
રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠકમાં 65 જેટલા ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું છે. તેઓ દ્વારા દરરોજ સમયસર હિસાબ ચૂંટણી વિભાગને રજૂ કરવાના હોય છે, પરંતુ 15થી વધુ ઉમેદવારો એવા છે, જેમણે ચૂંટણીખર્ચનો હિસાબ રજૂ નથી કર્યો, જેથી ચૂંટણીપંચ દ્વારા હિસાબ માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવારોને નોટિસ ફટકારવામાં આવી છે. જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયાએ તા.14થી 17 સુધીનો કુલ રૂ.3,58,180નો ખર્ચ રજૂ કર્યો હતો, જ્યારે રાજકોટનાં ભાજપનાં ઉમેદવાર ડો. દર્શિતા શાહને ભાજપે ખર્ચ માટે 25 લાખ આપ્યા છે.

ભાજપનું આજે 93 બેઠક પર કાર્પેટ બોમ્બિંગ
ગુજરાતમાં પ્રથમ અને બીજા તબક્કામાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે આજે ભાજપ દ્વારા પ્રચંડ પ્રચાર શરૂ કરવામાં આવશે. મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ બીજા તબક્કાની 93 બેઠક પર એકસાથે સભા ગજવશે. ભાજપે આ માટે કેન્દ્રના 13 અને પ્રદેશના 4 નેતાને જવાબદારી સોંપી છે. એ ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને સાંસદોની ફોજ પણ પ્રચારના મેદાનમાં ઉતારી દીધી છે.

ભાજપના અલ્પેશ ઠાકોર પોતાના કાર્યાલયના ઉદઘાટનમાં ના ફરક્યા
ગાંધીનગરમાં દક્ષિણ બેઠક પરથી ભાજપે આ વખતે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપીને મેદાને ઉતાર્યા છે. જોકે તેમના નામની જાહેરાત પહેલાં જ સ્થાનિક કાર્યકરોએ વિરોધ કર્યો હતો. આ વચ્ચે ગાંધીનગર દક્ષિણ બેઠકના ઉમેદવાર અલ્પેશ ઠાકોરના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટનમાં અલ્પેશ ઠાકોર પોતે જ ગેરહાજર હતા. ગાંધીનગરના રાંદેસણ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ કાર્યાલયનું ઉદઘાટન કર્યું. ખુદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યાલયના ઉદઘાટનના ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા, જેમાં અલ્પેશ ઠાકોરના પોસ્ટર તો દેખાયાં, પણ અલ્પેશ ઠાકોર પોતે ક્યાંય દેખાયા જ નહીં. ખાસ વાત છે કે બે દિવસ પહેલાં જ ચિલોડા ખાતે કાર્યાલયના ઉદઘાટન દરમિયાન જ અલ્પેશ ઠાકોર વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયા હતા અને અલ્પેશ ગો બેકના નારા લાગ્યા હતા.

93 બેઠક પર ભાજપના નેતાઓ સભાઓ કરશે
વડાપ્રધાન મોદી 19 તારીખથી ગુજરાતના પ્રવાસે હતા, પરંતુ ફરીવાર આવતીકાલથી તેઓ બે દિવસ ગુજરાત આવશે. 23 નવેમ્બરે તેઓ મહેસાણા, દાહોદ, વડોદરામાં રેલી કરશે, જ્યારે 24 નવેમ્બરે પાલનપુર, દહેગામ, અમદાવાદ ગ્રામ્યમાં સભા ગજવશે. હિમાચલ પ્રદેશના CM જયરામ ઠાકુર, આસામના CM હિમંતા બિસ્વા સરમા અને મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ ત્રણ-ત્રણ જનસભા ગજવશે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, અજય ભટ્ટ, કૈલાસ ચૌધરી પણ પ્રચાર સભાઓ સંબોધશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે 4 રેલી સંબોધશે.

કામિનીબા રાઠેડે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. આજે કામિનીબા રાઠોડ ભાજપમાં જોડાશે. દહેગામ બેઠકથી ટિકિટ ના મળતાં તેઓ નારાજ થયાં હતાં. કોંગ્રેસે ટિકિટ ના આપતાં તેમણે અપક્ષ ઉમેદવારી કરી હતી, જે બાદ તેમણે આજે પક્ષને રાજીનામું ધર્યું છે. હાલમાં જ કામિનીબા રાઠોડે કોંગ્રેસમાં રૂપિયા લઈને ટિકિટના સોદા થયાના આક્ષેપ કર્યા હતા.

