
- નવી ટેક્સ વ્યવસ્થામાં PF અને LTC પર છૂટ શક્ય
- હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર ટેક્સ છૂટ વધી શકે છે
- હોમ લોન પર વ્યાજમાં વધુ એક વર્ષ માટે છૂટ
- ખેડૂત સન્માન નિધિની રકમ 2000 વધી શકે છે
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ વાંચવાની શરૂઆત કરી દીધી છે. કોરોના આવ્યા પછી આ પહેલીવાર સામાન્ય બજેટ પસાર થઈ રહ્યું છે. કોરોનાને ધ્યાનમાં રાખીને ભારતના ઈતિહાસમાં પહેલીવાર આ વર્ષે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટની શરૂઆત કરતાં નિર્મલાએ કહ્યું- આ બજેટનો પહેલો હિસ્સો છે- હેલ્થ એન્ડ વેલબીઈંગ. અમે બચાવ, સારવાર અને વેલ બીઈંગ પર ફોકસ કરવા માંગીએ છીએ. 64,180 કરોડ રૂપિયાના બજેટ સાથે નાણામંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના શરૂ કરાશે. નવી બીમારીઓનો ઈલાજ કરાશે. 70 હજાર ગામડાઓને વેલનેસ સેન્ટર્સને તેનાથી મદદ મળશે. 602 જિલ્લામાં ક્રિટિકલ કેર હોસ્પિટલ શરૂ કરાશે. નેશનલ સેન્ટર ફોર ડિસીજ કંટ્રોલને મજબૂત કરવામાં આવશે. ઈન્ટીગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પોર્ટલ શરૂ કરવામાં આવશે જેથી પબ્લિક હેલ્થ લેબ્સને કનેક્ટ કરાશે. 15 હેલ્થ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર્સ શરૂ કરવામાં આવશે. 9 બાયો સેફ્ટી લેવલ 3 લેબ શરૂ કરાશે.
વિપક્ષની નારેબાજી વચ્ચે બજેટના ભાષણની શરૂઆત કરતાં નિર્મલા સીતારમણે કહ્યું, હું 2021-22નું બજેટ રજૂ કરી રહી છું. લોકડાઉન ખતમ થતાં જ વડાપ્રધાને ગરીબ કલ્યાણ યોજનાની જાહેરાત કરી, જેમણે 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપ્યું હતું. 8 કરોડ લોકોને ફ્રી રસોઈ ગેસ મળ્યો. હું તે લોકોનો આબાર માનુ છું, જે લોકો સુધી જરૂરિયાતની સેવા પહોંચાડવાના કામમાં લાગ્યા છે. ત્યારપછી અમે બે વધુ આત્મનિર્ભર પેકેજ લાવ્યા. અમે જીડીપીના 13 ટકા એટલે કે 27.18 લાખ કરોડ રૂપિયાની કુલ રાહત આપી.
નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બજેટની સોફ્ટ કોપી સોંપ્યા પછી સંસદ ભવન પહોંચ્યા હતા. અહીં કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં બજેટને મંજૂરી આપવામાં આવી હતી.આ નિર્મલા સીતારમણનું ત્રીજું બજેટ હશે.આ બજેટથી સામાન્ય લોકો અને વેપારી જગત બન્નેને ઘણી આશા છે. આશાનું કારણ ગત વર્ષે 18 ડિસેમ્બરે આપેલું તેમનું નિવેદન છે. તેમણે કહ્યું હતું કે આ વખતનું બજેટ છેલ્લાં 100 વર્ષમાં ન આવ્યું હોય એવું હશે. 29 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થયેલા ઈકોનોમિક સર્વેમાં આના માટે ઘણા સંકેત આપવામાં આવ્યા છે. જો બજેટ આ સંકેતો પ્રમાણે રહ્યું તો આ પ્રકારની ખાસ વાતો જોવા મળી શકે છે..

ઈકોનોમિક સર્વે તૈયાર કરનાર મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રહ્મણ્યમે કહ્યું હતું કે સમય આવી ગયો છે જ્યારે સરકાર પોતાનો ખર્ચ વધારે અને લોકો પર ટેક્સનું ભારણ ઓછું કરે. જોકે ખાનગી કંપનીઓ હાલ ખર્ચ વધારવાની સ્થિતિમાં નથી. એટલા માટે સરકારે જ ખર્ચ વધારવો પડશે, પરંતુ ખર્ચ માટે સરકાર પાસે પૈસાની અછત છે. એટલા માટે ટેક્સમાં રાહતની આશા પણ ઓછી છે. એનાથી વિપરીત કોરોના શેષ લગાવવાની ચર્ચા છે, ભલે એ વધુ કમાણી કરતી કંપનીઓ પર લાગે.
