રાજકોટમાં ગત રાત્રિથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે શહેરમાં મેઘરાજાના કહેરના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં રામનાથપરામાં 135 વર્ષ જુના મકાનની છત ધરાશાઈ થઇ છે. જ્યાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. એ સમયે ઘરની બહાર વીજળીના કડાકા જેવો અવાજ થયો હતો. જેથી ઘરમાં રહેતા પ્રૌઢે દરવાજો ખોલતા જ મકાનની છત ધરાશાયી થઇ હતી. જ્યાં તેઓ ઘાયલ હતા. હાલ રાજકોટ મનપાની ફાયર શાખાનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે. આ સાથે રાજકોટમાં ઉપરવાસમાં વરસાદના પગલે આજી નદી બે કાંઠે વહેવા લાગી છે. જ્યાં એક વ્યક્તિનો મૃતદેહ તણાઈને આવ્યો છે. હાલ ફાયરબ્રિગેડના જવાનો દ્વારા પુરુષનો મૃતદેહને પાણીના ધસમસતા પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.


મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો
રાજકોટ ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં છે તો આજી નદીના પાણી રામનાથપરા વિસ્તારમાં ફરી વળ્યા છે, જેથી આજી નદીમાં પાણીની આવક વધતાં નદી કાંઠે ન જવા માટે લોકોને સૂચન કરવામાં આવ્યું છે. આ સમયે ફાયરબ્રિગેડની ટીમને આજી નદીમાંથી એક પુરુષની લાશ તરતી મળી આવી હતી, જેથી તેને રેસ્ક્યૂ કરીને પોલીસને જાણ કરાઈ હતી. હાલ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આખો કાટમાળ મારી ઉપર પડ્યો
હાલ શહેરના રામનાથપરા વિસ્તારમાં 135 વર્ષ જૂના મકાનની છત ધરાશાયી થઈ હતી. આ અંગે ભોગ બનનાર પ્રવીણભાઈ ગણાત્રાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે સવારે ધોધમાર વરસાદ ચાલતો હતો ત્યારે મારા ઘરની બહાર એક જોરદાર અવાજ આવ્યો, એટલે હું દરવાજો ખોલીને જોવા ગયો એ સાથે જ ઉપરથી આખો કાટમાળ મારી ઉપર પડ્યો હતો અને મને ખભા તથા મોઢા પાસે ઈજા થઈ છે.

ફાયર શાખા દ્વારા બચાવની કામગીરી હાથ ધરાઈ
આ સાથે તેમના પાડોશી નાથાભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે સવારે 6 વાગ્યાની આસપાસ જયારે ધોધમાર વરસાદ ચાલુ હતો એ સમયે અચાનક જોરદાર અવાજ આવ્યો એટલે અમારી પાસે રહેતા પ્રવીણભાઈ દરવાજો ખોલવા ગયા અને તેમના પર મકાનની છત પડી ગઈ હતી. તેમણે તરત મારા નામની બૂમ પાડી એટલે હું ત્યાં પહોંચ્યો અને મેં તેમને ત્યાંથી બહાર કાઢ્યા હતા. આ મકાન 135 વર્ષ પહેલાંનું છે એટલે સ્વાભાવિક છે એમાં આવું થઈ શકે. હાલ રાજકોટ મનપાની ફાયર શાખા દ્વારા બચાવની કામગીરી હાથ ધરાઈ છે.

રતનપર ગામે અજાણ્યા પુરૂષની લાશ મળી
આ ઉપરાંત રાજકોટ-મોરબી હાઇવે પર કુવાડવા પાસેના રતનપર ગામે રામજી મંદિરના ગેઇટ નજીકથી આશરે 40 વર્ષના અજાણ્યા પુરૂષની લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ અંગે પોલીસે તપાસ કરતાં ગામલોકોએ એવું જણાવ્યું હતું કે મૃતક પુરૂષ માનસિક અસ્થિર જેવો હતો અને ઘણા સમયથી ગામમાં આટાફેરા કરી રખડતું જીવન જીવતો હતો. રાતે બિમારીથી બેભાન થઇ પડી ગયા બાદ આખી રાત વરસાદમાં પલળતાં અને ઠંડીમાં ઠૂંઠવાતા મોત થયાનું અનુમાન છે.

