાની શરૂ થશે, ઘર અને જમીનોના ઇશ્યુ વધારે
આઇટીએ 90 ટકાથી વધુના રિટર્નને પ્રોસેસ કરી દીધા છે અને 2.50 લાખ કરોડથી વધુનું રિફંડ ઇશ્યુ કર્યું છે. જેમાં સુરત-વડોદરા રેન્જમાં કુલ 500 કરોડથી વધુનું રિફંડ ઇશ્યુ કરાયું છે. આ ઉપરાંત સુરતથી ફાઇલ કરાયેલા અંદાજે 8 લાખથી વધુ રિટર્ન પણ પ્રોસેસ થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. વર્ષ 2022-23 માટે સ્ક્રુટિની નોટિસોનો પણ અંતિમ દૌર ચાલી રહ્યો છે જેમાં અત્યાર સુધી જે નોટિસો ઇશ્યુ થઈ છે તેમાં જમીન-મકાનના ઇશ્યુ વધુ સામેલ કરવામાં આવ્યા છે.
શહેરમાં જંત્રીના ડબલ ડોઝ બાદ નોટિસો પણ વધે તેવી ગણતરી
હાલ ગત નાણાકિય વર્ષના રિટર્ન પ્રોસેસ થયા બાદ તેમાંં સ્ક્રુટિની નોટિસો ઇશ્યુ થઇ રહી છે. ખાસ કરીને જમીન અને મકાનના ઇશ્યુ વધુ છે. સુરતમાં પણ આવી અનેક નોટિસ ઇશ્યુ થઈ છે. કેમકે જંત્રીના દરો વધતી વખતે અનેક લોકોએ જૂના દસ્તાવેજ કરાવ્યા હતા આથી દસ્તાવેજ નોંધણીમાં પણ ઉછાળો આવ્યો હતો. સામાન્ય રીતે આઇટીમાં 30 લાખથી વધુના દસ્તાવેજની વિગતોના આધારે નોટિસો નિકળે છે. આ વખતે જંત્રીના દર વધે એ પહેલાં 30 લાખથી વધુના દસ્તાવેજો 12 ટકા વધુ થયા હોવાનો અંદાજ છે.
આથી આવા કેસમાં પણ વધુ નોટિસો નિકળી શકે છે. જંત્રી વધે એ પહેલાં કુલ 97 હજાર દસ્તાવેજ નોંધાયા હતા જેમાંથી 50 હજારથી વધુના દસ્તાવેજ 30 લાખથી વધુના હોવાનો અંદાજ છે. આની માહિતી આઇટીને મળવાની શરૂઆત થઈ છે અને તેમાં નોટિસો દિવાળી બાદ ઇશ્યુ થશે. સી.એ. પ્રજ્ઞેશ જગાશેઠ કહે છે કે જો રિટર્નમાં મિલકત ખરીદી બતાવી ન હોય તો નોટિસો મળી શકે છે.
પ્રોસેસ ઝડપી બનતા રિફંડ પણ જલદી ઇશ્યુ થઈ રહ્યા છે
સી.એ. બિરજુ શાહ કહે છે કે રિટર્ન પ્રોસેસ થયા બાદ તેનું ઝડપથી પ્રોસેસ થયુ છે અંદાજે પોણ સાત કરોડ જેટલાં રિટર્ન દેશમા ફાઇલ થયા હતા. જેમાંથી 90 ટકા જેટલાં પ્રોસેસ થઈ ગયા છે. પ્રોસેસ ઝડપી બનતા રિફંડ પણ જલદી ઇશ્યુ થઈ રહ્યા છે. નોંધનીય છે કે આ વખતે રિટર્નનો પ્રોસેસિંગ ટાઇમ દસ દિવસનો થઈ ગયો છે.