અપડેટ્સ..
બજેટ રજુ થતા પહેલા નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે,બજેટ લોકોની આશાના અનુરૂપ જ રહેશે. સરકાર ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’ના મંત્ર પર જ કામ કરી રહી છે. બજેટથી આત્મનિર્ભર ભારત પેકેજને નવી દિશા મળશે. સાથે જ આપણે કોરોના મહામારીને અટકાવવા અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં સફળ થશું.


સુપર રિચ કોરોના શેષ લગાવવાથી સરકારની રેવેન્યુ વધશે
ઓક્સફેમની આકારણી છે કે ભારતના 954 સૌથી અમીર પરિવારો પર જો 4% ટેક્સ લગાવવામાં આવે તો GDPના 1% બરાબર એટલે કે 2 લાખ કરોડ રૂપિયાની રેવેન્યુ મળી શકે છે. આ પ્રકારે સેસ અથવા સરચાર્જ લગાવવાથી એમાંથી મળતા પૈસા કેન્દ્ર સરકાર પાસે જ રહે છે, રાજ્યોને એમાંથી ભાગ નથી મળતો.

નવી ટેક્સ વ્યવસ્થામાં છૂટ વધી શકે છે
ગત વર્ષે ઈન્કમ ટેક્સની નવી વ્યવસ્થા લાગુ કરાઈ હતી, જેમાં NPS એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમ ઉપરાંત બીજી કોઈ છૂટ નથી. એટલા માટે ઘણા ઓછા લોકોએ આ વિકલ્પને પસંદ કર્યો. સરકારે આના કોઈ આંકડા જણાવ્યા નથી. નાણામંત્રી આજે આ અંગે કોઈ આંકડો આપી શકે છે.
નવી વ્યવસ્થાને આકર્ષક બનાવવા માટે PF, LTC અને ડોનેશન પર ટેક્સમાં છૂટ આપવામાં આવી શકે છે. અમુક જાહેરાતો પર કોરોનાની અસર પણ જોવા મળી શકે છે. જેમ કે વર્ક ફ્રોમ હોમ સાથે જોડાયેલા ખર્ચાના કારણે નોકરીયાત લોકો માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા 50 હજાર રૂપિયા વધારવામાં આવી શકે છે. સેક્શન 80D હેઠળ હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર મળતા ટેક્સ બેનિફીટને પણ વધારી શકાય છે. 80C હેઠળ ઈન્વેસ્ટમેન્ટની લિમિટ 1.5 લાખ રૂપિયા છે. તેને પણ વધારવાના સૂચન સરકારને મળ્યા છે.
કોરોનાના કારણે હેલ્થકેર પર ખર્ચ બમણો થઈ શકે છે
હેલ્થકેર પર ખર્ચ સૌથી વધુ વધવાની સંભાવના છે. કોરોના વેક્સિન પર 25-30 હજાર કરોડ રૂપિયા ખર્ચ આવવાનું અનુમાન છે. હેલ્થ બજેટ ગત વખતે 67,484 કરોડ રૂપિયા હતું. આને બમણું કરી શકાયછે. નેશનલ હેલ્થ પોલિસી 2017માં કેન્દ્ર તરફથી હેલ્થકેર પર GDPના 2.5-3% સુધી ખર્ચ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. પરંતુ 2019-20માં આ 1.5% સુધી જ પહોંચી શક્યું. વર્લ્ડ હેલ્થ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા પ્રમાણે, હેલ્થ પર સરકારી ખર્ચના મામલામાં 189 દેશોની રેન્કિંગમાં ભારત 179માં સ્થાને છે.
હેલ્થકેર પર સરકારે બજેટ વધાર્યું તો લોકોને ખર્ચ બચશે
હાલ સ્વાસ્થ્ય પર થનાર કુલ ખર્ચમાં લોકોના ખિસ્સામાંથી 65% જાય છે. સર્વે પ્રમાણે સરકાર ખર્ચ વધારશે તો લોકોના ખિસ્સામાંથી થતો ખર્ચ ઘટીને 30% થઈ જશે.
