
- પાટીદાર સમાજના હજારો યુવાનો સરકારની તાનાશાહીનો ભોગ બન્યા છેઃ હાર્દિક પટેલ
- ખોડલધામ ક્યારેય રાજકીય પ્લેટફોર્મ નહીં બનેઃ નરેશ પટેલ
પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા માટે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે નવી રણનીતિને લઈ હોટલમાં પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. એમાં તેમણે કહ્યું હતું કે જો 23 માર્ચ પહેલાં પાટીદારો સામેના કેસો પાછા નહીં ખેંચવામાં આવે તો ફરી પાટીદાર આંદોલન થશે. હવે હાર્દિક પટેલે પાટીદાર સમાજના આગેવાન અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલને ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રમાં હાર્દિક પટેલે નરેશ પટેલને જણાવ્યું છે કે, પાટીદાર સમાજના હજારો યુવાનો સરકારની તાનાશાહીનો ભોગ બન્યાં છે. હું આપને રાજકીય જીવનમાં જોડાવા માટે કોંગ્રેસના કાર્યકર તરીકે પત્ર લખીને અપીલ કરી રહ્યો છું
મને કોઈ આમંત્રણ મળ્યું નથીઃ નરેશ પટેલ
હાર્દિક પેટલના આ પત્રને લઈને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, પત્રની જાણ મને હજુ હમણા જ થઈ છે. હાર્દિકભાઈ સાથે વાત કરવાની બાકી છે. પત્રનું માધ્યમ મને ખબર નથી.વાત થાય પછી જ હું પત્ર અંગે કહી શકું.જ્યારે કોઈ રાજકીય પક્ષમાં જોડવાવાની વાત છે ત્યારે ખોડલધામ ક્યારેય રાજકીય પ્લેટફોર્મ નહિ બને. રાજકારણમાં જોડાવું તે મારો અંગત નિર્ણય હશે. ચૂંટણી નજીક હોય અને ત્યારે રાજકારણમાં જોડવાનો યોગ્ય સમય બાબતે કોઈ સ્પષ્ટતા નહિ સમય આવે યોગ્ય નિણર્ય કરશે. નરેશ પટેલે કોંગ્રેસની મુખ્યમંત્રી તરીકેની વાતને લઈને કહ્યું કે લોકોએ જે બોલવું હોય તે બોલી શકે અને મારા પાસે આવી કોઈ વાત આવી નથી.
બીજી બાજુ ભાજપ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે, હાર્દિક પટેલને કોંગ્રેસમાં યોગ્ય સ્થાન નહીં મળતું હોવાના કારણે તેઓ નરેશ પટેલનો સહારો માંગી રહ્યાં છે. જ્યારે કોંગ્રેસના સુત્રો એવું કહી રહ્યાં છે કે નરેશ પટેલ જે પાર્ટીમાં જાય તે પાર્ટીને ફાયદો થઈ શકે એમ છે.
હાર્દિકે શું લખ્યું છે પત્રમાં
હાર્દિક પટેલે પત્રમાં લખ્યું છે કે ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષથી એક જ પક્ષનું શાસન છે. આ પક્ષની તાનાશાહી પ્રવૃત્તિથી આપણું ગરવી ગુજરાત છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિવિધ અન્યાયી પ્રથાઓ ભોગવી રહ્યું છે. કારણ એ પણ છે કે સત્તાપક્ષ પૈસા અને સરકારી તંત્રના જોરે બેફામ બની ગયો છે.સરકારની તાનાશાહીનો સૌથી વધુ ભોગ આપણા પાટીદાર સમાજના હજારો યુવાન બન્યા છે. પાટીદાર સમાજના હજારો પરિવાર ખેતી અને વ્યવસાયમાં અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તમે સારી રીતે જાણો છો કે કેવી રીતે આપણા ખેડૂતોની માગણીઓ સંતોષવામાં આવતી નથી અને શાસક પક્ષના નેતાઓ દ્વારા તમામ સ્તરે આપણા વેપારીઓને કેવી રીતે હેરાન કરવામાં આવે છે.
