પુત્રના લગ્નના ત્રણ દિવસ પહેલા વેપારીના ઘરમાં તસ્કરો ત્રાટક્યા, 5 લાખ રોકડા અને દાગીનાની ચોરી

By Abhishek Raghuvanshi
3 Min Read

હિંમતનગર શહેરમાં તસ્કરોએ ત્રાસ કરી મૂક્યો છે. શહેરના ગોકુલનગર વિસ્તારમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવતા 6 લાખ 74 હજાર રુપિયાની મત્તાની ચોરી આચરી હતી. ઘરમાં લગ્ન હોઈ રોકડ રકમ અને સોનાનો સેટ રાખેલ હતો. જેને તસ્કરોએ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

શહેરમાં વધતી ચોરીઓને અંકુશમાં લેવી જરુરી છે. તાજેતરમાં જ એક એટીએમ ચોરીનો પ્રયાસ નોંધાયો હતો. જોકે આરોપી સ્થાનિક હોવાનું ખુલ્યુ હતુ અને ઝડપાઈ ગયો હતો. આ ઉપરાંત શહેરમાં બેરણાં રોડ પર પણ તસ્કરો ગત સપ્તાહે ત્રાટકીને ચોરી આચરી હતી. જેમાં રોકડ અને સોના ચાંદીના ઘરેણાંની ચોરી થઈ હતી.

લગ્નમાં મહેમાનો પહેલા તસ્કરો પહોંચ્યા!

શહેરમાં મહાવીરનગર વિસ્તારમાં ઈલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા પોપટભાઈ સાંકાભાઈ પટેલના ઘરે દિકરા હાર્દિકનું લગ્ન 17 જાન્યુઆરીએ છે. પરંતુ લગ્નના બે દિવસ પહેલા જ તસ્કરોએ ઘરમાંથી ચોરી આચરી છે. દિકરાના લગ્નને લઈ તેઓ ઉત્તરાયણના દિવસે ભાઈઓને આમંત્રણ આપવા માટે ગયા હતા. બીજી તરફ ઘરેથી પત્નિ અને પુત્રી તેમજ પુત્ર હાર્દિક ગામડે ગયા હતા. જ્યાં રાત્રી રોકાણ કર્યુ હતુ. આ દરમિયાન રાત્રે ઘરે મુખ્ય દરવાજો અને જાળી તોડીને તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા અને ચોરી આચરી હતી.

તસ્કરોએ બેઠકરુમ, રસોડું સહિત તમામ રુમમાં તમામ સામાન ફેંદી નાંખીને કિંમતી સામાન અને રોકડની શોધખોળ કરી હતી. જેમાં ઘરમાં રાખેલ બે તિજોરી ખોલી દીધી હતી. જેમા રાખેલ રોકડ અને સોનાના સેટની તસ્કરોએ ચોરી કરી હતી. બંને તિજોરીમાં પાંચ લાખ રુપિયા રોકડા મુકેલ હતા. તેમ જ બીજી તિજોરીમાં સોનાનો ત્રણ તોલાનો સેટ રાખેલ હતો એ ચોરી થયો હતો.

- Advertisement -

6.76 લાખની ચોરી

તસ્કરોએ બંને તિજોરીઓમાં રાખેલ રોકડ અને સોનાના સેટની ચોરી કરી હતી. સોનાના ત્રણ તોલા સેટની કિંમત 1 લાખ 74 હજાર 600 રુપિયા જેટલી છે. જ્યારે રોકડ રકમ લગ્ન ખર્ચ માટે રાખેલ હતી એ પાંચ લાખ રુપિયાની ચોરી તસ્કરોએ આચરી હતી. આમ ઘરનો દરવાજો તોડી ઉત્તરાયણની રાત્રે ઘરમાં ઘૂસીને તસ્કરોએ 6.76 લાખ રુપિયાની ચોરી આચરી હતી.

ઘટનાને પગલે હવે હિંમતનગર શહેર પોલીસ સ્ટેશને ચોરીનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. આ અંગે હવે સીસીટીવી આધારે તસ્કરોની કડીઓ મેળવવા માટે પ્રયાસ શરુ કર્યો છે. તો બીજી તરફ લગ્ન પહેલા જ તસ્કરોએ ચોરી આચરતા પરિવાર પર મુશ્કેલીઓ ઉતરી આવી છે.

Exit mobile version