કૃષિ દેવાનું લક્ષ્ય 19 લાખ કરોડ હોઈ શકે છે
ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખતા ખેતી પર ખાસ ધ્યાન આપવામાં આવી શકાય છે. પીએમ ખેડૂત યોજનામાં હાલ દર વર્ષે 6000 રૂપિયા મળે છે. જેમાં 2000 રૂપિયાનો વધારો થઈ શકે છે. કૃષિ દેવા માટે 19 લાખ કરોડ રૂપિયાનું લક્ષ્ય નક્કી કરી શકાય છે. જે ગત વર્ષે 15 લાખ કરોડ રૂપિયા હતું.
ઈકોનોમીમાં માંગ વધારવા માટે સસ્તા ઘર ખરીદવા અંગે પ્રોત્સાહન આપવામાં આવી શકે છે. અને કંઈ નહીં તો સરકાર ગત વર્ષની જેમ વ્યાજ પર 1.5 લાખ રૂપિયા સુધીની છૂટને વધુ એક વર્ષ માટે વધારી શકે છે. એટલે કે ઈનકમ ટેક્સ કેલક્યુલેશનમાં હોમ લોન પર વ્યાજમાં જે 2 લાખ રૂપિયાની છૂટ મળે છે, તેને વધારીને કુલ સાડા ત્રણ લાખ રૂપિયા કરી દેવાઈ હતી.
વિદ્યાર્થીઓને મફત સ્માર્ટફોન અને ટેબલેટ
કોરોનાના કારણે લગભગ વર્ષથી ઓનલાઈન ભણતર પર ભાર આપવામાં આવ્યો છે. સર્વે પ્રમાણે, બે વર્ષ પહેલા 36.5% ગ્રામીણ વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન, લેપટોપ અથવા કોમ્પ્યુટર હતા, હવે 61.8% પાસે છે.જેને વધારવા માટે ગામના વિદ્યાર્થીઓને સ્માર્ટફોન અને ટેબલેટ મફતમાં આપવાની કોઈ સ્કીમ લાવવામાં આવી શકે છે.
પ્રવાસી મજૂરો માટે આવી શકે છે સ્કીમ
કોરોનાના કારણે અસંગઠિત વિસ્તારના મજૂર વધારે પ્રભાવિત થયા છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશને ડિસેમ્બરમાં ગ્લોબલ વેજ રિપોર્ટ 2020-21 જાહેર કર્યો હતો. જેના પ્રમાણે, સંગઠિત વિસ્તારમાં વેતન 3.6% ઓછો થયો છે, પરંતુ અસંગઠિત વિસ્તારના કર્મચારીઓની કમાણી 22.6% ઘટી ગઈ છે. બીજી તરફ કર્મચારીઓની છટણી અને બીજા ખર્ચ ઘટાડવાથી લિસ્ટેડ કંપનીઓનો નફો 25% સુધી વધ્યો છે. બજેટમાં પ્રવાસી મજૂરોને સામાજિક સુરક્ષા હેઠળ લાવવા માટે અમુક જાહેરાત થઈ શકે છે.
આત્મનિર્ભર ભારત માટે ઈમ્પોર્ટ ડ્યૂટી વધી શકે છે
આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ અમુક વસ્તુઓ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવામાં આવી શકે છે. ગત વખતે પણ મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિકલ્સ પાર્ટ્સ સહિત ઘણી વસ્તુઓ પર ડ્યૂટી વધારવામાં આવી હતી. ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવાથી વિદેશથી આવતો સામાન મોંઘો થાય છે. આનાથી દેશમાં બનતા સામાનનું વેચાણ વધી જાય છે. નાના વેપારીઓ માટે GSTના નિયમ સરળ બનાવવામાં આવી શકે છે.
ગત વર્ષે બજેટના દિવસે શેર બજાર લગભગ 2.5% ગગડ્યું હતું
બજેટના દિવસે શેર બજારમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળે છે.મોદી સરકારના છેલ્લા 6 બજેટમાં 4 વખત બજાર નુકસાનમાં રહ્યું. જેમાંથી એક વચગાળાનું બજેટ પણ સામેલ હતું. ગત વર્ષે બજેટના દિવસે (1લી ફેબ્રુઆરી)બજાર 2.43% ઘટાડા સાથે બંધ થયું હતું.

