
- અધિકારીઓ અને પદાધિકારીઓ માટે અમદાવાદમાં સનાથલ પાસે નવું સર્કિટ હાઉસ બનશે
- અંબાજીથી સાપુતારા વચ્ચે વનબંધુ ટૂરિસ્ટ સર્કિટ ડેવલપ કરવા રૂ.60 કરોડની ફાળવણી
- કચ્છના નિરોણા ખાતે હેન્ડીક્રાફ્ટ બજાર વિકસાવવામાં આવશે
ગુજરાત વિધાનસભામાં માર્ગ મકાન, વાહન વ્યવહાર અને પ્રવાસ વિભાગની પૂરક માગણીઓની ચર્ચા થઈ હતી.ત્રણેય વિભાગોની રૂપિયા 11,250 કરોડથી વધુની માંગણીઓ સામે વિપક્ષે ચર્ચાને અંતે તમામ કાપ દરખાસ્તો પાછી ખેંચી સંપૂર્ણ ટેકો જાહેર કરતા આ વિભોગોનું બજેટ પણ સર્વસંમતિથી પસાર થયુ હતુ.સૌરાષ્ટ્ર તરફથી આવતા VVIP, સરકારી રાજકીય અધિકારી, પદાધિકારીઓની સહુલિયત માટે અમદાવાદમાં સનાથલ રિંગ રોડ પર નવું સર્કિટ હાઉસ બાંધવાનો નિર્ણય કર્યાનું માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ વિધાનસભામાં જાહેર કર્યુ હતુ.
આ વર્ષે 1200 નવી ST બસો મુકવાનો નિર્ણય
સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં આ વર્ષે 1200 નવી ST બસો મુકવાનો નિર્ણય પણ કર્યાનું તેમણે ઉમેર્યુ હતુ. ST નિગમમાં બીએસ ફાઈવ ટેકનોલોજી આધારિત સુપર એક્સપ્રેસ 400 વાહનો, ગુર્જર નગરી 200 વાહનો તેમજ રેડી બિલ્ડ મીડી બસ 400 અને નોન એસી હાઈ એન્ડ બસ 200 મળી કુલ 1200 નવી બસો માટે રૂ.367 કરોડ ફાળવાયા છે. તદ્ઉપરાંત તેમણે અંબાજીથી સાપુતારા વચ્ચે વનબંધુ ટૂરિસ્ટ સર્કિટ ડેવલપ કરવા રૂ.60 કરોડની ફાળવણી પણ જાહેર કરી છે.‘ખુશ્બુ ગુજરાત કી’ એડ કેમ્પેનની સફળતાને શ્રેય આપતા, પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, આ કેમ્પેન થકી રાજ્યની મુલાકાત લેનારા પ્રવાસીઓની કુલ સંખ્યા 2010-11માં 198 લાખથી વધીને હાલમાં 609 લાખ પહોંચી છે.
247 કરોડના ખર્ચે 14-15 ટાવર ઊભા થશે
માર્ગ-મકાન મંત્રીએ જાહેર કર્યું હતું કે, જૂના સદસ્ય નિવાસને ધ્વસ્ત કરી તેના સ્થાને ધારાસભ્યો રહેવા માટે રૂ. 247 કરોડના ખર્ચે 14-15 ટાવર ઊભા થશે. ઉમરગામથી નારાયણ સરોવર સુધી 1600 કિમી લંબાઈનો કોસ્ટલ હાઇવે રૂ. 2,400 કરોડના ખર્ચે બનશે, જેમાં ખૂટતી કડીઓ જોડી કોસ્ટલ બેલ્ટને હાઇવે મળશે. ગ્રામીણ વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં જવા-આવવામાં પડતી મુશ્કેલીઓ નિવારવા 295 હયાત કોઝ-વેના સ્થાને રૂ. 461.50 કરોડના ખર્ચે ઊંચા પુલો બનાવાશે.
કચ્છના નિરોણા ખાતે હેન્ડીક્રાફ્ટ બજાર વિકસાવવામાં આવશે
રાજ્યમાં હાથ ધરવામાં આવનાર વિવિધ પ્રકલ્પો પૈકી કચ્છના નિરોણા ખાતે હેન્ડીક્રાફ્ટ બજાર વિકસાવવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં ધાર્મિક સ્થળોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ખર્ચવામાં આવેલા ભંડોળના 80 ટકા જેટલો ખર્ચ ઉઠાવવામાં આવશે, જ્યારે બાકીના 20 ટકા ખર્ચ જે તે ધાર્મિક સ્થળનું સંચાલન કરતા ટ્રસ્ટો દ્વારા ઉઠાવવામાં આવશે. 14મી ગુજરાત વિધાનસભામાં હાલ અંદાજપત્ર સત્ર ચાલી રહ્યું છે. પૂર્ણેશભાઈ મોદીએ સભા ગૃહમાં પ્રવાસન વિભાગને ફાળવવામાં આવેલા બજેટની વિગતો આપતા આ માહિતી આપી હતી

