
- આશ્રમને નવો લુક આપવા રુ. 1200 કરોડના પ્રોજેક્ટની ટીમના સભ્ય ગૌતમ પરમારે દિવ્ય ભાસ્કરને જણાવ્યો આખો પ્લાન
- મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સંસદના સેન્ટ્રલ વિસ્ટાના ડિઝાઈનર બિમલ પટેલ નવા ગાંધી આશ્રમ પ્રોજેક્ટની ડિઝાઈન કરી રહ્યા છે
- આખા આશ્રમમાં જૂના મોન્યુમેન્ટને જેમ છે એમ રખાશે, નવા લુકમાં ગ્રીનરી-ગાંધી શૈલી-સત્યાગ્રહ-આંદોલનોની છબિ રહેશે
ગુજરાતના પોરબંદરમાં જન્મ લેનાર મોહનદાસ કરમચંદ ગાંધી દેશના રાષ્ટ્રપિતા હોવાની સાથે સમગ્ર વિશ્વમાં ગાંધી વિચાર સાથે અમર થઈ ગયા છે. આજે મહાત્મા ગાંધી દરેક ભારતીયના મનમાં વસેલા છે, એવા સમયે અમદાવાદના સાબરમતી આશ્રમ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ થશે. એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે અને ટૂંક સમયમાં ગાંધી મૂલ્યો, વારસો અને શૈલી મુજબ 55 એકરમાં ગાંધી આશ્રમને વિસ્તારવામાં આવશે. ગાંધીજીના સમયના આશ્રમ જીવન અને એ સમયની પ્રવૃત્તિ ફરી જાગ્રત થશે. હાલ 5 એકરમાં ફેલાયેલો ગાંધી આશ્રમ વધીને 55 એકરનો થશે.આશરે રૂ.1200 કરોડના ખર્ચે સમગ્ર ગાંધી આશ્રમ સંકુલનો વૈશ્વિક સ્તરે વિકાસ કરાશે
1915માં કોચરબ આશ્રમની શરૂઆત થઈ હતી
ગાંધી આશ્રમ પ્રોજેકટ પર હાલ સેન્ટ્રલ વિસ્ટા પર કામ કરતા ડિઝાઈનર બિમલ પટેલ અલગ-અલગ ડિઝાઈન પર કામ કરી રહ્યા છે. હાલ આ પ્રોજેક્ટ પર આશ્રમની જગ્યા મેળવવા તેમજ આશ્રમને વિશ્વ સ્તરે ખ્યાતિ અપાવવા માટે કામ કરતી ટીમના સભ્ય ડીઆઈજી ગૌતમ પરમારે આશ્રમ વિશે કેટલીક બ્રહ્મત્વની વિગત દિવ્ય ભાસ્કરને જણાવી હતી. ગૌતમ પરમાર ખુદ ગાંધી આશ્રમમાં રહ્યા હતા, તેમનો અભ્યસ પણ ત્યાં થયો અને તેમની તમામ લાગણીઓ જોડાયેલી છે. હાલ તેઓ આશ્રમવાસીઓને વિસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે 1915માં કોચરબ આશ્રમની શરૂઆત થઈ ત્યાર બાદ સાબરમતી આશ્રમ શરૂ કરવાની જરૂર પડી હતી. કુલ 100 એકર આશ્રમની જગ્યા છે, જે 5 ટ્રસ્ટ વહીવટ કરે છે, એમાં 5 એકરમાં હાલ આશ્રમ અને આશ્રમવાસીઓ છે.
ગાંધી આશ્રમનાં તમામ જૂનાં સંસ્મરણો એમ નેમ જ રહેશે
હવે ગાંધી આશ્રમ 55 એકરમાં વિસ્તાર થશે, જેમાં ગાંધી આશ્રમના તમામ જૂનાં સંસ્મરણો એમ નેમ જ રહેશે, કોઈ આધુનિકતા આશ્રમમાં નહિ હોય, પણ ગાંધીનાં વિચારો, સ્મૃતિ, ગાંધીશૈલી પુનર્જિવિત કરવા માટેનો પ્રયાસ છે. આશ્રમમાં કુલ 270 ઘર છે, જેમાં 85 લોકોને 60 લાખ રૂપિયાના ચેક આપ્યા છે, જ્યારે અન્યને 90 લાખની બજાર કિંમતના હાઉસિંગ ફ્લેટ ઓફર કરવામાં આવી છે. આ બધાની સાથે અન્ય આશ્રમવાસીઓને જેમને ટેનામેન્ટ જોઈએ તેમને એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
55 એકરના આશ્રમમાં ગાંધી છબિ વિચારને ફરી જીવિત કરવાનો પ્રયાસ
ગાંધી આશ્રમને ગાંધીજીવનને પુનર્જિવિત કરવા માટે પ્રયાસ કરવામાં આવશે, કોઈપણ જૂનાં સ્ટ્રક્ચરને સ્પર્શ કરવામાં આવશે નહિ અને ગાંધીજીના સમયમાં કઈ રીતે આશ્રમ જીવન હતું, કંઈ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હતી તેમજ એ સમયમાં થયેલા સત્યાગ્રહ, આંદોલનની ઝલક ઊપસાવવા પ્રયાસ કરવામાં આવશે. 55 એકરમાં આશ્રમમાં ગાંધી છબિ વિચારને ફરી જીવિત કરવાનો પ્રયાસ છે.

નો નોઈશ, નો પોલ્યુશન હશે ગાંધી આશ્રમની થીમ
આશ્રમમાં વાડજ સ્મશાનથી બીજી તરફ આશ્રય હોટલ સુધીનો વ્હીકલ ઝોન બનાવવામાં આવશે, રસ્તો ડાઇવર્ઝન કરવામાં આવશે. એ માટે ડિઝાઇન જોવામાં આવી રહી છે. આશ્રમમાં ગ્રીન કવર વધારવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવશે. નો નોઈશ, નો પોલ્યુશન માત્ર સાદગી ગાંધી આશ્રમની થીમ હશે. ગાંધી આશ્રમ બન્યા બાદ વિશ્વ સ્તરે ઓળખ પામશે.