આ અન્યાયી વાતાવરણમાં હું તમને આગળ આવવા અને સક્રિય રાજકીય જીવનમાં જોડાવા માટે અપીલ કરું છું. 2015થી મારા જેવા યુવાનો અન્યાય સામે જંગ લડવા નીકળ્યા છે, તેવા યુવાનોને તમારું આ પગલું નવી આશા આપશે. આજે પણ હજારો પાટીદાર યુવાનો આંદોલન સમયના ખોટા કેસોથી પીડાય છે. પાટીદાર સમાજને અનુભવી નેતૃત્વની જરૂર છે. હું તમને માત્ર વિશાળ અને મજબૂત પાટીદાર સમાજના યુવા સભ્ય તરીકે નહીં, પણ ગુજરાત કોંગ્રેસના કાર્યકર તરીકે પણ પત્ર લખી રહ્યો છું. હું તમને વિનંતી કરું છું કે તમે કોઈપણ બાહ્ય પરિબળોને ભૂલી જાઓ અને પાટીદાર યુવાનો પર વિશ્વાસ રાખીને રાજ્યનાં હિત અને અસ્તિત્વની લડાઈના શ્રીગણેશ કરો.
હાર્દિક પટેલે તાજેતરમાં સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું
પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા માટે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે નવી રણનીતિને લઈ હોટલમાં પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. એમાં તેમણે કહ્યું હતું કે જો 23 માર્ચ પહેલાં પાટીદારો સામેના કેસો પાછા નહીં ખેંચવામાં આવે તો ફરી પાટીદાર આંદોલન થશે.લાંબા સમય બાદ સરકાર સમક્ષ વાત પહોંચાડવા માગું છું. સરકારને વિનંતી છે કે ચેતવણી જે સમજવું હોય એ સમજે. નેતા કે પક્ષના આગેવાન તરીકે નહીં, પણ સમાજના આંદોલનકારી તરીકે હું આ કહેવા માગું છું. આંદોલન માત્ર પાટીદાર સમાજનું નહોતું, તમામ સમાજના લોકોને આંદોલનના લાભ મળ્યા છે. માર્ચ-2017 બાદ આનંદીબેન પટેલે કેસ પરત ખેંચવા કહ્યું હતું, કેસ પરત ખેંચવા સમાજના અગ્રણીઓ સાથે વાત કરી હતી. આનંદીબહેને 140 કેસ પરત ખેંચ્યા હતા.
કોંગ્રેસમાંથી રાજીનામું આપી આંદોલન કરી શકું છું
હાર્દિકે વધુમાં ઉમેર્યું કે અનેક સમાજના લોકોને લાભ મળ્યો છે, જેમાં OBC, SC, ST સમાજના યુવાનોને લાભ મળ્યો છે. અમારી લડાઈ સત્યના માર્ગે હતી. સી.આર પાટીલ પ્રો પાટીદાર પોલિટિક્સ કરવા માગે છે. જેના પર કેસ થયા તેઓ વિદેશ નથી જઈ શકતા, સરકારી નોકરી નથી મળતી, મારી પરના નહીં ખેંચો તો હું ઇલેક્શન નહીં લડી શકું. ચૂંટણી આવે એટલે ચર્ચા નથી કરી. 23 માર્ચ સુધીમાં સરકાર નિર્ણય કરે, નહીં તો સરકાર આંદોલન માટે તૈયાર રહે. સરકારે ડરાવવા અને ધમકાવવા માટે કેસ કર્યા છે. પોલીસ સારી હોય તો રાજકોટના કેસ તપાસો. રાજ્યમાં પાટીદાર સમાજને જાતિ અને ધર્મના વહેંચી ગુમરાહ કરવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ તરીકે રાજીનામું આપીને આંદોલન કરી શકું છું, સરકારથી ડરતો નથી.

