
- ગુજરાતી ભાષા માટે એટલો પ્રેમ હતો કે એ એમના હસ્તાક્ષર પણ ગુજરાતીમાં જ કરતાં
ગુજરાતી સાહિત્ય પરિષદના ચૂંટાયેલા પ્રમુખ પ્રકાશ ન. શાહ ફાધર વાલેસ વિશે જણાવે છે કે, ફાધર વાલેસ, આપણા વહાલેશરી ગયા. નવેમ્બર 1925થી નવેમ્બર 2020, બરાબર પંચાણું વરસનું પૂર્ણાયુષ ભોગવીને ગયા…. અને તે પણ ‘લીલી વાડી’ મૂકીને. સિત્તેરેક પુસ્તકો થયાં ગુજરાતીમાં, એ પછી એ કહેતાં કે દરેક પુસ્તક જાણે કે પ્રસવની પ્રેમપીડા લઇને આવે છે, અને હવે મેં વાડીના વહાલા ગણવાના છોડી દીધા છે. ઇસુ સંઘના પાદરી અને કૉલેજમાં ગણિત શિક્ષણ, એમને મૂળે સોંપાયેલુ કામ. આમ તો સ્પૅનિશ, પણ ભારતમાં ચાર દાયકા પરનો વસવાટ, અને એમાં પણ ચેન્નાઇ-પૂણેનો ટૂંકો ગાળો બાદ કરતાં અમદાવાદ એટલે ગુજરાતમાં ઘણો ખરો સમય.
કાકા કાલેલકરને આપણે સવાઇ ગુજરાતી કહીએ છીએ, અને એમના પછી હકભેર કોઇનો પાટલો પડતો હોય તો તે ફાધર વાલેસનો. શિક્ષક તરીકે એમને થયું કે વિદ્યાર્થીને શીખવવું તો એની માતૃભાષામાં જ જોઇએ. એ ગુજરાતી શીખ્યા અને નવા ગણિતમાં ગુજરાતી પરિભાષા પ્રયોજવામાં પહેલકારી બની રહ્યા. ‘જ્ઞાન ગંગોત્રી’ના વારામાં આ લખનારની જેમ જેમને પ્ર.ચુ. વૈદ્ય અને એમની વચ્ચેના સંવાદ કંઇક ખબર હશે, એ કલ્પી શકશે કે વિદ્યાપીઠ વર્ષોમાં ‘કાકાની ટંકશાળ’ કેવીક ચાલતી હશે.
પણ એમને ઝેવિયર્સ કૉલેજના ગણિતના અધ્યાપકમાત્ર તરીકે ખતવવાના હોય તો કદાચ આ અંજલિનોંધ સવિશેષ લખવાપણું નયે હોત. પણ છ દાયકા પર એક ઘટના બની – શબ્દ નથી જડતો, એને અનોખી કહું, અનેરી કહું કે અવનવી. એ ગુજરાતીમાં પુસ્તક લઇને આવ્યા – ‘સદાચાર’. સાવ સાદું ઘરગથ્થું નામ. ન કોઇ ચમકદમક ન કોઇ તડકભડક. જોકે, એક જાગતલ જણનું ધ્યાન તે તરફ ખેંચાયું અને એમણે ‘લેખક’ને ઓળખ્યો. એ જાગતલ જણ હતા ‘કુમાર’કાર બચુભાઇ રાવત. એવ્રી ઇંચ એન એડિટર! પાછળથી, વાતવાતમાં એમણે મને કહેલું કે સરલ એટલી જ પ્રાંજલ, પ્રાસાદિક થવા કરતી જે તળ ગુજરાતી સોડમ ફોરતી ભાષા હતી એ મને ગમી ગઇ. પાદરી બાવાની મીઠડી ભાષામાં શંકરની જળાધારી જેવોય દાખલો આવે, એવું એક પોતીકાપણું હતું.
બચુભાઇએ એમને ‘કુમાર’માં લખતા કર્યા અને સહૃદય ગુજરાતે એમને ઓળખ્યા, પ્રમાણ્યા ને વહાલા કીધા. વર્ગખંડના શિક્ષક મટી, અમારી છાત્ર યુવા પ્રવૃત્તિના નિમંત્રણથી એ જાહેર વ્યાખ્યાન માટે આવ્યા. એમનું, હું ધારું છું સેવાધર્મ વિષેનું, એ પહેલું ‘જાહેર ભાષણ’ હતું અને પંચાવન-સત્તાવન વરસ પર તે ‘ભૂમિપુત્ર’માં પ્રકાશિત થયાનું આ લખું છું ત્યારે સાંભરે છે. ફાધરે અમને વાતવાતમાં કહ્યું કે ઝેવિયર્સના મારા સાથીઓ મારી શિક્ષક તરીકેની કામગીરીમાં મને રાહત આપવા ઇચ્છે છે. ખાસ તો ટ્યુટોરિયલો અને પેપર તપાસવા વગેરે કામોમાંથી, કેમ કે, એમને લાગે છે કે હું યુવકો સાથે ભળું, પરિવારોના સંપર્કમાં આવું એ માટે આવી મોકળાશ જરૂરી છે.