છેલ્લી ઘડીએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ગુજરાત આવશે
કોંગ્રેસના રાષ્ટ્રીય નવા અધ્યક્ષ આગામી 26 અને 28 નવેમ્બરે ગુજરાતમાં ચૂંટણીપ્રચાર કરશે. મલ્લિકાર્જુન ખડગે 26 નવેમ્બરે અમદાવાદમાં જાહેરસભાને સંબોધશે અને 28 નવેમ્બરે ગાંધીનગર નજીક જાહેરસભાને સંબોધશે. કોંગ્રેસ-અધ્યક્ષ 27 નવેમ્બરે મધ્યપ્રદેશના ઈન્દોરમાં ‘ભારત જોડો યાત્રા’માં હાજરી આપશે અને એક સભાને સંબોધશે.

ચોટીલા આપના ઉમેદવારનો ધડાકો
ચોટીલા બેઠક પર આમ આદમી પાર્ટીમાં ચૂંટણી લડી રહેલા રાજુ કરપડાએ ભાજપ પર ગંભીર આક્ષેપ કરી કહ્યું હતું કે ભાજપના નેતાએ મને સાત કરોડ રૂપિયાની ઓફર કરી હતી. જો હજી તેઓ કહેતા હોય કે ઓફર નહોતી કરી તો અહીં આવો… હું પુરાવાઓ આપવા તૈયાર છું. આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ કરપડાએ આજે મૂળી તાલુકાના દાણાવાડા ગામે પ્રચાર દરમિયાન ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે એક ભાજપના નેતાએ મને સાત કરોડ રૂપિયાની ઓફર કરી હતી. જો તેઓ કહેતા હોય કે ઓફર નહોતી કરી તો અહીં આવો… હું પુરાવાઓ આપવા તૈયાર છું.

પહેલીવાર પૂર્વ અમદાવાદમાં PMનો રોડ શો
નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે અમદાવાદ પૂર્વ વિસ્તાર સાથે તેમનો ઘણો ઘરાબો હતો. એક સમયે અમદાવાદના મણિનગર વિસ્તારથી ચૂંટણી પણ નરેન્દ્ર મોદી લડ્યા હતા. અમદાવાદના પૂર્વ વિસ્તાર સાથે અનેક સંબંધ ધરાવતા નરેન્દ્ર મોદી આ વખતે વિધાનસભા 2022થી ચૂંટણીમાં વડાપ્રધાન તરીકે રોડ શો કરવાના છે એવી વિગત ઉચ્ચ સ્તરીય સૂત્રો પાસેથી મળી રહી છે. 27-28 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રોડ શો કરે એ માટે કેટલીક જગ્યાએ સૂચના પણ આપી દેવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. આ વખતે નરેન્દ્ર મોદી પૂર્વ વિસ્તારમાં રોડ શો કરવાના છે. આ રોડ શો કેટલા કિલોમીટર લાંબો હશે એ માટે પ્લાનિંગ કરવા માટે પણ પ્રયાસ હાથ કરાયા છે.

ધાનાણીના ગઢમાં કેજરીવાલનો હુંકાર
અમરેલી વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો અહીં ભાજપ, કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાને છે. આજે કોંગ્રેસના ગઢ કહેવાતા અમરેલીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે રોડ શો કર્યો હતો. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જ્યારે પૃથ્વી પર પાપ વધે છે ત્યારે ઉપરવાળો પોતાનું ઝાડું ચલાવે છે. આજે હું ગુજરાતના દરેક પરિવારનો ભાગ બની ગયો છું. અમારી સરકાર બનશે તો હું તમારો ભાઈ બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળી લઈશ. સમગ્ર ગુજરાતમાં હું જ્યાં પણ જાઉં છું ત્યાં પરિવર્તનની આંધી ચાલી રહી છે. પેપર ફૂટતા નથી, પેપર વેચાય છે ને આક્ષેપ કર્યો હતો. અમારી પ્રામાણિક સરકાર છે, અમે એકપણ પેપર ફૂટવા નહીં દઈએ. મેં દિલ્હીમાં જે કામ કર્યું છે, મેં જે કામ કરીને બતાવ્યું છે એ જ કામ કરવાની વાત કરી રહ્યા છે.

ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસતરફી માહોલ બન્યો: અશોક ગેહલોત
ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દિગ્ગજ નેતાઓ ગુજરાત ખૂંદી રહ્યા છે, જેમાં કોંગ્રેસનેતા રાહુલ ગાંધી પણ આજે ચૂંટણીપ્રચારમાં જોડાયા છે. રાહુલ ગાંધીએ ચૂંટણીપ્રચારની શરૂઆત સુરતથી કરી અને એ બાદ હવે તેઓ રાજકોટ પહોંચ્યા છે. આ સભામાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે જણાવ્યું હતું કે રાજ્યમાં સરકારવિરોધી જુવાળ છે, જેને લીધે કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવશે તેમજ રાજ્યમાં કોંગ્રેસતરફી માહોલ બન્યો છે. ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે.

