
- સાણંદમાં પાંચમા માળેથી પડતું મૂકનારા ચૂંટણી અધિકારી રાજેન્દ્ર પટેલના કેસમાં અનેક સવાલો
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ચિત્રોડા ગામમાં પ્રવેશતા ચિરશાંતિ વર્તાઈ રહી હતી. 45 વર્ષીય યુવાનના મૃત્યુથી સમગ્ર ગામના લોકો દુઃખમાં ગરકાવ થયેલા નજરે જોવા મળી રહ્યાં હતા. સાણંદના પ્રાંત અધિકારી રાજેન્દ્ર કેશવલાલ પટેલે સાણંદ સ્થિત ફ્લેટના ચોથા માળેથી મંગળવારે પડતું મૂક્યું હતું. તેમના મૃત્યુબાદ તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પોલીસ મૃત્યુને આત્મહત્યામાં ખપાવી રહી છે જ્યારે તેમની પત્ની અને દીકરી રાજેન્દ્રભાઈનું પોલિટિકલ મર્ડર થયાનો આક્ષેપ કરી રહ્યાં છે.
મૃતકના પરિવારને મળવા દિવ્ય ભાસ્કરની ટીમ તેમના ઘરે પહોંચી હતી. પરિવારે પોલીસ તપાસ સામે પ્રશ્નો ઊભા કર્યા છે અને પોલીસે જાણીજોઈ પુરાવા નાશ કર્યાનો આક્ષેપ કર્યો છે. રાજેન્દ્રભાઈના પત્ની ગૃહિણી છે. તેમની એક દીકરી હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છે, નાની દીકરી સાયન્સમાં અભ્યાસ કરે છે, દીકરો 10મા ધોરણમાં ભણે છે. આ ઘટનામાં ચૂંટણી પંચની પણ જવાબદારી હોવાનું પરિવારે કહ્યું છે.

અમને સ્થાનિક પોલીસ પર વિશ્વાસ નથી સીબીઆઈ તપાસ કરે: પરિવાર
રાજેન્દ્રભાઈ સાથે છેલ્લે તમારે ક્યારે વાત થઈ હતી?
રાજેન્દ્રભાઈના પત્નીએ કહ્યું કે, મંગળવાર સવાર 6.15 વાગ્યે વાત થઈ હતી ત્યારે તેમણે કહ્યું કે, આખી રાત કામ કરીને હાલ જ ઓફિસથી ઘરે આવ્યો છું. હવે ઊંઘી જઈશ પછી ફરી ઓફિસ જવાનું છે. રોજે સવારે આઠ વાગ્યે હું તેમને કોલ કરતી હતી, પણ તે દિવસે ઊંઘ ના બગડે તે માટે કોલ કર્યો નહીં. 9.15એ તેમનો સામેથી કોલ આવી ગયો હતો. થોડી મિનિટમાં તેમણે વીડિયો કોલ કરી મારી સાથે અને દીકરા સાથે વાત કરી હતી.
વાત કરતી વખતે તમને કોઈ અંદેશો થયો હતો?
વીડિયો કોલમાં તેમણે હસતા-હસતા જ વાત કરી હતી. દીકરાને ભણવાનું કેવું ચાલે છે તેમ પૂછ્યું તેમણે દીકરા સાથે વાત કરી હતી. અમારી આશરે પાંચ મિનિટ વીડિયો કોલ પર વાત થઈ હતી. ટેન્શન જેવી કોઈ વાત કરી નહોતી.
રાજેન્દ્રભાઈએ જીવનું જોખમ અથવા ધમકી મળી હોવાની ક્યારેય વાત કરી હતી?
ના, એવી ક્યારેય વાત તેમણે કરી નથી. તે કામ સિવાય કોઈ ચર્ચા કરતા નહોતા.
આ કેસમાં તમને શું લાગે છે ? તમને કોઈના ઉપર શંકા છે?
તે આત્મહત્યા ક્યારેય કરી શકે નહીં. તેમની સાથે ચોક્કસ અણબનાવ બનેલો છે. હું કોઈ પણ હિસાબે ન્યાય મેળવીને રહીશ. તેમની દીકરીએ કહ્યું કે, તેમને કામનું સખત પ્રેશર હતું. અમે સીબીઆઈ તપાસની માગ કરી છે. સ્થાનિક પોલીસ ઉપર અમને ભરોસો નથી. તેમના પર ચોક્કસ પોલિટિકલ પ્રેશર રહ્યું હશે. તેમની આત્મહત્યા નથી તેમનું પોલિટિકલ મર્ડર જ થયું છે. ન્યાય માટે વડાપ્રધાન સુધી જવું પડશે તો જઈશું. અમારો એક માત્ર સહારો અમારા
પિતા હતા.
પોલીસની કામગીરી પર તમને કેમ શંકા છે?
પોલીસની તપાસ જ શંકા ઉપજાવી રહી છે. ઘરના લોકો ઘટના સ્થળે પહોંચે તે પહેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા હતા. ઘટના સ્થળને સીલ કરવું જોઈતું હતું, પણ પોલીસે તેમ કર્યું નહોતું. લોકોની અવર-જવરમાં ફિંગર પ્રિન્ટ અને ફૂટ પ્રિન્ટ પણ રહ્યાં નથી તો હવે કયા આધારે તપાસ આગળ થશે.
આ ઘટનામાં કોને જવાબદાર ગણો છો?
રાજેન્દ્રભાઈના ભાઈ હર્ષદભાઈએ કહ્યું કે, આ ઘટનામાં પૂરેપૂરી જવાબદારી ચૂંટણી પંચની બને છે. કોઈ પણ હિસાબે ચૂંટણી પંચ છટકી શકે નહીં. ઓન ડ્યૂટી અધિકારી મૃત્યુ પામ્યા છે તેથી ચૂંટણી પંચે તે અંગેની જવાબદારી
લેવી પડે.

