
આજે ગુજરાતમાં ખાનગી હોસ્પિટલના 40 હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર જવાના છે. ત્યારે 30 હજારથી વધુ સર્જરી અટકી જશે. એટલું જ નહીં, ખાનગી હોસ્પિટલોએ OPD અને ઈમર્જન્સી સેવા પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો હોવાથી આજે ગુજરાતના દર્દીઓએ ખાનગી હોસ્પિટલના બદલે સરકારી હોસ્પિટલ પર ભરોસો રાખવો પડશે. જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેમની સારવાર પર કોઈ અસર નહીં થાય. ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા બાબતે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા આજે હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.
અમદાવાદમાં બહારગામથી આવેલા દર્દીઓની સર્જરીની કામગીરી ચાલુ
બીજી તરફ, કેટલીક હોસ્પિટલો પૂર્વ આયોજિત સર્જરીને ન્યાય આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક એવા દર્દીઓ છે, જેઓ મેડિકલ વીમો ધરાવતા હોય છે, જેમને પોતાની સર્જરી કે ઓપરેશન માટે ઇન્શ્યોરન્સ કંપનીનું એપ્રૂવલ લઈ લીધું હોય અને આજે ઓપરેશનની તારીખ નક્કી કરવામાં આવી હોય તેવા કિસ્સાઓને જ ઓપરેટ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં વિજય ચાર રસ્તા પાસે આવેલી શેલ્બી ઓર્થોપેડિક હોસ્પિટલમાં રૂટિન ઓપીડી માટેની કામગીરી બંધ રહી છે. જે દર્દીઓ અન્ય રાજ્યોમાંથી ઓપરેશન માટે આવ્યા હતા અને ઇન્શ્યોરન્સ કંપનીનું પ્રી-એપ્રૂવલ લીધું હતું તેમને પરેશાન થવાનો વારો ન આવે એ માટે ઓપરેશન કે સર્જરીની કામગીરી ચાલુ છે.
સૌરાષ્ટ્રની આશરે 2000થી વધુ હોસ્પિટલોમાં OPD બંધ
ગુજરાતમાં હોસ્પિટલો માટે ફાયર સેફ્ટી અંગે સરકારના નવા નિયમો સામે વિરોધના ભાગરૂપે આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની આશરે 2000થી વધુ હોસ્પિટલોમાં સજ્જડ હડતાળનું એલાન ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા આપવામાં આવ્યું છે. અત્યારસુધીના વિરોધમાં ઈમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવતી હતી, પરંતુ આજ રોજ ઇમર્જન્સી સારવાર પણ નહીં કરવા અને OPD પણ બંધ રાખવા નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈન લાગી છે, જોકે સિવિલ હોસ્પિટલમાં રાબેતા મુજબ ઇમર્જન્સી તેમજ OPD ચાલુ રાખવામાં આવી છે અને તમામ ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફને ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
હડતાળનો મજબૂત અને કડક રીતે અમલ કરાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા આપવામાં આવેલા નિર્દેશ બાદ ડોકટરોમાં રોષ ફેલાયો છે. સાયન્ટિફિક રીતે ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા શક્ય નથી અને બારીઓના કાચ દૂર કરવાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન, ગુજરાત બ્રાન્ચ દ્વારા આજે 22 જુલાઈએ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. ડોકટરો દ્વારા હડતાળનો ખૂબ જ મજબૂત અને કડક રીતે અમલ કરવામાં આવશે. ગુજરાતના 40 હજારથી વધુ ડોકટરો ઇમર્જન્સી અને OPD સેવા બંધ રાખી હડતાળ કરવાના છે.
ઇમર્જન્સી અને OPD સેવાઓ બંધ રહેશે
રાજ્યમાં ડોક્ટરો દ્વારા આજે હડતાળ કરવામાં આવશે, જેમાં ઇમર્જન્સી અને OPD સેવાઓ બંધ રાખવામાં આવશે, જેથી ઇમર્જન્સીમાં દર્દીઓએ આજે ખાનગી હોસ્પિટલોમાં જવાની જગ્યાએ અથવા અન્ય સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવા માટે જવું પડશે. ડોક્ટરોના જણાવ્યા મુજબ જે પણ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની રેગ્યુલર વિઝિટ કરવાની હોય છે એ ચાલુ રહેશે, પરંતુ નવા કેસો અથવા નવા કોઈ દર્દીને દાખલ કરવાની તેમજ અન્ય સારવાર બંધ રાખવામાં આવશે. ડોક્ટરો દ્વારા આજે હડતાલને કારણે હજારો ઓપરેશનો રદ કરવા પડ્યાં છે. ઈમર્જન્સીમાં કોઈ ઘટના બને ત્યાં જો ઓપરેશન કે સર્જરી કરવાની થશે તો ખાનગી હોસ્પિટલોમાં થઈ શકશે નહીં.
દર્દીઓને સારવાર માટે અન્ય હોસ્પિટલમાં જવું પડશે
અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડોક્ટર દિલીપ ગઢવીએ કહ્યું હતું કે માત્ર ગુજરાતમાં નહીં, પણ વિશ્વમાં પણ ક્યાંય ICU ગ્રાઉન્ડ ફ્લોર પર નથી. આજે રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલમાં ઈમર્જન્સી અને OPD સેવાઓ બંધ કરી દેવાશે. હડતાળ દરમિયાન દર્દીઓએ સરકારી અથવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં ઈમર્જન્સી અથવા OPDની સારવાર લઈ શકશે. ICU ગ્રાઉન્ડ પર ના હોય એનાં અનેક કારણો છે, જે સમજવા જોઈએ. જો ICU ગ્રાઉન્ડ ફ્લોર પર હોય તો દર્દીને ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે. દર્દીઓનાં સગા અને OPDમાં આવતા દર્દીઓની અવરજવર લીધે દર્દીને અપાતી સારવારમાં પણ મુશ્કેલી થશે.

