- પૂર્ણા નદી 27 ફૂટની ભયજનક સપાટીએ પહોંચી, અનેક લોકોનું સ્થાળાંતર કરાયું
નવસારી જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી જનજીવન પ્રભાવિત થયું છે. આ ઉપરાંત ઉપરવાસના ડાંગ અને સુરત જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના કારણે પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યાં છે. જેથી નવસારી શહેરના નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પૂર્ણા નદીના જળસ્તર વધતા ભેંસતખાડા વિસ્તારમાં પણ 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યાં હતા. તેમજ વિસ્તારમાં 5 ફૂટથી વધુ પાણી ભરાયા છે.

તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી
નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં જળસ્તર 27 ફૂટે પહોંચતા નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના ભેંસતખાડા વિસ્તારમાં 100થી વધુમાં પાણી ઘૂસ્યા હતા. જેથી તંત્ર દ્વારા 450 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. તંત્રના નાયબ મામલતદારને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યાં છે. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ઢીમ્મર સમાજની વાડીમાં આશરો પામેલા અસરગ્રસ્તો માટે સામાજિક સંસ્થાઓ અને પાલિકા દ્વારા જમવાની વ્યવસ્થાં કરવામાં આવી રહી છે.

નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર વાહન વ્યવહાર બંધ
પૂર્ણા નદીમાં જળસ્તર 27 ફૂટે પહોંચતા નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારમાં 5 ફૂટથી વધુ પાણી ભરાયા છે. પૂર્ણા નદીમાં પાણી વધતા ખાડીઓ પણ છલકાઈ છે. જેની સાથે શહેરના વિરાવળ જકાતનાકા નજીક રસ્તા પર પાણી ફરી વળતા નવસારી-સુરત સ્ટેટ હાઇવે પ્રભાવીત થયો છે અને વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે.

APMC માર્કેટમાં પણ પાણી ભરાયા
રસ્તા નજીકના કેટલાય ઘરોમાં રાત્રે 2 વાગ્યાથી પાણી ભરાતા બાળકોથી લઈ વૃદ્ધો પણ મુશ્કેલીમાં મુકાયા છે. નજીકમાં યશફીન હોસ્પિટલમાં પણ દર્દીઓના સગાઓને તેમના સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હતી. જ્યારે નવસારી APMC માર્કેટમાં પણ પાણી ભરાતા શાકભાજી વિક્રેતાઓના વેપાર પણ અટકી પડ્યા હતા.


