
- શહેરમાં વૃક્ષો તેમજ ગ્રીનરી હટાવીને આડેધડ ઉદ્યોગો અને મોટાં મોટાં બિલ્ડિંગો બની રહ્યાં છે
- આગામી 4-5 વર્ષમાં અમદાવાદીઓને ઠંડીની સીઝનમાં પણ ગરમીનો અનુભવ થશે
અમદાવાદને ગુજરાતનું મેટ્રો સિટી કહેવામાં આવે છે. અન્ય શહેરોની સરખામણીએ સૌથી વધુ ઈન્ડસ્ટ્રીઝ તેમજ બિલ્ડિંગ અમદાવાદમાં જ હશે. આ સાથે જ હવે અન્ય રાજ્યોના બિઝનેસમેન પણ અમદાવાદમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે, જેને કારણે હવે અમદાવાદમાં ઘણી ઓછી જગ્યાઓ છે, જ્યાં ગ્રીનરી જોવા મળે છે. બિલ્ડરો જંગલો અને વૃક્ષો કાપી ગગનચુંબી ઇમારતો તૈયાર કરી રહ્યા છે. એક તરફ AMC દ્વારા અમદાવાદ શહેરમાં વૃક્ષોનું ગ્રીનકવર વધારવા અલગ અલગ વિસ્તારમાં આવેલા પ્લોટ તેમજ રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં વૃક્ષો વાવવાનો નિર્ણય કર્યો છે, ત્યારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ(IISC)ની ટીમે કરેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે વર્ષ 2030 સુધીમાં અમદાવાદમાં ગ્રીન લેવલ 3 ટકા પહોંચી જશે, જે અમદાવાદીઓ માટે એક મોટું સંકટ ઊભું કરી શકે છે અને 2030માં શિયાળામાં પણ અમદાવાદીઓને હીટવેવનો સામનો કરવો પડશે.
શિયાળામાં પણ ઉનાળો અનુભવશે અમદાવાદીઓ
જિયોગ્રાફિકલની ફોર્મ્યુલા અનુસાર, કોઈપણ શહેરમાં 15 ટકાથી વધુ ગ્રીન લેવલ હોવું જરૂરી છે, પરંતુ જે પ્રમાણે અમદાવાદમાં સતત વૃક્ષો તેમજ ગ્રીનરી હટાવીને ત્યાં આડેધડ ઉદ્યોગો અને મોટાં મોટાં બિલ્ડિંગો બની રહ્યાં છે એ જોતાં એવું માની શકાય કે આગામી 4-5 વર્ષમાં અમદાવાદીને ઠંડીની સીઝનમાં પણ ગરમીનો અનુભવ થશે. ગ્રીનરી ન રહેવાને કારણે ઓક્સિજનની ઘટ તેમજ પોલ્યુશન જે હાલમાં અમદાવાદમાં અન્ય શહેરોની સરખામણીએ વધુ જ છે, એ ગ્રીનરીના અભાવે આનાથી પણ ડબલ થઈ શકે છે.

દેશનું છઠ્ઠું મોટું શહેર અમદાવાદ પર ગ્રીનરીનું સૌથી વધુ સંકટ
IISC બેંગલુરુ દ્વારા સર્વેમાં જાણવા મળ્યું છે કે છેલ્લાં 20 વર્ષમાં અમદાવાદનું વૃક્ષ આવરણ 46%થી ઘટીને 24% થઈ ગયું છે, જ્યારે શહેરના બિલ્ટ-અપ એરિયામાં 132%નો વધારો થયો છે. સર્વે અનુસાર, 2030 સુધીમાં વનસ્પતિ આવરણ અમદાવાદના 3% વિસ્તારમાં જ હશે. અમદાવાદ દેશનું છઠ્ઠું સૌથી મોટું શહેર છે. 2011માં અમદાવાદની વસતિ 5.5 મિલિયન હતી. 1990થી 2010ની વચ્ચે અમદાવાદનો બિલ્ટ-અપ એરિયા 132% વધ્યો હતો, 1990માં 7.03% જમીન બિલ્ટ-અપ થઈ હતી, જે 2010માં 16.34% પર પહોંચી હતી અને 2024માં વધીને 38.3% થવાની શક્યતા દર્શાવે છે.
ગુજરાતમાં શહેરી વસતિમાં 42.5 ટકાનો વધારો
2011ની વસતિ ગણતરી અનુસાર, હાલમાં ગુજરાતમાં શહેરી વસતિમાં 42.6 ટકા(2.57 કરોડ)નો વધારો થયો છે (જણાવી દઈએ કે 1971માં 28.1 ટકા, 1981માં 31.1 ટકા અને 1991માં 34.49 ટકા હતી). જોકે હાલની સ્થિતિને જોતાં એવું માની શકાય કે 2021ના અંત સુધીમાં અંદાજે 3.5 કરોડ વસતિ શહેરોમાં વસવાટ કરશે, એટલે કે એને સ્માર્ટ બનાવવામાં ધીરે-ધીરે વૃક્ષોના આવરણ તેમજ હવાની ગુણવત્તામાં ઘટાડો થતો જઈ રહ્યો છે. આ સ્થિતિ હાલમાં સૌથી વધુ પ્રદૂષણનું સંકટ અમદાવાદ પર છે, જેને રોકવા માટે સરકાર દ્વારા વૃક્ષોરોપણના અનેક કાર્યકર્મો હાથ ધરવામાં છે.