ફાધરે, તમે જુઓ, કેવી કમાલ કરી. એમણે વિહારયાત્રાનો બિનસરકારી એથી અસરકારી, નરદમ નિજી એટલો જ સમાજ પરત્વે સ્નેહાર્ત પ્રકલ્પ હાથમાં લીધો. આંતરે દહાડે એક પરિવામાંથી બીજા પરિવારમાં રહેવા જવું અને ત્યાંથી સાઇકલ પર ઝેવિયર્સમાં વર્ગ લેવા જવું. સેંકડો પરિવારો સાથેની એમની આંતરગોઠડી વિશે એમણે કહ્યું અને લખ્યું પણ છે કે મને ઘેર ઘેર સોનાના ચૂલાનો અનુભવ થયો. આ બધું છાપાની કોલમોમાં પ્રગટ થતું ગયું અને ફાધર વાલેસ આપણા ઘર ઘરના માણસ બની ગયા. ગુજરાતી નવલકથા ક્ષેત્રે એકવાર જેમ શરદ બાબુ અને વિ. સ.ખાંડેકર ગુજરાતીવત્ ગાજતાં અને વંચાતાં નામો હતાં. સમાજલક્ષી કોલમકારીમાં ફાધર વાલેસ એક તબક્કે એવું એકમાત્ર ગુજરાતી નામ હતું.
આપણો એકનો એક રણજિતરામ ચંદ્રક એમને અપાયો, 1978માં, એ એમના અર્પણ પરત્વે એક અર્થમાં કૃતજ્ઞતાનું શીર્ષદૃષ્ટાંત લેખાશે. જોકે, ગુજરાત સરકારના સાહિત્યિક પારિતોષિકોમાં નિબંધ વિભાગમાં એમને પાંચ વરસ લાગટ પારિતોષિક મળેલું (પછી, જોકે, સરકારે સ્વાભાવિક જ નિયમ બદલ્યો, એમ ફાધર મંદ મંદ મરકતા કહેતા હતા.)
સાત-આઠ વરસ પર, સ્પનેથી એ થોડા સમય માટે અહીં આવ્યા ત્યારે એમણે આ લખનારને જિબ્રાન કૃત ‘સન ઑફ મેન’ના સુભદ્રા ગાંધી કૃત રૂપાંતરની હસ્તપ્રત જોઇ સરસ આવકાર નોંધ લખી આપી હતી. દેખીતી રીતે જ, પરંપરાગત ખ્રિસ્તમતથી ઉફરાટે એવો આ અભિગમ હતો. ફાધરે એક વાત સંભારી કે કાકાસાહેબને પહેલીવાર મળવાનું થયું, ઉમાશંકરને ત્યાં, ત્યારે કાકાએ મને કહેલું તમારા સાંપ્રદાયિક મતે નરકનો અધિકારી હું (એક બિનખ્રિસ્તી) તમને આવકારું છું! ફાધરે એમને કહ્યું હશે કે તમારી સોબતમાં તો હું ‘નરક’માં પણ કેમ ના હોઉં.
છેલ્લી નહીં પણ છેલ્લા જેવી આ મુલાકાતમાં એમણે કહ્યું કે ગુજરાતી ઉપરાંત હવે, સ્પૅનિશ મારફતે લૅટિન અમેરિકી સંપર્કમાં છું, અને વેબવિહાર એ વળી નવો તબક્કો છે. ‘આપણી ગુજરાતી કહેવત છે ને કે એક ભવમાં બે ભવ’. ફાધરે કહ્યું, ‘પણ મારે તો એક ભવમાં ત્રણ ભવ જેવો ઘાટ છે.’
- ફાધર વાલેસ ઘણા લોકો ઉપર ખાસ કરીને ગુજરાતમાં પોતાનો પ્રેમ વરસાવ્યો. તેમણે ગણિત અને ગુજરાતી સાહિત્ય જેવા વિવિધ ક્ષેત્રોમાં પોતાને પ્રતિષ્ઠિત કર્યા. તેઓ સમાજની સેવા કરવાનો પણ જુસ્સો ધરાવતા હતા. તેમના અવસાનથી દુઃખ થયું છે. તેમના આત્માને શાંતિ મળે. – નરેન્દ્ર મોદી, વડાપ્રધાન

