- માતા-પિતા અને પુત્રનાં ઘટનાસ્થળે મોત નીપજયાં હતાં
- એકનું સારવાર દરમિયાન મોત થયું હતું
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર-ઉમરાળા હાઇવે રોડ પર તા.13/8ના રોજ રાત્રિના સમયે લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના ત્રણ સહિત ચાર લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. આ ઘટના CCTV સામે આવ્યા છે, જેમાં જોવા મળે છે કે બે ડમ્પરચાલકો હાઇવે પર ઊભા રહીને એકબીજા સાથે વાતચીત કરે છે, ત્યારે ફોર-વ્હીલર ગાડીમાં સવાર પરિવાર ટ્રક પાછળ ઘૂસી જાય છે.

એક જ પરિવાર ના ત્રણ સભ્યનાં મોત
અમરેલીનો આહીર પરિવાર સુરતથી પરત આવી રહ્યો હતો. એ દરમિયાન ભાવનગરના વલ્લભીપુર ઉમરાળા હાઈવે પર તેમની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં આહીર પરિવારના ત્રણ સભ્યનાં મોત થયાં હતાં તેમજ એકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે પણ દમ તોડ્યો હતો. આમ, અકસ્માતમાં ચારનાં મોત થયાં હતાં. આ અકસ્માત એટલો ભયંકર હતો કે લાશોને બહાર કાઢવા માટે કારનાં પતરાં તોડવા પડ્યાં હતાં. આ અકસ્માતના પગલે હાઈવે મરણચીસોથી ગુંજી ઊઠ્યો હતો.

મૃતકના મોટા ભાઈએ ફરિયાદ નોંધાવી
આ બનાવે અંગે મૃતકના મોટા ભાઈ સામંત ભાભલુભાઈ ભૂવાએ વલ્લભીપુર પોલીસ મથકે ફરિયાદ લખવતાં જણાવ્યું હતું કે મારો નાનો ભાઈ જીલુ તેની પત્ની ગીતા, તેનો પુત્ર શુભમ તથા ભત્રીજો શિવમ સુરતથી સાતમ-આઠમના તહેવારમાં વેકશન મનાવવા ગામડે આવતા હતા, ત્યારે વલભીપુરથી ઉમરાળા હાઈવે પર લક્ષ્મી પેટ્રોલ પંપ નજીક એક ડમ્પરની પાછળની સાઈડમાં કાર અથડાતાં ત્રણનાં ઘટનાસ્થળે મારા ભાઇના પરિવારના ત્રણ સભ્યનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