અમદાવાદમાં ગ્રીન લેવલ જાળવી રાખવું કેમ જરૂરી?
શહેરી વાતાવરણમાં સૌથી ગંભીર પ્રદૂષક કાર્બન ગેસ, નાઇટ્રોજન ઓક્સાઈડ, સલ્ફ્યુરિક ઓક્સાઈડ અને કણોનું પ્રદૂષણ હોય છે. સૂર્યપ્રકાશની હાજરીમાં અસ્થિર કાર્બનિક સંયોજનો (VOCs) વચ્ચેની રાસાયણિક પ્રતિક્રિયાઓ દ્વારા જમીનસ્તરનું ધુમ્મસ બનાવે છે. ઉચ્ચ તાપમાન આ પ્રતિક્રિયાના દરમાં વધારો કરે છે. વાહન પ્રદૂષણ, ઔદ્યોગિક સુવિધાઓ, પાવર પ્લાન્ટ અને રાસાયણિક દ્રાવક એ નાઇટ્રોજનના ઓક્સાઇડ, અસ્થિર કાર્બનિક સંયોજનો અને ધૂળના કણોના મુખ્ય સ્રોત છે. કણોનું પ્રદૂષણ અથવા કણ પદાર્થ સૂક્ષ્મ દ્રાવણ અથવા પ્રવાહી ટીપાંથી બનેલા હોય છે જેનાથી ફેફસાંની પેશીઓમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ગંભીર આરોગ્ય સમસ્યાઓ થાય છે.
વૃક્ષો જ નહીં હોય તો હવા-પાણીની ગુણવત્તાનો ખતરો રહેશે
વૃક્ષો શહેરી લેન્ડસ્કેપનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. એ હવા અને પાણીની ગુણવત્તા સુધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને ઘણા પર્યાવરણીય અને સામાજિક લાભો પૂરા પાડે છે. વૃક્ષો 24 કલાક આપણા માટે વાતાવરણ અને જીવનની ગુણવત્તામાં સુધારો લાવવા માટેનું કાર્ય કરે છે. ઠંડકની અસર ઉપરાંત વનસ્પતિ આવરણ, પ્રદૂષણ અને સસ્પેન્ડ કરેલા સૂક્ષ્મ પદાર્થોને ઘટાડીને શહેરી વાતાવરણમાં સુધારો કરે છે. જોકે આજે અનેક લોકો પોતાના લાભ માટે જંગલો સાફ કરીને ત્યાં બિલ્ડિંગો તેમજ અન્ય ઉદ્યોગો ઊભા કરતા જાય છે. જો આ રીતે ચાલતું રહ્યું તો આગામી 4-5 વર્ષમાં અમદાવાદમાં માત્ર પ્રદૂષણ જ પ્રદૂષણ જોવા મળશે, એટલે કે શહેરની સ્થિતિ દિલ્હી કરતાં પણ વધુ ખરાબ બની શકે છે.

પ્રદૂષણ અટકાવવા કયાં વૃક્ષોનું સૌથી વધુ મહત્ત્વ છે?
મોટા ભાગના કણોનું પ્રદૂષણ ધૂમ્રપાન અથવા ડીઝલ સૂટ તરીકે શરૂ થાય છે અને એ હૃદય તથા ફેફસાંના રોગોવાળા લોકો માટે આરોગ્યનું ગંભીર જોખમ અને તંદુરસ્ત નાગરિકોને બળતરા પેદા કરી શકે છે. પ્રદૂષણ ઘટાડવા અને હવાની ગુણવત્તામાં સુધારણા માટે વૃક્ષો મહત્ત્વપૂર્ણ, કોસ્ટેફેક્ટિવ સોલ્યુશન છે. કેટલીક જાતિનાં વૃક્ષો પ્રદૂષણના ઉપદ્રવ માટે વધુ સંવેદનશીલ હોય છે, જે છોડના વિકાસને નકારાત્મક અસર કરી શકે છે. આદર્શ રીતે એવાં વૃક્ષોની પસંદગી કરવી જોઈએ, જે વધારે પ્રમાણમાં પ્રદૂષિત વાયુઓ લે અને નકારાત્મક પ્રભાવોને પ્રતિરોધક હોય. એક સ્ટડી અનુસાર, અમેરિકાના પોર્ટલેન્ડ્સ શહેરમાં 14.7 લાખ વૃક્ષો દર વર્ષે 9 લાખ કિલો પ્રદૂષણને દૂર કરે છે.
‘બાયો-ડાઇવર્સિટી પાર્ક અમદાવાદનું નવું નજરાણું’
થોડા દિવસો પહેલાં જ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ચંદ્રનગરબ્રિજ પાસે આવેલા બાયો-ડાઇવર્સિટી પાર્કમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વૃક્ષારોપણ કર્યું હતું. બાયો-ડાઇવર્સિટી પાર્કની જગ્યા પર 45,000 વૃક્ષો વાવીને મિની જંગલ ઊભું કરવાની જાહેરાત કરી છે. આ પાર્કમાં ચંદન, સિંદૂર, સિરિસ, ઉમરો, રક્તચંદન જેવાં 170 પ્રકારનાં અલગ અલગ વૃક્ષો વાવવામાં આવશે, જેનાથી પક્ષીઓ આકર્ષાય છે. પહેલા 5000 જેટલાં વૃક્ષો વાવવામાં આવશે, ત્યાર બાદ બાકીનાં 40000 વૃક્ષો ત્રણ માસમાં રોપવામાં આવશે. પાંચ વર્ષ સુધી માવજત કરવામાં આવશે. આ પાર્કમાં ચાલવા માટે કાચો માર્ગ બનાવવામાં આવશે. ચાલુ વર્ષે સાબરમતી રિવરફ્રન્ટમાં કુલ 1.35 લાખ વૃક્ષો વાવવાનું આયોજન છે.

