
ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની 89 બેઠક માટે ગુરુવારે ફોર્મ પાછા ખેંચાયા પછી હવે ચિત્ર સ્પષ્ટ થયું છે. ત્યારે સત્તા મેળવવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો લોકોની વચ્ચે જઈ રહ્યાં છે. આગામી 20મી નવેમ્બરે કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં વડાપ્રધાન મોદીની જંગી રેલી યોજાવાની છે. બીજી તરફ એજ જગ્યાએ 22મી નવેમ્બરે રાહુલ ગાંધીની પણ રેલી યોજાશે. બંને દિગ્ગજ નેતાઓની રેલીથી અમરેલીની આસપાસની 24 બેઠકો પર સીધી અસર થવાની શક્યતાઓ રાજકીય નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરાઈ છે.
ધવલસિંહ ઝાલા અપક્ષ ચૂંટણી લડશે
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અલ્પેશ ઠાકોરના પગલે અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયાં હતાં. ભાજપે આ ચૂંટણીમાં ટિકિટ કાપતાં જ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમણે આજે ભાજપમાંથી રાજીનામું આપી દીધુ છે.પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને લેખિતમાં રાજીનામું મોકલી આપ્યું છે. ધવલસિંહે આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપે નિષ્ક્રિય ઉમેદવારની પસંદગી કરી છે.ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરીયા પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે.

89 બેઠકો પર ભાજપનું કાર્પેટ બોમ્બિંગ
ભાજપે પ્રચારના ભાગરૂપે 89 બેઠક પર કેન્દ્રીય નેતાઓને ઉતારવા માટેની રણનીતિ બનાવી છે. રાજ્યમાં 14 કેન્દ્રીય નેતા 46 જનસભા ગજવશે, જ્યારે રાજ્યના 14 સ્ટારપ્રચારક 36 મતવિસ્તારોમાં સભાઓ સંબોધશે. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠક પર પ્રચાર માટે આજે ભાજપનું કાર્પેટ બોમ્બિંગ થશે.

આપના ઉમેદવાર કંચન જરીવાલાના ડમીએ પણ ફોર્મ પરત ખેંચ્યું
સુરત પૂર્વ બેઠક પર આમ આદમી પાર્ટીને પડતા પર પાટુ લાગ્યુ છે. આપના ઉમેદવાર કંચન જરીવાલા બાદ તેના ડમીએ પણ ફોર્મ પરત ખેંચ્યું છે. કંચન જરીવાલાના ડમી સલીમ મુલતાનીએ ફોર્મ પરત ખેંચ્યુ છે.ચૂંટણી પંચના નિયમ મુજબ મેન્ડેટ ન હોવાથી સલીમ મુલતાની આપના બેનર હેઠળ ચૂંટણી ના લડી શકે.
આ નેતાઓ પ્રથમ તબક્કાની 89 બેઠક પર પ્રચાર કરશે
ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ જનસભા કરશે. ભાજપ શક્તિપ્રદર્શન કરતા એકસાથે 89 દિગ્ગજ નેતાને ગુજરાતમાં પ્રચાર માટે બોલાવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. ભાજપે ચૂંટણીના મેદાનમાં નેતાઓની ફોજ ઉતારવાનું આયોજન કર્યું છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા જેપી નડ્ડા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા યુપીના સીએમ યોગી આદિત્યનાથ ગુજરાત આવશે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ગુજરાતમાં ભાજપ માટે કેમ્પેઇન કરશે.

રાજકોટમાં રાહુલ ગાંધીની વિશાળ સભાની તૈયારી
21મી નવેમ્બરે રાજકોટમાં રાહુલ ગાંધીની જાહેર સભા યોજવા માટે વિશાળ અને પૂરેપૂરું શાસ્ત્રી મેદાન ભાડે આપવા કોંગ્રેસ પાર્ટીએ કલેકટર પાસે મંજૂરી માગી લીધી છે. એઆઇસીસી તથા જીપીસીસી વતી મહામંત્રી મહેશ રાજપૂતે પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખની પ્રચાર સભા માટે તા.19થી તા. 21 એમ ત્રણ દિવસ માટે ગ્રાઉન્ડ માગ્યું છે. આ દિવસે પહેલા અમરેલીમાં રાહુલ ગાંધીની જાહેર સભા યોજાશે. એ બાદ તેઓ રાજકોટ આવીને શાસ્ત્રી મેદાનમાં જાહેરસભાને સંબોધન કરવાના છે. રાહુલ ગાંધી રાજકોટ આવવાના હોવાથી બે દિવસ બાદ કોંગ્રેસના રાજ્યના તમામ મુખ્ય નેતાઓ અને ઉમેદવારોનો મુકામ રાજકોટમાં થઈ જશે એ નકકી છે.

