
- ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ અંદાજિત 38.40 લાખથી વધુ ગેસ કનેક્શન નોંધાયેલા છે
- સરકારે લોકસભામાં આપેલી માહિતીમાં થયો સમગ્ર ખુલાસો
આપણા દેશમાં આજેપણ ઘણાં એવા ઘર છે,જ્યાં ગેસ સિલિન્ડરની સુવિધા ઉપલબ્ધ નથી.ત્યારે આ બાબતને ધ્યાને લઇ સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અમલી બનાવી. ગુજરાતમાં સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત 38.40 લાખથી વધુ LPG સિલિન્ડર કનેક્શન નોંધાયેલા છે. જે અન્વયે લોકસભામાં સરકારે આપેલી માહિતી મુજબ,વર્ષ 2021-22માં ગુજરાત માંથી 4.81 લાખ પરિવારોએ માત્ર એક જ વાર ગેસ સિલિન્ડર રિફીલ કરાવ્યું છે.
જ્યારે 5 લાખ પરિવારોએ 2 વાર ગેસ સિલિન્ડર રિફીલ કરાવ્યું છે. 22 લાખથી વધુ પરિવારોએ ત્રણ કે તેથી વધુ વાર ગેસ સિલિન્ડર રિફીલ કરાવ્યું છે. અને 6.56 લાખ પરિવારોએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત વર્ષ 2021-22માં એકપણ વાર ગેસ સિલિન્ડર રિફીલ કરાવ્યું નથી. કુલ 31.83 લાખ પરિવારોએ એકથી ત્રણવાર સુધી સિલિન્ડર રિફીલ કરાવ્યું છે.
2020-21 કરતાં 2021-22માં ત્રણ કે વધુ વખત રિફીલ કરાવનારની સંખ્યા ઘટી
| વર્ષ | એકવાર | બે વખત | ત્રણ કે વધુ વખત |
| 2021-22 | 4,81,482 | 5,00,385 | 22,01,477 |
| 2020-21 | 2,21,156 | 3,50,275 | 23,00,365 |
| 2019-20 | 4,55,494 | 4,41,164 | 16,76,880 |
વર્ષમાં બે સિલિન્ડર મફત આપવાની જાહેરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજ્ય સરકાર દ્વારા ઉજ્જવલા યોજના અંતર્ગત આવતા લાભાર્થી એલપીજી ધારકોને વર્ષે બે મફત ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
દેશમાં કુલ 9.56 કરોડ જોડાણ, માથાદીઠ વપરાશમાં વધારો
દેશમાં અત્યારસુધી 9.56 કરોડ લોકોએ ઉજ્જવલા યોજનાનો લાભ લીધો છે. ચાલુ વર્ષે 3 વખત સિલિન્ડર રિફીલ કરાવનારાની સંખ્યા 4.94 કરોડ જ્યારે પ્રથમ અને બીજી વખત રીફિલ કરાવનારાની સંખ્યા 3.10 કરોડ છે.1.51 કરોડ લોકોએ એકપણ વાર સિલિન્ડર રિફીલ નથી કરાવ્યું. લાભાર્થીઓનો માથાદીઠ વપરાશ વધી રહ્યો છે.2019-20માં સરેરાશ 3.01 વાર્ષિક સિલિન્ડર રિફીલ થતાં જે વધીને 2021-22માં 3.68 થયાં છે.

