
- કાંસના કામમાં કેટલાક લોકો વિક્ષેપ કરતા હોવાની ફરિયાદ બાદ ધારાસભ્ય બાળકૃષ્ણ શુકલનો ધ્રુજારો
- ગાજરાવાડીના રામનાથ સ્મશાન અને તળાવનું ઝડપથી નવિનીકરણ કરવા અધિકારીઓને સૂચના
- વરસાદી કાંસની કામગીરી દરમિયાન સ્થળ પર હાજર રહેવાની સ્થાનિકોને ધારાસભ્યની ખાતરી
નવા બજારમાં ડ્રેનેજની સમસ્યાને પગલે પંપિંગ સ્ટેશન બનાવવાની જગ્યાનું નિરીક્ષણ કરવા નીકળેલા વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા ધારાસભ્યને નવાબજારના રહીશોએ વરસાદી કાંસના કામમાં કેટલાક લોકો રોડા નાંખતા હોવાની ફરિયાદ કરી હતી. જેના પગલે ધારાસભ્યે વિકાસના કામમાં રોડા નાખતાં તત્ત્વોને સામે લાવવા અપીલ કરી અધિકારીઓને કામ ચાલુ કરવા સૂચના આપી હતી.
ધારાસભ્ય બાળકૃષ્ણ શુકલે ગાજરાવાડીના રામનાથ સ્મશાન અને રામનાથ તળાવની મુલાકાત લીધી હતી. તેઓએ કુંભારવાડા, નાની શાકમાર્કેટ, દાલિયાવાડી, વાડી ટાવર સહિતની મુલાકાત લીધી હતી. તમામ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતાં હોવાથી કાંસની સફાઈ કરવા સૂચના આપી હતી. નવાબજારમાં કેટલાંક તત્ત્વો કાંસના કામમાં વિક્ષેપ ઊભો કરતા હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી હતી. જેથી ધારાસભ્યે ખાતરી આપી કે, કાંસના કામ વેળા તેઓ હાજર રહેશે.
રામનાથ સ્મશાન-તળાવની મુલાકાત લીધી, નવિનીકરણ માટે બજેટમાં જોગવાઈ
ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લે રામનાથ સ્મશાન અને રામનાથ તળાવની મુલાકાત લઈ અધિકારીઓ સાથે નવીનીકરણ માટે ચર્ચા કરી હતી. તેઓએ સ્થળ પર જઈ નકશાઓ જોઈ સ્મશાન અને તળાવનું ઝડપથી નવીનીકરણ કરવામાં આવે તેવી સૂચના આપી હતી. તેઓ દ્વારા આ અંગે અગાઉ પણ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો. આ માટેની ગ્રાન્ટની બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવી છે.

નવાબજારમાં ડ્રેનેજની સમસ્યા દૂર કરવા જૂની ઓક્ટ્રોય કચેરી પાસે પંપિંગ સ્ટેશન બનાવાશે
ચાર દરવાજા અને તેની આસપાસના વિસ્તારમાં ડ્રેનેજ ઊભરાવાની સમસ્યાથી નાગરિકો ત્રસ્ત છે. સમસ્યા અંગે સ્થાનિક નાગરિકો અને વેપારીઓની અનેક રજૂઆત મળી છે. ત્યારે શુક્રવારે નાગરિકોને રાહત થાય તે માટે પંપિંગ સ્ટેશન ઊભું કરવામાં આવે તે માટે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ડ્રેનેજની સમસ્યા દૂર કરવા માટે નવાબજાર ખાતે જૂની ઓક્ટ્રોય કચેરી નજીક પંપિંગ સ્ટેશન બનાવવાનું નક્કી કરાયું છે.

વરસાદી પાણીની સમસ્યા દૂર કરવા ચોખંડીથી ઇદગાહ મેદાન સુધી કાંસની સાફસફાઈ કરાશે
ચોખંડી, વાડી ટાવર થઈ કુંભારવાડાથી નાની શાકમાર્કેટ રોડ, ઇદગાહ મેદાનવાળા રસ્તા પર વર્ષોથી વરસાદી પાણી ભરાવવાની સમસ્યા છે. જેનો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે ધારાસભ્યે સ્થળ મુલાકાત લઈ અધિકારીઓ સાથે વરસાદી કાંસના રૂટ પર ફર્યા હતા. તેઓએ તાત્કાલિક ધોરણે વરસાદી કાંસની સફાઈ કરવામાં આવે, તેમજ જ દુરસ્તીકરણ કરવામાં આવે તેવી અધિકારીઓને સૂચના આપી છે.
સરદાર એસ્ટેટ રોડને આરસીસી બનાવાશે
વોર્ડ નંબર 14માં આવતા સરદાર પટેલ એસ્ટેટથી યમુના મિલ રોડ વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોવાથી ત્યાં ભારદારી વાહનો અવર-જવર કરતા હોય છે. જોકે આ રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં છે. ત્યાં વરસાદી પાણી પણ ભરાતાં હોવાથી બનાવેલા રોડ તૂટી જાય છે. જેના કારણે આ રોડને આરસીસી બનાવવા માટે બાળકૃષ્ણ શુક્લે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