મોરબી જિલ્લામાં આજે 3 રાજ્યના CM સભા ગજવશે
મોરબી પુલ દુર્ઘટના બાદ રાજકીય માહોલ જામતો નથી. ત્યાં આજે ત્રણ રાજ્યના મુખ્યમંત્રીઓ પ્રચાર કરવાના છે. ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ, MPના સીએમ શિવરાજસિંહ ચૌહાણ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ આજે સભા ગજવશે. એ ઉપરાંત અન્ય સ્થળોએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ 4 સભા કરશે, જ્યારે કેન્દ્રીય મંત્રી ભારતી પવાર 2 રેલી કરશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની 2 રેલી કરશે. યુપીના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકની 3 સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યાની 3 સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

36 ઉમેદવારને મેન્ડેટ આપ્યાઃ ડીજી વણજારા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. આ ચૂંટણીમાં એક પછી એક અનેક પક્ષો ઝંપલાવી રહ્યા છે અને પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ‘પ્રજા વિજય પક્ષ’ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડી. જી. વણજારાએ અમદાવાદ ખાતે એક પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. ગુજરાતના પૂર્વ ડીજી વણજારાએ થોડા દિવસ પહેલાં જ ‘પ્રજા વિજય પક્ષ’ નામની પોતાની પાર્ટી લોન્ચ કરી હતી. આ પ્રેસ-કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં પ્રથમ અને બીજા તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં 36 લોકોને મેન્ડેટ આપવામાં આવ્યા છે. અમે ક્વોલિટી પર ભાર મૂક્યો છે. અમે 16 આગોવાનની યાદી બનાવી છે. આ માટે રબારી કોલોની ચાર રસ્તા પર પાર્ટીનું કાર્યાલય પણ ખોલવામાં આવ્યું છે.

સુરતમાં હિન્દી ભાષી નેતાઓ સભા ગજવશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો વચ્ચે જંગ શરૂ થઈ ગયો છે ત્યારે મિની ભારત ગણાતા સુરતમાં અન્ય પ્રાંતના મતદારોને રીઝવવા માટે હિન્દી ભાષી નેતાઓને ઉતારવાનું શરૂ થઈ ગયું છે. આગામી દિવસમાં ભાજપ દ્વારા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નીતિન ગડકરીને ઉતારવામાં આવશે. આ ઉપરાંત અન્ય ભાષાના નેતાઓને પણ પરપ્રાંત વિસ્તારમાં લાવવામાં આવશે. આવી જ રીતે કોંગ્રેસ અને અન્ય પક્ષના નેતાઓ પણ તેમના હિન્દી ભાષી કે અન્ય ભાષી નેતાઓને મેદાનમાં ઉતારવા માટે તૈયારી કરી રહ્યા છે.

પાટીલે ભાજપના બળવાખોરોને ચેતવણી આપી
ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે ગુરુવારે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. એમાં તેમણે બળવાખોર નેતાઓને ટકોર કરી છે. તેમણે કહ્યું હતું કે ઉમેદવારી પ્રક્રિયા સંપન્ન થઈ છે. કાલે એનું વેરિફિકેશન, ત્યાર બાદ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ થશે. 89 સીટમાંથી 82 સીટ પર ભાજપના અગ્રણીઓ પ્રચાર અર્થે જશે. 18થી લઈને 20 તારીખ સુધી વિકાસનાં કાર્યો લોકો સુધી પહોંચાડાશે. કાલથી ઉમેદવારો માટે વિધિવત પ્રચાર શરૂ થશે. તેમણે એવી પણ ચીમકી ઉચ્ચારી કે જો ભાજપનો કાર્યકર અપક્ષ ઉમેદવારી કરશે તો પક્ષ પગલાં લેશે. આવા લોકોએ ઉમેદવારી પાછી ખેંચી લેવી જોઈએ. આમ આદમી પાર્ટીના ગાયબ થઈને પ્રગટ થયેલા ઉમેદવાર વિશે પણ તેમણે ટિપ્પણી કરી.

