
અમદાવાદથી મુંબઈ વચ્ચે હાલ ગુજરાતની પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડી રહી છે. ત્યારે કેન્દ્ર સરકારે ગુજરાતને હવે બીજી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપી છે. આ વંદેભારત એક્સપ્રેસ સાબરમતીથી જોધપુર વચ્ચે દોડશે. જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 જુલાઈના રોજ વર્ચ્યુઅલી (ઓનલાઈન) કરશે. આ ટ્રેન સાબરમતીથી જોધપુર વચ્ચે પાંચ સ્ટેશનો પર ઉભી રહેશે. જેમાં મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, પાલી સ્ટેશને ટ્રેન ઉભી રહેશે. આ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ સોમવારથી શનિવાર સુધી દોડશે. જ્યારે રવિવારે ટ્રેનનું મેન્ટેનન્સ કરવામાં આવશે.
હાલ આ ટ્રેનનું ભાડું નક્કી કરાયા નથી
આ ટ્રેન જોધપુરથી સવારે 6 કલાકે ઉપડશે અને બપોરે 12.05 કલાકે સાબરમતી પહોંચશે. જ્યારે સાબરમતીથી આ ટ્રેન સાંજે 16.45 કલાકે ઉપડી રાતે 22.45 કલાકે જોધપુર પહોંચશે. સાબરમતીથી જોધપુર વચ્ચેનું 446 કિલોમીટરનું અંતર પૂર્ણ કરવામાં મેલ એક્સપ્રેસ ટ્રેનોને લગભગ 8 કલાક લાગે છે જ્યારે આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 6 કલાકમાં પહોંચાડશેે. હાલ આ ટ્રેનનું ભાડું નક્કી કરાયા નથી પરંતુ અન્ય વંદે ભારતના ભાડા મુજબ ભાડું રૂ.800થી 1600 રહેવાની શક્યતા છે.
વંદે ભારતને લીધે ઉ. ગુજરાત-રાજસ્થાન વચ્ચેની ટ્રેનના સમયમાં ફેરફાર
સાબરમતીથી જોધપુર વચ્ચે વંદેભારત એક્સપ્રેસ ટ્રેન સમયસર દોડે તે માટે રેલવેએ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં દોડતી કેટલીક ટ્રેનોના સમયમાં નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે. વંદે ભારતને લીધે જે ટ્રેનોના સમયમાં ફેરફાર થવાનો છે તે 5થી 15 મિનિટ સુધીનો જ છે. બિકાનેર-દાદર એક્સપ્રેસના સમય પત્રકમાં 15 મિનિટનો ફેરફાર છે.
વંદેભારત એક્સપ્રેસમાં ઉપલબ્ધ સુવિધાઓ
- રોટેટિંગ ચેર
- ઓનબોર્ડ વાઈફાઈ
- ઓટોમેટિક ફાયર સેન્સર
- 32 ઈંચ એલસીડી ટીવી
- દરેક સીટ નીચે ચાર્જિંગ પોઈન્ટ
- રીડિંગ લાઈટ
- બાયોવેક્યુમ ટોઈલેટ
- દિવ્યાંગ ફેન્ડલી
- સીસીટીવી કેમેરા
| તારીખ | ટ્રેન | આવશે | ઉપડશે |
| 6 જુલાઈ | બિકાનેર-દાદર એક્સપ્રેસ | 22.5 | 23.05 |
| 7 જુલાઈ | ભગત કી કોઠી-બાંદ્રા એક્સપ્રેસ | રાત્રે 12.30 | 12.4 |
| 7 જુલાઈ | ભગત કી કોઠી-દાદર એક્સપ્રેસ | 4.2 | 4.3 |
| 7 જુલાઈ | હિસાર-સિકંદરાબાદ એક્સપ્રેસ | 7.5 | 8 |
| 8 જુલાઈ | બિકાનેર-દાદર એક્સપ્રેસ | 4.2 | 4.3 |
| 11 જુલાઈ | હિસાર-બાંદ્રા એક્સપ્રેસ | 7.5 | 8 |
| 8 જુલાઈ | શ્રી ગંગાનગર-નાંદેડ એક્સપ્રેસ | 7.5 | 8 |

