
- કેન્દ્ર સરકારના આદેશ બાદ ઇન્ડિયન એમ્બેસી સક્રિય થઈ
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે હાલ વિદ્યાર્થીઓની સુરક્ષાને સૌથી વધુ અગ્રીમતા આપવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા સતત ભારતીય દૂતાવાસમાં અને ભારત સરકારને પોતાની સુરક્ષા માટે કાર્યવાહીની માગ કરવામાં આવી રહી હતી. જેને આધારે આખરે ઇન્ડિયન એમ્બેસી દ્વારા કેન્દ્ર સરકારના આદેશ બાદ વિદ્યાર્થીઓને એરલિફ્ટ કરવાનું શક્ય ન હોવાથી પોલેન્ડ થઈને વિદ્યાર્થીઓને એરલિફ્ટ કરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. યુક્રેનના ટર્નપોલ સિટીમાં અભ્યાસ કરવા ગયેલા 25 જટેલા ભારતીય વિદ્યાર્થીઓને રોડ માર્ગે પોલેન્ડ લઈ જવાની કવાયત શરૂ કરાઇ છે.
પોલેન્ડ જતા વિદ્યાર્થીઓએ કહ્યું- સુરક્ષિત અનુભવી રહ્યા છે
સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં રહેતા અભિષેક નાણપરિયાએ દિવ્યભાસ્કર કરેલી વાતચીતમાં ત્યાંની સ્થિતિ અંગેની તમામ બાબતો વર્ણવી હતી. અભિષેકે કહ્યું કે અત્યારે 52 જેટલા વિદ્યાર્થીઓને પોલેન્ડ લઈ જવામાં આવી રહ્યા છે. જેમાં 38 જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતી છે અને 14 વિદ્યાર્થીઓ અન્ય રાજ્યના છે જે અમારી સાથે બસમાં છે. અમે બધા જ અત્યારે પોતાને થોડા સુરક્ષિત અનુભવી રહ્યા છે. કારણ કે બસ દ્વારા અમને પોલેન્ડ લઈ જવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ ત્યાંથી ભારત પરત લઈ આવવામાં આવશે એ પ્રકારની વિગતો અમને હાલ મળી રહી છે.
મુશ્કેલીના સમયે સરકાર દ્વારા મદદ
તમામ ભારતીય વિદ્યાર્થીઓની અંદર ઉત્સાહ વધે અને ભારતીય દૂતાવાસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અમારા તમામનો ઉત્સાહ વધ્યો છે. બસમાં બેઠેલા તમામ વિદ્યાર્થીઓ એક સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવીને પોતાના દેશ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી છે. અભિષેકે કહ્યું કે અમને પૂરો વિશ્વાસ છે કે આપણા દેશના તમામ વિદ્યાર્થીઓ અને અન્ય લોકો કે જેઓ યુક્રેનમાં છે તેઓ સહી સલામત હશે અને તેમને આવા મુશ્કેલીના સમયે સરકાર દ્વારા મદદ કરવામાં આવશે.

બંકરમાં રાખવામાં આવ્યા અને સ્થિતિ ખૂબ જ નાજુક
છેલ્લા કેટલાક સમયથી બંકરમાં રાખવામાં આવ્યા હતા. સ્થિતિ ખૂબ જ નાજુક છે. છ-સાત દિવસ પહેલાં તો એવું થતું હતું કે આ માત્ર વાતો છે પરંતુ ખરેખર જ્યારે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ ત્યારે અમારી પણ સ્થિતિ ખરાબ થઈ હતી. જોકે સુરક્ષા માટે અમને સતત બંકરમાં રાખવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. ગુજરાતના તમામ 38 વિદ્યાર્થીઓ સતત એમના પરિવારના સભ્યો સાથે સંપર્કમાં હતા. અમને યુક્રેનથી પોલેન્ડ લઈ જવા બાદ અમે સંપૂર્ણપણે સુરક્ષિત અનુભવ કરીશું એમાં કોઈ શંકા નથી. સરકારે ખૂબ જ ઝડપથી નિર્ણય લઈ લીધો છે.

ચારે તરફ બોમ્બ ધડાકાના અવાજો સંભળાતા હતા
વિદ્યાર્થીઓ માનસિક રીતે પણ થોડા સમય માટે હતાશ થઈ ગયા હતા. કારણ કે ચારે તરફ બોમ્બ ધડાકાના અવાજો સંભળાતા હતા. મોડી રાત સુધી રશિયા દ્વારા કરવામાં આવતા હુમલાને કારણે અમે લોકો ખૂબ જ ડરી ગયા હતા. સ્થિતિ ત્યારે વધુ ખરાબ થઈ કે મોલમાં ખરીદી કરવા ગયા ત્યારે ત્યાં ખૂબ ભીડ હતી અને એ જોતા અમને અંદાજ આવી ગયો હતો કે હવે તમામ લોકો પોતાની સુરક્ષા માટે જાતે બહાર નીકળ્યા છે અને થોડા સમય માટે ઘરમાં રહીને જરૂરિયાતનો સામાન એકત્રિત કરવો જરૂરી હોય તેવી સ્થિતિ હોવાને કારણે તમામ લોકો ખરીદી કરવા નીકળ્યા હતા. તેવી સ્થિતિ વચ્ચે અમારે સુરક્ષાની ચિંતા કરવાની શરૂઆત કરી હતી. અહીંની સરકાર દ્વારા પણ એક બાદ એક જાહેરાત કરવામાં આવી રહી હતી. મોબાઈલ પર આવતાં સમાચારોને કારણે અમે શું થઈ રહ્યું છે તેની તમામ વિગતો મેળવતા રહ્યા હતા.

