
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી ખૂબ જ ઝડપી બનાવવામાં આવી છે. રોજના 100થી 200 જેટલા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઓઢવ વિસ્તારમાં આવેલા રબારી વસાહતમાં સીએનસીડી વિભાગની ટીમ જ્યારે ઢોર પકડવા માટે ગઈ હતી. ત્યારે 10 જેટલા લોકોએ રખડતા ઢોર પકડવા મામલે અધિકારીઓ અને ટીમ સાથે ઘર્ષણ કરી બોલાચાલી કરી હતી. સીએનસીડી વિભાગમાં જે કેમેરા સાથે વીડિયોગ્રાફી કરતો હતો. તે યુવકને માથામાં લાકડી મારી ઇજાગ્રસ્ત પણ કર્યો હતો. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક ઓઢવ પોલીસ સ્થળ પર દોડી આવી હતી.
PIને કામગીરી અને ફરિયાદ બાબતે ખખડાવ્યા
સીએનસીડી વિભાગની ટીમની સાથે હાજર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નેહા કુમારીએ જાહેરમાં પીઆઇને કામગીરી અને પોલીસ ફરિયાદ બાબતે ખખડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નેહા કુમારી સાથે દિવ્ય ભાસ્કરે જ્યારે વાત કરી અને ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઇને તેઓ કોઈ બાબતે બોલ્યા હતા અને કેમ તે અંગે પૂછતા તેઓએ એવો જવાબ આપ્યો હતો કે, તમારે આવું બધું છાપવું હોય તો હું આ બાબતે કોઈ વાતચીત નહીં કરું કહી ફોન કાપી નાખ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીએનસીડી વિભાગની જે પ્રેસ નોટ મોકલવામાં આવી છે તેમાં ઓઢવ વિસ્તારમાં થયેલા ઘર્ષણ મામલે ચાર જેટલા શખસોના નામ સાથે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં ક્યાંય પણ નામનો ઉલ્લેખ નથી
જોકે, ઓઢવ પોલીસ સ્ટેશનની ફરિયાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના જ કર્મચારીએ નોંધાવેલી ફરિયાદમાં ક્યાંય પણ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. માત્ર 10 લોકોના ટોળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બાબતે પણ તેમને પૂછવા માટે ફરીથી ફોન કર્યો હતો. ત્યારે તેઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી નહોતી. આમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આ સમગ્ર બાબતે કંઈક છુપાવી રહ્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.
PI સહિતના પોલીસકર્મીઓ ઉપર આક્ષેપ
સૂત્રોના જણાવ્યા મુજબ ઓઢવ વિસ્તારમાં રબારી વસાહતમાં જ્યારે ઢોર પકડવાની ટીમ ત્યાં પહોંચી ત્યારે પશુમાલિકો અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નેહા કુમારી ખૂબ જ ઉગ્ર બની ગયા હતા. ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના પોલીસકર્મીઓ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા. પોલીસ રૂપિયા પડાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પીઆઇની સાથે પણ તેમણે જાહેરમાં બોલાચાલી કરી હતી. જોકે, ઉચ્ચ અધિકારીઓએ વચ્ચે પડીને સમગ્ર મામલો શાંત કર્યો હતો. એકતરફ સીએનસીડી વિભાગની ટીમ દ્વારા જ્યારે ગુજરાત હાઇકોર્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને ખખડાવે છે ત્યારે જ ટીમો બહાર નીકળે છે. શું કોર્પોરેશનના સીએનસીડી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ અત્યાર સુધી એકપણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા વિના કામગીરી કરતા હતા તેવી ચર્ચા જાગી હતી.

સીએનસીડી વિભાગની ટીમોએ ઢોર પકડવાની કામગીરી કરી
શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરીને ઝડપી બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે. જેના પગલે ઝોનમાં સીએનસીડી વિભાગની ટીમો ઢોર પકડવાની કામગીરી કરી રહી છે. બુધવારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સીએનસીડી વિભાગની દક્ષિણ ઝોનની ટીમ દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નેહા કુમારી અને સીએનસીડી વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિહિર પટેલ સાથે ટીમ નીકળી હતી. તે દરમિયાનમાં તેઓ ઓઢવ વિસ્તારમાં રબારી વસાહત પાસે ઢોર પકડવા પહોંચ્યા ત્યારે 10 લોકોના ટોળાએ કોર્પોરેશનના અધિકારીઓની ટીમને ઘેરી લીધી હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી.
માત્ર 10 લોકોના ટોળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો
ઝોનના ડીસીપી, એસીપી, પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર બાબતે પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે, ઓઢવ પોલીસ સ્ટેશનમાં જે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમાં માત્ર 10 લોકોના ટોળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીએનસીડી વિભાગે જે પ્રેસનોટ મોકલી છે તેમાં આશિષ મોહનભાઈ રબારી, દિપક કાળુભાઈ રબારી, અમૃત મોહનભાઈ રબારી અને મોહનભાઈ રબારીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોર્પોરેશન પાસે નામ હતા તેમ છતાં કોર્પોરેશનના જ ફરિયાદી બનેલા પોલીસ કર્મચારીએ નામ લખાવ્યા કેમ નહીં? અને જો કોર્પોરેશન દ્વારા પોલીસને નામ આપવામાં આવ્યા હતા તો પોલીસે કેમ ફરિયાદમાં નામ લખ્યા નહીં? તે સમગ્ર બાબત પર સવાલો ઊભા થયા છે. જોકે, આ બાબતોના જવાબ આપવા માટે થઈ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નેહા કુમારીએ ફોન ઉપાડ્યો જ નહોતો.

