
- ગુજરાત પોલીસની જાણ બહાર યુપી પોલીસ ઉઠાવી ગયાની ચર્ચા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ સહિત ત્રણ લોકોની હત્યામાં મહત્ત્વની કડી ગણાતા અને સમગ્ર ષડયંત્રની માહિતી ધરાવતા અતિક અહેમદના 11 સાગરીત રાતોરાત ગાયબ થઈ ગયા છે. અમદાવાદ સહિત ગુજરાત પોલીસની વિવિધ એજન્સીઓ આ તમામની ખાનગી ધોરણે શોધખોળ કરી રહી છે. જોકે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ પોલીસની અતિકને લઈને ઊંઘ ઉડી તે પહેલા ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમ ‘મખ્ખી’ સહિતના સાગરીતોને ઉપાડી ગઈ છે કે, આરોપીઓ બે-બે રાજ્યની પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયા છે, તે હજુ પણ રહસ્ય છે.
અતિક અહેમદના 11 સાગરીત રાતોરાત ગાયબ થઈ ગયા
પોલીસ સૂત્રોના મતે, અતિક સુરક્ષા કારણોસર 2019થી સાબરમતી જેલમાં બંધ હતો. આમ છતાં તે જેલમાંથી તેનું તંત્ર ચલાવતો હોવાનો પુરાવો ઉમેશ પાલ સહિત ત્રણની હત્યા છે. અતિક સાબરમતી જેલમાં હતો ત્યારે તેની સેવાચાકરી કરવા અને તેના સંદેશ ઉત્તર પ્રદેશ મોકલવા તેના નજીકના ગણાતા 11 શખસ અમદાવાદમાં વિવિધ જગ્યાએ મકાન ભાડે રાખીને રહેતા હતા. તેમાં કેટલાક સાબરમતી જેલ નજીક રહેતા, તો મખ્ખી નામનો તેનો ખાસ સાગરિત વટવામાં રહેતો હતો. ઉમેશ પાલની હત્યા બાદ થોડા દિવસ આ તમામ આરોપી અમદાવાદમાં જ હતા. જોકે છેલ્લા કેટલાક દિવસથી આ તમામ આરોપી લાપતા થયા છે, જેમની હવે રાજ્યની પોલીસ ખાનગી રાહે તપાસ કરી રહી છે.
જાન્યુઆરી બાદ અતિકની મુલાકાત અચાનક ઓછી થઈ ગઈ હતી
સાબરમતી જેલના સૂત્રોના મતે, ઉમેશ પાલની હત્યાના દોઢ મહિના પહેલાથી અચાનક જ અતિકની જેલમાં મુલાકાત કરનારાની સંખ્યા ઘટી ગઈ હતી. અતિકને હાઈ સિક્યુરિટી ઝોનમાં રખાયો હતો અને જેલ તંત્ર દ્વારા તેને સત્તાવાર રીતે જ મુલાકાતની મંજૂરી અપાતી હતી. પોલીસને શંકા છે કે ઉમેશ પાલની હત્યાનું ષડ્યંત્ર રચાયું હોવાનું તેના નજીકના લોકો જાણતા હતા. તેના ભાગરૂપે જ તેને મળવા આવનારા લોકોની સંખ્યા ઓછી થઈ ગઈ હતી.
