
- ગાઇડલાઇન તો 150ની છે ને એ દિવસે માત્ર 45 સમર્થકો હાજર રહ્યા હતા: લલિત વસોયા
રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટાના કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ શનિવારે પોતાના જન્મદિવસની ઉજવણી ટોળું (સગા-સંબંધી અને મિત્રો) ભેગુ કરીને કરી હતી, બીજી બાજુ ભાજપના પૂર્વ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયા હોમ આઇસોલેટ હોવા છતાં પોતાના અમરાપુરમાં આવેલા શૈક્ષણિક સંકુલમાં જઇને પતંગ ચગાવવાની મોજ માણી હતી.
મે માત્ર કેક જ કાપી હતી
MLA લલિત વસોયાને દિવ્યભસ્કરે એ જ્યારે સવાલ પૂછ્યો તો તેમણે કહ્યું હતું કે, ત્યાં ઉપસ્થિત બધાએ માસ્ક પહેર્યા હતા.ગાઈડલાઈનના નિયમોનો ભંગ નથી થયો માત્ર 45 સમર્થકો હાજર રહ્યા હતા. તેઓએ મારા બર્થડેની કેક કાપી હતી અને મારા રૂટિન કાર્યક્રમ વચ્ચે જ યુવા કાર્યકર્તાઓ સર્કિટ હાઉસ કે ખાતે કેક લઈ આવ્યા હતા તો અમે માત્ર કેક જ કાપી હતી. એક રાજકીય વ્યક્તિ તરીકે હું પણ માનું છું કે આવો કાર્યક્રમ ન ઉજવવો જોઈએ.
નેતાઓ ક્યારે લોકોની ચિંતા કરશે
ઉલ્લેખનીય છે કે ધોરાજી-ઉપલેટાના કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ ગઈકાલે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી, જેમાં તેઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને તેમના મિત્રો સાથે કોવિડ ગાઇડલાઇન્સનો ઉલાળિયો કરતા નજરે પડ્યા હતા. એક તરફ ધોરાજી તાલુકામાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના 250 કેસ નોંધાયા છે ત્યારે બીજી તરફ ધારાસભ્ય કેસની ચિંતા કરવા બદલે કેકમાં વ્યસ્ત છે. આવા સમયે લોકોની ચિંતા કરવાને બદલે ખુદ નેતાઓ જ નિયમો નેવે મૂકી જન્મદિવસની ઉજવણી કરવામાં વ્યસ્ત બની ગયા હતા. ત્યારે સવાલ એ છે કે નેતાઓ ક્યારે સુધરશે અને લોકોની ચિંતા કરશે કે કેમ.?

મેં પતંગ ચગાવી એ સમયે આખા કેમ્પસમાં કોઈ હતું નહીં
જયારે જસદણ વીંછીયાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાએ દિવ્યભસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યારે મારી તબિયત એકદમ સારી છે અને ગઈકાલે હું ડિસ્ચાર્જ થઈ ગયો છું એવો કોઈ નિયમ થોડો છે કે હોમ આઈસોલેશનમાં હોય તો રૂમને તાળું મારીને રાખવાનું ! આઈસોલેશનમાં હોય તો કોઈના સંપર્કમાં નહીં આવવાનું, બાકી અંદરને અંદર થોડું રહેવાનું હોય. એવો કોઈ નિયમ નથી. જે વખતે મેં પતંગ ચગાવી એ સમયે આખા કેમ્પસમાં કોઈ હતું નહીં. ગત રવિવારથી આ રવિવાર સુધી અને કોરોના હતો અને ગઈકાલે હું સાજો પણ થઈ ગયો. હવે જે વખતે મેં પતંગ ચગાવી એ વખતે ત્યાં કોઈ હતું જ નહીં. આ ઉંમરે મને એટલી તો ખબર પડે ને કે કોરોનામાં પતંગ ચગાવી ન જોઈએ. એ દિવસે બધા છોકરાઓ કેમ્પસની બહાર હતા.

તો શું નેતાઓ માટે આવા નિયમ લાગુ નથી પડતા
ઉલ્લેખનીય છે કે ઉતરાયણના દિવસે કુંવરજી બાવળીયાએ સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે,ઘણા વર્ષો બાદ આજે અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે પૌત્ર અર્જુન અને પૌત્રી દીવા સાથે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. ત્યારે શી સવાલ એ થાય છે કે એક તરફ તંત્ર હોમ આઇસોલેશનમાં રહેલા વ્યક્તિ પર નિયમિત નજર રાખવાના દાવા કરે છે તો શું નેતાઓ માટે આવા નિયમ લાગુ નથી પડતા.


