
- અવધ ક્ષેત્રની 71 બેઠક પર ભાજપ નબળો છે ત્યાં મજબૂત કરવા માઈક્રોપ્લાનિંગ કરાશે
- રાજકોટના 5 સહિત ગુજરાતના 24 નેતાઓ યુપીમાં બમ્પર જીત માટે રાત-દિવસ એક કરશે
સામાન્ય રીતે દિલ્હીની ગાદી હાંસલ કરવી હોય તો દરેક પક્ષ માટે ઉત્તરપ્રદેશને જીતવો જરૂરી હોય છે. આ જ કારણથી લગભગ દરેક પક્ષ અહીં પોતાનો પગ જમાવી રાખવા માટે મહેનત કરતો હોય છે. આવતાં વર્ષે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ફરી વખત અહીં સત્તાના સૂત્રો સંભાળવા માટે ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે. અત્યારે યુપી વિધાનસભામાં ભાજપનું શાસન છે તે જાળવવા માટે દેશભરમાંથી દિગ્ગજ નેતાઓને ત્યાં ઉતારવામાં આવી રહ્યા છે. રાજકોટ ભાજપમાંથી જૂના જોગીઓની ટીમ તૈયાર કરવામાં આવી છે. રાજકોટ સહિત ગુજરાતના 24 દિગ્ગજ નેતાઓ ઉત્તરપ્રદેશમાં પોતાના અનુભવનો નિચોડ ઉતારશે અને ભગવો લહેરાવવા યુપીને ગજવશે.
રાજકોટના 5 નેતાઓ ઉત્તરપ્રદેશ ગજવશે
રાજકોટ ભાજપની ટીમમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ભાજપ બક્ષીપંચ મોરચા-ગુજરાતના મંત્રી ઉદય કાનગડ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કશ્યપ શુક્લ અને કોર્પોરેટર જયમીન ઠાકરનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ સહિત ગુજરાત ભાજપના 24 નેતાઓ પક્ષને જીતાડવા એડીચોટીનું જોર લગાવશે.
ગુજરાતના નેતાઓને અવધ ક્ષેત્રની 71 બેઠકની જવાબદારી સોંપાઈ
ગુજરાતના 24 દિગ્ગજ નેતાઓને યુપીમાં ભાજપની બમ્પર જીત થાય તે માટેની જવાબદારી સોંપાઈ છે. આ 24 નેતાઓમાંથી રાજકોટનાં પાંચ નેતાઓને કોંગ્રેસ અને સપાના ગઢ રાયબરેલી અને લખીમપુર ખીરી વિસ્તારમાં ગાબડા પાડવાની કામગીરી સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ નેતાઓ 15 ડિસેમ્બરથી યુપીના પ્રવાસે નીકળશે તેવું રાજકોટ ભાજપના અલગ અલગ નેતા સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે. ગુજરાતના નેતાઓને ખાસ કરીને ઉત્તરપ્રદેશના અવધ ક્ષેત્રની 71 બેઠકની જવાબદારી સોંપાઈ છે.

કશ્યપ શુક્લને રાયબરેલીમાં 6 વિધાનસભા બેઠકની જવાબદારી સોંપાઈ
રાજકોટના નેતાઓના જણાવ્યા પ્રમાણે ઉત્તરપ્રદેશમાં 420 બેઠક છે જેમાંથી 71 બેઠકની જવાબદારી અમને મળી છે. અહીં ભાજપને ઓછી સીટ મળતી હોવાથી તેમાં વધારો કરવાની કામગીરી અમારે કરવાની રહેશે. કશ્યપ શુક્લને રાયબરેલીમાં 6 વિધાનસભા બેઠકની જવાબદારી સોંપાઈ છે. આ બેઠક પરથી કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને તે વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે. આ ઉપરાંત અન્ય નેતાઓને અયોધ્યા, ગોંડા, બરેલી સહિતના વિસ્તારોમાં ભાજપને જીતાડવાની જવાબદારી સોંપાઈ છે.

15 ડિસેમ્બરથી આ નેતાઓના ઉત્તરપ્રદેશમાં ધામા
15 ડિસેમ્બરથી આ નેતાઓ ઉત્તરપ્રદેશ પહોંચી જશે અને ત્યાં એક અઠવાડિયા સુધી કામ કર્યા બાદ ફરી ગુજરાત આવશે અને અહીંથી ઘટતી તૈયારીઓ કરીને ફરીથી ઉત્તરપ્રદેશમાં મુકામ કરશે. ઉલ્લેખનીય છે કે, બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પણ રાજકોટ ભાજપના નેતાઓને પ્રચાર માટે ઉતારવામાં આવ્યા હતા અને અહીંના નેતાઓએ પૂરી તાકાત લગાવી દીધી હતી. હવે આવી જ તાકાત યુપીમાં ભાજપને જીતાડવા માટે લગાવી દેવા હાઈકમાન્ડે આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

