
ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ કરતાં સૌથી પહેલા આમ આદમી પાર્ટી(AAP) દ્વારા આજે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. આજે બપોરે એક વાગ્યે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી પત્રકાર પરિષદ કરી સૌથી પહેલા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરશે. AAPનાં સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઉમેદવારોનું લિસ્ટ ફાઇનલ હોઈ શકે છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારી બેચરાજી બેઠક પરથી તો અર્જુન રાઠવા છોટાઉદેપુર વિધાનસભા બેઠકથી ચૂંટણી લડી શકે.
શહેરી વિસ્તારના ઉમેદવાર જાહેર કરી શકે છે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે વેરાવળમાં જનસભા સંબોધી હતી. આ ઉમેદવારો અંગે ગુજરાત પ્રદેશ સંગઠન અને અરવિંદ કેજરીવાલ વચ્ચે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના ઝોનની શહેરી વિસ્તાર વિધાનસભાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર થશે.
બેરોજગારોને મહિને 3000 રોજગાર ભથ્થાનો વાયદો
વેરાવળમાં જનસભાને સંબોધતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જો AAPની સરકાર બની તો ગુજરાતના પ્રત્યેક બેરોજગાર વ્યક્તિને રોજગાર આપીશું. જ્યાં સુધી બેરોજગાર યુવાનોને રોજગાર નહિ મળે ત્યાં સુધી પ્રત્યેક બેરોજગાર યુવાનને 3000 રૂપિયા પ્રતિ માસ બેરોજગારી ભથ્થું આપીશું. 10 લાખ સરકારી નોકરીની ભરતી કરીશું. ગુજરાતમાં પેપરલીકથી યુવાનો ખૂબ જ પરેશાન છે, એટલે એના વિરુદ્ધ કડક કાયદાઓ લાવીશું અને સમયસર સરકારી પરીક્ષાઓનું આયોજન કરીશું.
ભાઈ-બહેનો હવે કોઈ રોજગાર માટે આપઘાત ના કરતાઃ કેજરીવાલ
સહકારીક્ષેત્રમાં અત્યારે ભ્રષ્ટાચાર અને ભલામણ કરવાથી લાંચ આપીને નોકરી મળે છે, પરંતુ અમે લાગવગ અને ભ્રષ્ટાચાર પર પ્રતિબંધ લાગે એવા કાયદાઓ લાવીશું અને સહકારીક્ષેત્રની નોકરીઓમાં સૌને સમાન તક મળે એવી વ્યવસ્થા ઊભી કરીશું. બસ, હવે ફક્ત 5 મહિના જ બાકી રહી ગયા છે ચૂંટણીમાં. મારી વિનંતિ છે કે મારા ગુજરાતનાં ભાઈ-બહેનો હવે કોઈ રોજગાર માટે આપઘાત ના કરતા, ખૂબ જ દુઃખ થાય છે.
કેજરીવાલે ગુજરાતની જનતાને 5 ગેરંટી આપી
- પાંચ વર્ષમાં દરેક બેરોજગારોને રોજગારી.
- રોજગાર ન મળે ત્યાં સુધી દરેક બેરોજગારોને દર મહિને રૂ. ત્રણ હજાર
- 10 લાખ સરકારી નોકરી આપીશું.
- ગુજરાતમાં દરેક પેપર ફૂટે છે, આવાં કૃત્યો બંધ કરાવવા કાયદો લાવીશું
- સહકારી ક્ષેત્રે નોકરીની સિસ્ટમ પારદર્શક કરીશું, જેથી સામાન્ય માણસોને નોકરી મળશે.

